ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી કરવા કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે

શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (12:38 IST)
મહેસાણાના એક ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીના પરિણામની સમિક્ષા કરી હતી જેમા મૂખ્ય સૂર એવો ઉઠયો છે કે,ભાજપે સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સાથે સાથે ઇવીએમમાં ય ચેડાં થયાં છે. આ શંકાને આધારે કોંગ્રેસે આગામી દિવસોમાં બેક ટુ બેલેટ આંદોલન શરૃ કરવા નિર્ણય કર્યો છે. સતત બે દિવસ સુધી કોંગ્રેસે હારનુ પોસ્ટમોર્ટમ કર્યું જેમાં એવા તારણો નિકળ્યાં કે, પ્રદેશ નેતાના મિસ મેનેજમેન્ટને લીધે અમુક બેઠકો કોંગ્રેસે ગુમાવવાનો વારો આવ્યો હતો.

શહેરી વિસ્તારોમાં નબળા સંગઠનને લીધે કોંગ્રેસની બેઠકોમાં વધારો થઇ શક્યો નહીં. ચિંતન શિબિરમાં હોદ્દેદારો-કાર્યકરોએ સરકાર ન બનાવી શકાયાનો રંજ વ્યક્ત કર્યો હતો. આખરે બેઠકમાં ઉમેદવારોથી માંડીને હોદ્દેદારોએ આખરે ઇવીએમ પર ઠીકરૃ ફોડયુ હતું. બેઠકના અંતે એવુ નક્કી કરવામાં આવ્યું કે, કોંગ્રેસ આગામી દિવસોમાં ઇવીએમ હટાવોની માંગ સાથે રાજ્યવ્યાપી અભિયાન શરૃ કરશે. કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે, અત્યારે લિગલ એક્સપર્ટના મત લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો પણ વીવીપેટના મામલે કોર્ટમાં જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. બેઠકમાં ખુદ ઉમેદવારોએ એવી ફરિયાદો કરી કે,કુલ મતો કરતાં ઇવીએમમાં ઓછા મત પડયાં છે તે શંકા ઉપજાવે છે. આ ઉપરાંત સ્ટ્રોંગરૃમમાં નમો વાઇફાઇ કનેક્ટ થઇ રહ્યું હતું જેના લીધે ઇવીએમને હેક થવાની શંકા પ્રબળ બની છે. આમ, ઇવીએમના મુદ્દે કોંગ્રેસ આંદોલન કરી આક્રમક રીતે જનમત મેળવવાના મૂડમાં છે. નોટા સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતાને લીધે દિગ્ગજ નેતા હાર્યા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ હારી ગયા હતાં. આ મુદ્દે પણ ચિંતન શિબિરમાં સમિક્ષા કરવામાં આવી હતી. પોરબંદરમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા હાર્યા તેના પાછળના કારણો એ હતાં કે, બીએસપી અને નોટાને વધુ મતો મળતાં કોંગ્રેસને આ બેઠક પર હારનો સામનો કરવો પડયો હતો.  સ્વૈચ્છિક સંગઠનો ઇવીએમ હટાવો ઝુંબેશમાં જોડાશે વિધાનસભાની ચૂંટણી પરિણામ બાદ એક્ઝીટ પોલ જાહેર થતાં જ ઇવીએમ પ્રત્યે આમ જનતામાં શંકા પ્રવર્તી હતી. ગુજરાતના પરિણામ બાદ આ મુદ્દો વધુ શંકાની દ્રષ્ટિએ જોવાઇ રહ્યો છે. આ જોતાં કોંગ્રેસે રાજ્યવ્યાપી અભિયાન છેડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની જ નહીં, દેશભરની કેટલીક સ્વૈચ્છિક સંસ્થા,સામાજીક સંગઠનો પણ આ અભિયાનમાં જોડાવવા તૈયારીઓ કરી રહ્યાં છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર