આણંદ વિધાનસભાનો જંગ કશ્‍મકશ ભર્યો

વેબ દુનિયા

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:18 IST)
આણંદ(વેબદુનિયા) આગામી 16મી ડિસેમ્‍બરના રોજ ચૂંટણી જંગમાં આણંદ બેઠક પર ભાજપા જ્‍યોત્‍સનાબેન પટેલ, કોંગ્રેસ તરફથી સોઢા પરમાર કાંતિભાઈ તથા માજી ધારાસભ્‍ય દીલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીએ ચૂંટણી જંગ ત્રિકોણીયાની સાથેનો જંગ કશ્મકશ ભર્યો બનશે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થયેલા જ્‍યોત્‍સનાબેન પટેલની જાહેરાત થતાં જ છેલ્લાં 13 વર્ષથી આણંદ વિધાનસભા મત વિસ્‍તાર પર ચૂંટાયેલા માજી ધારાસભ્‍ય દીલીપ પટેલ પોતાની પક્ષે ઘોર અવગણના થયાનું લાગતા શરૂમાં પોતે પક્ષનાં વફાદાર સૈનિક છે તેવું રણશિંગુ ફૂંકીને પક્ષ દ્વારા નક્કી થયેલ ઉમેદવાર માટે જીતાડવાનું આહવાન કર્યું હતું પરંતુ અંગરથી સમસમી ઉઠેલા દિલીપભાઈએ માનસિક રીતે અપક્ષ ચૂંટણી જંગ લડવાની તૈયારી કરીને જ બેઠા હતા અને પોતાના ટેકેદારોની લાગણી અને માંગણી ઘવાઈ હોવાનું બહાનું રજૂ કરી અપક્ષ ઉમેદવારી જાહેર કરતાં સ્‍થાનિક ભારતીય જનતા પક્ષમાં સોંપો પડી જવા પામ્‍યો હતો. આમ દિલીપભાઈની અપક્ષ ઉમેદવારીએ ભાજપને પુનઃ બેઠક જાળવી રાખવા ભારે મથામણ કરવી પડશે તેવું લાગી રહ્યું છે. જ્‍યારે કોંગી સોઢા પરમાર કાન્‍તીભાઈ ક્ષત્રીય સમાજમાં આગવું સ્‍થાન ધરાવતાની સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે. પરંતુ તેઓનું નામ કોંગ્રેસ અત્‍યંત મથામણ કર્યા બાદ ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે અંતિમ સમયે કરતાં સ્‍થાનિક કોંગીંમાં ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે અન્‍ય દાવેદારોમાં ચણભણ શરૂ થઈ ગઈ હતી. આમ છતાં કોંગ્રેસ મોવડી મંડળે ભાજપા તરફથી જ્‍યોત્‍સનાબેન પટેલ તથા દિલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીથી પટેલ સમાજના મતો વહેંચાઈ જશે. જ્‍યારે આણંદ મતવિસ્‍તારમાં આશરે 7,000 જેટલા ક્ષત્રીય મતદારો હોય તેનો સીધો લાભ કોંગ્રેસને મળે તેવી ગણતરી પૂર્વકનું આયોજન કરતા કાન્‍તીભાઈ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આમ છતાં બે રાજકીય પક્ષોની લડાઈ વચ્‍ચે દિલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારી બંને માટે માથાના દુ:ખાવા સમાન બની છે. કારણ કે કોંગ્રેસ માટે પણ સીધા વિજયની ગણતરી માનતાં હોય તો તેઓ માટે પણ યે જીત નહીં આસાન જેવી પરિસ્‍થિતિ નિર્માણ પામી છે. આમ, આણંદ વિધાનસભા બેઠકનો જંગ ભાજપા કોંગી નેતા અપક્ષ વચ્‍ચે ત્રિકોણીયો જંગ સાથે પ્રતીષ્ઠા ભર્યો જંગ બની રહ્યો છે જે નિઃશંક છે.

વેબદુનિયા પર વાંચો