ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 60.11 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ 73.02 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 53.83 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયું હતું. આજે 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર કુલ 788 ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં થઈ ગયો છે. હવે ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાશે. અને આઠ ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ આવશે.