શંકરસિંહ માટે વજુભાઈ વાળાની આ ભવિષ્યવાણી સાચી પડશે? (જુઓ વીડિયો)
શનિવાર, 20 મે 2017 (13:06 IST)
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો ચર્ચાઈ રહી છે. આ ચર્ચાને જોતાં હાલમા 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ મોદી પીએમ પદની તાજપોશીના નિર્ણય બાદ તેમને વિદાય આપવા માટે ગુજરાત વિધાનસભાના ખાસ સત્રમાં તત્કાલિન અધ્યક્ષ વજુભાઈ વાળાએ પોતાના સંબોધનમાં જે કહ્યું હતું તે વીડિયો હાલમાં વાયરલ થવા પામ્યો છે.
આ વીડિયોમાં વજુભાઈના ઉચ્ચારણોથી સમગ્ર ગૃહમાં હાસ્યની છોળો ઊડી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા અને ખડખડાટ હાસ્ય વેરતા નજરે પડે છે.વાઈરલ વીડિયોમાં વજુભાઈ વાળા વડાપ્રધાનપદે પહોંચેલાં નરેન્દ્ર મોદી અને શંકરસિંહની સરખામણી કરતા કહે છે કે, અત્યારે નરેન્દ્રભાઈ અને શંકરસિંહ બંને જુદા જુદા રાજકીય પક્ષોમાં છે પરંતુ બંને નેતાઓ સંઘ(RSS)ના સ્વયંસેવકો છે. બંનેની વિચારધારા એક જ છે. એટલે કે, મગની બે ફાડ જુદી જુદી હોય તો પણ મૂળ તો મગના જ હોય! કાશ્મીરી પંડિતો અને અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના મુદ્દાનો ઉલ્લેખ કરતાં તેઓ આગળ ઉચ્ચારે છે કે, દેશની આવી સમસ્યાઓની ચિંતા બંને નેતાઓના મનમાં છે. રાજકારણમાં પક્ષપલટાને સહજ ગણાવતા તેમણે કાઠિયાવાડી લહેકામાં કહેવત ટાંકતા કહ્યું કે, ‘આજે ભલે બંને જુદા જુદા પક્ષમાં હોય પરંતુ ‘ડાંગે માર્યા પાણી જુદા ન થાય’-આજ નહીં તો કાલે ભેગા થવાના છે, અત્યાર સુધીમાં મોટા ભાગના ભેગા થઈ ગયા છે અને બાકી રહી ગયા છે એ આજે નહીં તો કાલે ભેગા થવાના જ છે!! ભાજપનું ગોત્ર ધરાવતા વાઘેલા ફરીથી ભાજપમાં જાય તેવી અટકળો સમયે આ વીડિયોથી અનેક લોકો વાઘેલાનો ભાજપ પ્રવેશ નિશ્ચિત માની રહ્યા છે.