લગ્નસરાએ ભારે કરી છે!

ધર્મેન્દ્ર વ્યાસ

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:12 IST)
અમદાવાદ (વેબદુનિયા) ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં લગ્નસરાએ ભારે કરી છે. નેતાઓને પ્રચાર કરવા માટેના સ્થળો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે મોટાભાગના સ્થળો લગ્ન સમારંભો માટે રોકાઈ ગયેલાં છે.

રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં આ વર્ષે નવેમ્બર અને ડીસેમ્બર મહીનાઓમાં મોટા પ્રમાણમાં લગ્નો આવ્યા હોવાથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે ભારે મુંઝવણ ઉભી થઈ છે. રાજકારણીઓને જાણવા મળ્યું છે કે મોટાભાગના ખુલ્લા ક્ષેત્રો અને કોમ્યુનીટી હોલ લગ્ન, રીસેપ્શન, વગેરે માટે અગાઉથી જ રોકાઈ ગયેલા છે અને ચૂંટણી પ્રચાર માટે ભાડે રાખી શકાય તેવાં ઝૂઝ સ્થળો બાકી રહેલાં છે.

કામચલાઉ પાણી નાસ્તાની વ્યવસ્થા કરવા માટે પણ ઉમેદવારને માણસો મળતા નથી.

એકલા અમદાવાદમાં જ 9મી ડીસેમ્બરે 5000 લગ્નો યોજાયેલાં છે. તમામ પક્ષોના મોટી સંખ્યામાં હોદ્દેદારો આ લગ્નોમાં રોકાઈ ગયેલા છે. અને ઘણા બધા પ્રસંગમાં તો હોદ્દેદારોનાં પોતાનાં જ કૌટુંબિક લગ્નો છે.

લગ્નોના કારણે 11મી અને 16મી ડીસેમ્બરે યોજાયેલા મતદાન ઉપર કોઈ અસર પડશે કે કેમ તે જોવાનું રહેશે.

અમદાવાદ શહેર વિસ્તારના ઉમેદવારોએ તો વહેલી સવારથી જ પોતાના પ્રચાર રાઉન્ડ શરૂ કરી દેવા પડે છે કારણ કે તેમના ઘણા બધા મતદારો લગ્ન સમારંભમાં જવાની ઉતાવળમાં હોય છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને દીનશા પટેલના મણીનગર મત વિસ્તારમાં પણ આવી જ હાલત છે.

કાર્યકરોના પોતાનાં જ કુટુંબમાં લગ્ન હોવાથી તેઓ મત દઈને ચૂંટણી પ્રચાર કરતા નથી.
જ્ઞાતિના આગેવાની ઘણા કિસ્સામાં તો ઉમેદવારને લગ્ન સમારંભમાં પહોંચી જઈને ચૂંટણી પ્રચાર કરવાની સલાહ આપે છે. જો કે બધા જ કુટુંબોને આ ગમતું નથી હોતું.

2002ની ચૂંટણી વખતે પણ આવી જ હાલત હતી. તે વખતે રાજકીય પક્ષો મતદારોને આજીજી કરતા હતા કે પહેલાં મતદાન કરીને પછી લગ્નમાં જજો!

વેબદુનિયા પર વાંચો