શ્રી ખોડિયાર ચાલીસા

બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (18:44 IST)
અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,
આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
 
અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,
આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર,
ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ,
ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર.
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર.
તું તાતણિયા ધરાવાળી, દર્શન દઈ સુખ દેનાર,
ટાળતી દુઃખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ,
મડદાં તું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.
ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત,
પરચા પૂર્યા તેં ઘણાં, થઈ જગતમાં વિખ્યાત.
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર,
ત્રિશૂળ તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો ચમકાર.
ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર,
લોબડીઆળી આઈ તું, સહુને સુખ દેનાર.
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
જે ભાવે જે જે ભજે, તેને દર્શન દે સાક્ષાત્.
ધરા ધરામાં વાસ તારો, ત્રિશૂળ કર્યું નિશાન,
ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.
વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાં ચારણ ઘેર,
કર્યો મા તેં કુળ ઉદ્ઘાર, ખમકારી ખોડિયાર.
જન્મ્યાં મોમડિયાને ઘરે, છ બહેનોની સંગાત,
લાગી ખોડી કે,તાતને, પણ થઈ તું જગવિખ્યાત.
ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ,
પરચા કઈ જોવા મળ્યા, રા,નવઘણને સાચ.
ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,
સમરે જેહ જે ભાવથી, કામ તેના સફળ થાય.
દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્,
ધન્ય બની ગયું જીવન, જગમાં થયો વિખ્યાત.
ત્રણ વરસની ઉંમરે, પરચા પૂરતી માય,
હતી વરોળી વાંઝણી, થઈ દૂઝતી ગાય.
સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ,
પૂજે ખોડિયાર માતને, વલ્લભીપુરના ભૂપ.
ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર,
રોગ-દોગ સૌ ચાલી ગયા, થયું મુખ તેજ અંબાર.
શિહોરા કેરા ડુંગરે, કર્યો ખોડલ વાસ,
રંક રાય સૌ નમન કરે, મા પૂરે સૌની આશ.
નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય,
પંગુ વરજાંગ સુતને જો, ચડાવ્યો ડુંગર ક્ષણમાંય.
એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર,
ધુણાવ્યો ધુંધળીનાથને, પરચાળી તું ખોડિયાર.
એ…..ધૂણે મંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર,
માએ વગડાવ્યાં ડાકલાં, ધૂણે ધાંધલપર.
કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનું નામ,
દર્શનથી દુઃખડાં ટળે, મા ખોડિયારનું ધામ.
હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ,
મા કન્યાએ તવ કૃપાથી, ભસ્મ કીધો એ ભૂપ.
તાંતણિયા ધરા પાસે, ખોડલે કર્યા ધામ,
ભાવનગર નૃપતિઓનાં, મા કરતી સદા કામ.
ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત,
હે ખોડલ મા દયાળી, તું ભક્ત રક્ષા કરંત.
મા ખોડલ, મા દયાળી, જોને કરતી સહાય,
શરણાગત-રક્ષા નિત, જોને કરતી માય.
અંધને દેખતાં કરે, વાંઝિયાને આપે બાળ,
પરચા અપરંપાર ખોડલ, તું છે દીનદયાળ.
ખોડલ ખોડલ જે કહે, ને ઘરે નિરંતર ઘ્યાન,
તેની સહાયે સર્વદા રહે, તું ખોડલ માત.
દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય,
તો તૃણનો મેરુ બને, મૂંગો મંગળ ગાય.
મોમડિયાની બાળને, ભજતા પાતક જાય,
પાપ સરવ તેના ટળે, જીવન ઉન્નત થાય.
આધી-વ્યાધી સહુ પળે, ખોડલને દરબાર,
આશા સહુ પૂરી કરે, ખમકારી ખોડિયાર.
ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર,
ખમકારો જો કરે તો, ભવનાં દુખડાં જાય.
ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય,
તેને ભરોંસે નાવડી, ઊતરે પાર સદાય.
સહાય જેને ખોડિયારની, મનસા પુરણ થાય,
હર પળે હાજર રહે એ, ખમકારી ખોડલ માય.
લંગડાં બને સાજાં નરવાં, મા ખોડલને પ્રતાપ,
રોગી કૈંક થાય નિરોગી, મા ખોડલને પ્રતાપ.
લૂલાં લંગડાં ને દુખિયાં, આવતા માને દ્વાર,
હેતથી હસી રાજી કરી, ખોડલ કરતી વહાર.
ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય,
બિરુદ તારું જાય ના, ભરજે ના પાછો પાય.
‘મા’ ની લીલાનો નહિ પાર, જેનાં ઠેર ઠેર ધામ,
‘મા’ ના ગુણ ગાવાનો નહિ પાર, હૈયે એનું નામ.
શ્રી ખોડિયાર માતની જય

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર