અમરેલીથી 24 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેચ્યું

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:34 IST)
અમરેલી (એજંસી) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગઢ ગણાતા અમરેલી જિલ્લાની કુલ 6 બેઠકોમાં 72પૈકી 24 ઉમેદવારોએ ગઇકાલે ફોર્મ પાછા ખેંચી લેતા હવે 47 ઉમેદવારો મેદાનમાં લડશે.

અમરેલીથી પ્રાપ્ત માહિતી મુજબ લાઠી બેઠક પર અગાઉ અપક્ષ ઉમેદવાર આંબાભાઈ સવજીભાઈ કાકડીયાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેચ્યું હતું. યાદી મુજબબાબરામાંથી 3, લાઠીમાંથી 5, અમરેલીમાંથી 3, ધારીમાંથી 4, રાજુલામાંથી 6 અને સાવર-કુંડલામાંથી 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

લાઠી બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય બેચરભાઈ ભાદાણીને ટિકિટ આપતા દામનગરના પીઢ કોંગ્રેસી અગ્રણી હરજીભાઈ નારોલાએ અપક્ષ તરીકે ઝૂકાવ્યું છે. તેમને ફોર્મ પાછું ખેંચી લેવા માટે સમજાવવાના અનેક પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા. હરજીભાઈ નારોલા લાઠી-લીલિયા અને દામનગર પંથકમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે.

અગાઉ નામાંકન પર્ચાની ચકાસણી હાથ ધરાતા 129 પૈકી 57 ફોર્મ રદ થયા હતા અને 72 ઉમેદવારોના નામાંકનપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. પાછા ખેંચાયેલા 24 પૈકી 23 અપક્ષ અને 1 બસપાનાં ઉમેદવારનો સમાવેશ થાય છે. મુખ્ય વાત એ છે કે, ધારી બેઠક પર ટિકિટ નહીં મળતા કોંગ્રેસી અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. મનુભાઈ કોટડિયાના પુત્ર સુરેશભાઈ કોટડિયાએ બસપાના ઉમેદવાર તરીકે ઝૂકાવ્યું હતું. તેમણે આજે ફોર્મ પાછુ ખેંચી લીધું હતું.

વેબદુનિયા પર વાંચો