વડોદરા

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:17 IST)
સંસ્કાર નગરી તરીકે જાણીતા વડોદરાને ગુજરાતના ચાર અગ્રગણ્ય શહેરોમાંથી એક માનવામાં આવે છે. તેનું પ્રાચીન નામ હતું વટપદ્ર. વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું વડોદરા એ ક્યારેક ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. તેથી અહીં ગુજરાતના અન્ય શહેરોની તુલનાએ મરાઠી સમાજની વસ્તી સારી એવી છે.

દક્ષિણ ગુજરાતમાં સ્થિત વડોદરા જીલ્લાની ઉત્તરે પંચમહાલ અને દાહોદ, દક્ષિણે ભરૂચ અને નર્મદા અને પશ્વિમે આણંદ અને ખેડા જીલ્લા આવેલા છે. ગુજરાતના મહત્વના ઔદ્યાગીક કેન્દ્રોમાંથી એક એવા વડોદરામાં ટેક્ષટાઈલ, પેટ્રોકેમિકલ, ઈજનેરી વગેરે ઉદ્યોગોએ સારો એવો વિકાસ સાધ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને લીધે ગુજરાતના શૈક્ષણિક કેન્દ્ર તરીકે પણ ખ્યાતનામ એવા વડોદરામાં આધુનિકતાની સાથે પ્રાચીન અસ્મિતાનો સરસ સમન્વય થયો છે.

ઐતિહાસિક દ્રષ્ટીએ વાત કરીએ તો સૌ પ્રથમ ઈ.સ. ૮૧૨માં વડોદરાનો વટપદ્ર તરીકે ઉલ્લેખ થયો હતો. દસમી સદીની આસપાસના સમયમાં આંકોટકા શહેર પાસે આવેલા વટપદ્ર ગામનું મહત્વ વધ્યું. ત્યારબાદ લગભગ એક હજાર વર્ષ પછી અઢારમી સદીમાં વડોદરા પર મરાઠી શાસકોએ કબજો જમાવ્યો અને તેની સાથે વડોદરા વિકાસની દિશામાં પ્રગતિશીલ બન્યું. ઈ.સ.૧૭૨૧ સુધી મુઘલ સામ્રાજ્ય વડોદરા પર વર્ચસ્વ ધરાવતું હતું. પણ ગાયકવાડ શાસક પીલાજી ગાયકવાડે મુઘલોને પરાસ્ત કરીને વડોદરા પર મરાઠી શાસકોનો ધ્વજ લહેરાવ્યો. આગળ જતા મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા પર વહીવટનો અધિકાર આપ્યો. ઓગણીસમી સદીની શરૂઆતે ૧૮૦૨માં બ્રિટીશ શાસન તંત્ર સાથે સંધિ પછી વડોદરાએ બ્રિટીશ શાસન તંત્ર હેઠળ સ્વતંત્ર રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો.

વડોદરાને સંસ્કાર નગરી તરીકે પ્રસ્થાપિત કરવામાં તેના લોકપ્રિય શાસક સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મહત્વનું યોગદાન આપ્યું. તેઓ ૧૮૭પમાં રાજગાદી પર બિરાજમાન થયા અને તેમણે વડોદરાના સામાજીક, સાંસ્કૃતિક, આર્થિક વિકાસના હેતુથી ફરજીયાત શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેમના પ્રયત્નોને લીધે વડોદરામાં યુનિવર્સિટી અને તે વખતે અત્યાધુનીક કહી શકાય તેવા પુસ્‍તકાલયની સ્થાપના અને શરૂઆત થઈ શકી.

મહારાજા સયાજીરાવે ઉદ્યોગજગતના વિકાસ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરતા વડોદરામાં કાપડ ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગો ગતિમાન બન્યા. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થતા વડોદરાના મહારાજાએ તેમના રાજ્યને ભારતીય ગણરાજ્યમાં સામેલ કરવાનો નોંધપાત્ર નિર્ણય લીધો. તેના પરિણામે આઝાદી પછી વડોદરા વહીવટી દ્રષ્ટીએ મુંબઈ રાજ્યના આધિપત્ય હેઠળ આવ્યું.

વડોદરાના દર્શનીય સ્થળો

લક્ષ્મીવિલાસ પેલેસ-
મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૮૯૦માં લક્ષ્મીવિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. મહારાજાએ શાહી કુટુંબના રહેણાંક તરીકે બંધાવેલા લક્ષ્મીવિલાસ પેલેસમાં જ હાલ પણ રાજવી ગાયકવાડ પરીવારના વંસજો વસે છે. ઈટાલીયન માર્બલનું સુદર બાંધકામ ધરાવતા આ મહેલમાં રાજાશાહી વખતના હથિયારો અને કાંસા તેમજ માર્બલ પર ઐતિહાસિક દસ્તાવેજોનો સુંદર સમન્વય જોવા મળે છે.

કિર્તી મંદિર
ગાયકવાડ શાસકોની યાદમાં નિર્મીત કિર્તી મંદિર હિન્દુ બાંધકામ શૈલી પ્રમાણે બનાવવામાં આવ્યું છે. સમગ્ર બાંધકામમાં પથ્થરનો પ્રશંસનીય ઉપયોગ કરવામાં આવ્યો છે. પથ્થરમાંથી નિર્મીત કિર્તી મંદિરના ડોમ, ટેરેસ, ઝરૂખા અને કેન્દ્રિય શીખર મનોરમ્ય છે. ખ્યાતનામ ભારતીય કલાકાર નંદલાલ બોઝે કિર્તી મંદિરની સજાવટમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના શાસનકાળ દરમિયાન શિક્ષણના મહત્વને પારખીને વડોદરા રાજ્યમાં ફરજીયાત શિક્ષણનો આદેશ આપ્યો હતો. તેમના પ્રયત્નોને લીધે લગભગ સો વર્ષ પહેલા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નિર્માણ થઈ શક્યું. પશ્વિમ ભારતની અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત યુનિર્સિટીઓમાં સ્થાન પામતી એમ.એસ.યુનિવર્સિટીના શિક્ષણને સન્માન અને ગર્વનું પ્રતિક ગણવામાં આવે છે.

મકરપુરા પેલેસ
મકરપુરા પેલેસના નિર્માણમાં ઈટાલીયન બાંધકામ શૈલીની છાપ જોવ મળે છે. હાલ અહીં ઈન્ડિયન એર ફોર્સની ટ્રેઈનીંગ સ્કૂલ કાર્યરત્ છે.

પ્રતાપવિલાસ પેલેસ
રાજવી પરિવારના રહેણાંક માટે બનાવાયેલો પ્રતાપવિલાસ પેલેસ લાલબાગ પાસે આવેલો છે. હાલ અહીં રેલ્વે સ્ટાફ કોલેજ કાર્યરત્ છે.

હજીરા
અકબરની સેનાના સેનાપતિ કુતુબુદ્દીનની યાદમાં હજીરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં આવેલું તે એકમાત્ર મોઘલકાળનું સ્થાપત્ય છે. અહીં આવનાર પ્રવાસીએ અચૂકપણે વાવ નીહાળવી.

ચાંણોદ
વડોદરાથી પ૦ કિલોમીટર દૂર આવેલું ચાંણોદ નર્મદા, ઓરસંગ અને ઐતિહાસીક સરસ્વતી નદીનું સંગમસ્થળ હોઈ ખાસ્સું ધાર્મિક મહત્વ ધરાવે છે. ગુજરાતભરમાંથી લોકો અહીં પિતૃ શ્રાદ્ધની વિધી માટે આવે છે. અહીં અનેક મંદિરો આવેલા છે. તે સિવાય વૈષ્ણવ બેઠક અને કપિલેશ્વર મહાદેવની દિવાલો પરનું ચિત્રકામ મનોરમ્ય છે. ચૈત્ર સુદ પૂનમે અહીં મેળો પણ યોજાય છે.

ઉપરોક્ત સ્થાનો સિવાય પ્રવાસીઓએ કમાટી બાગ, સયાજી બાગ, ઈસ્કોન મંદિર, આજવા નીમેટા અને સરદાર પટેલ પ્લેનીટોરીયમ અચૂકપણે નીહાળવા.

વેબદુનિયા પર વાંચો