ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનો ખતરો ટળ્યો, હજી દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા આદેશ

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (12:02 IST)
ઓખી વાવાઝોડાની અસર તળે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડું મંગળવારે સાંજે 7 કલાકે સુરતથી 270 કિમી દૂર પહોંચ્યું હતું. વાવાઝોડાને કારણે દરિયામાં પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની છે. વાવાઝોડું ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.  

મંગળવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અડધાથી 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત પર સૌથી વધુ અસર હોવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય સચિવ જે.એન. સિંઘ સાથે સુરત પહોંચ્યા હતા અને તાકીદની બેઠક બોલાવી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. સમુદ્રમાં માછીમારી માટે ગયેલી 13 હજાર જેટલી બોટને પાછી બોલાવી લેવાઈ છે.  સુરતના દરિયાકાંઠે આવેલા 29 ગામના 3,360 લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ અને વલસાડ જિલ્લાના 7 હજાર જેટલા અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. ઓખી વાવાઝોડાંની અસરને પગલે દક્ષિણ સૌરાષ્ટ્રનાં અમરેલી, ગિર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનાં સમુદ્રતટે માછીમારી પ્રવૃત્તિને ભારે અસર પહોંચી છે.  અંદાજે 13,000થી વધુ બોટો પરત આવીને કિનારે લંગરવામાં આવી છે.  રાજ્યના તમામ બંદરો પર 2 અને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ફસાયેલા માછીમારોને રેસ્ક્યુ કરવા માટો કોસ્ટગાર્ડ કામગીરી કરી રહ્યું છે. દરિયાકિનારે વસેલા માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર