આખરે વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું ઉકેલાયું, સતત 8મી વખત યોગેશ પટેલને રિપીટ કર્યા

વૃષિકા ભાવસાર

ગુરુવાર, 17 નવેમ્બર 2022 (11:27 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 182 બેઠકોમાંથી 181 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. જેમાં એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પરના ઉમેદવારના નામને લઇને ભાજપમાં કોકડું  ગૂંચવાયું હતું. જોકે, હવે માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે યોગેશ પટેલને રિપીટ કર્યા છે. આ અંગે યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે.

માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે યોગેશ પટેલને સતત 8મી વખત ટિકિટ આપી છે. આ અંગે યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ સાથે તેઓએ જંગી બહુમતીથી જીત મેળવશે તેવું પણ જણાવ્યું છે. તેઓએ ફોર્મ ભરવાની તમામ તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે. આ બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે યોગેશ પટેલ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા જશે. માંજલપુરમાં હિમાંશુ પટેલ, ડૉ.હિતેન્દ્ર પટેલ, સિટિંગ ધારાસભ્ય યોગેશ પટેલ અને કે.પી પટેલ સહિતના નેતાઓ દાવેદાર હોવાથી ભાજપને ઉમેદવાર પસંદગીમાં પ્રશ્ન ઊભો થયો હતો. વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારથી ધારાસભ્ય યોગેશ પટેલે 4 વખત રાવપુરા બેઠક પર ચૂંટણી લડી જીત મેળવી હતી. બાદમાં પાંચ વિધાનસભા બેઠકો થઇ હતી.  જેને લઇને તેઓ 2 ટર્મથી માંજલપુર બેઠકથી જીત મેળવતા આવ્યા છે. આ વખતે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, યોગેશ પટેલ 76 વર્ષની ઉંમરે પહોંચતા ભાજપ તેમની ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. પરંતુ ટિકિટને લઇને ધારાસભ્ય યોગેશ પટેલે આડકતરી રીતે હઠ લેતા ભાજપ મૂંઝવણમાં મુકાયું હતું. ત્યારે હવે ભાજપે તેમની માંગને સંતોષી લીધી છે, તેઓને સતત 8મી વખત આ બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર