વિહિપનો મોદીને ફૂલ ટેકો જાહેર

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:59 IST)
નવી દિલ્હી (એજંસી) ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2007માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવાનું જાહેર કરતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના અધ્યક્ષ અશોક સિંઘલે ગઇકાલે જણાવ્યું હતું કે, આતંકવાદનો મુકાબલો કરવા માટે ગુજરાત રાજય મોડલ રાજય તરીકે સમગ્ર દેશમાં લાગુ કરવું જોઇએ.

સિંઘલે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ગોધરાકાંડ બાદ હિન્દુ સમાજે જે રીતે શાંતિનું પ્રદર્શન કર્યું છે તેનું આખા દેશમાં અનુસરણ થવું જોઇએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત મોડલનો અર્થ એવો નથી કે કોઇ સમુદાય વિરુદ્ધ હિંસા આચરવી. દેશના અનેક ભાગોમાં બનતી આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતા વિહિપ અધ્યક્ષે જણાવ્યું કે, જો હિન્દુ સમુદાય સંગઠિત થઇને તેની શક્તિનો અહેસાસ કરાવે તો મુસ્લિમ સમુદાય પોતાની પહેલ ઉપર આતંકવાદી તત્વોને ભોંયભેગા કરી દેશે.

સિંઘલે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂલ્લીરીતે પ્રશંસા કરતા કહ્યું કે, મોદીએ ગોધરાકાંડ બાદ અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી હતી. વર્ષ 2002થી લઇને આજદિન સુધી ગુજરાતમાં ક્યારેય કોમી રમખાણો થયા નથી અને શાંતિ બરકરાર છે.

જોકે, ગુજરાતની ચૂંટણીમાં હિન્દુ મતોના વિભાજનનો વિહિપ નેતાએ ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, ઉમા ભારતીના પક્ષ - ભારતીય જનશક્તિ પાર્ટીએ તેના ત્રણ ઉમેદવાર પાછા ખેંચી લીધા છે. સિંઘલે ઉમાની ભાજપમાં વાપસીનું સમર્થન કરતા કહ્યું હતું કે, વિહિપ તે માટે પ્રયાસરત છે.
ગત 21 નવેમ્બરે અત્રે વિહિપની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓ અંગે ચર્ચા થઇ હતી.

સિંઘલના કહેવા પ્રમાણે, વિહિપ નેતાઓનો એવો મત હતો કે, આ બન્ને રાજ્યોમાં ભાજપની ટક્કર ‘દંભી બિનસાંપ્રદાયિકતાવાદી’ કોંગ્રેસ સાથે થવાનો હોઇ હિન્દુ સંગઠનોએ કોંગ્રેસના પરાજય માટે કામ કરવું જોઇએ અને એક જુટ થઇને કોગ્રેસને હરાવવા માટે સખત પ્રયત્નો કરવા જોઇએ.

વેબદુનિયા પર વાંચો