લ્યો બોલો આમ આદમી પાર્ટી પાસે ફંડ નથી? ખાતામાં 28 લાખ હશે તો જ પાર્ટીના ઉમેદવારને ટિકીટ મળશે

શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (14:46 IST)
એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે ત્યારે આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં નહીં ઝંપલાવે એવી ચર્ચાઓ પ્રકાશમાં આવી હતી. કેજરીવાલની અનેક મુલાકાતો રદ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીવાર એવી ચર્ચા પ્રકાશમાં આવી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવશે અને આગામી સમયમાં તેની જાહેરાત પણ કરશે. ફંડને લઈને અનેક આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો સામે એક શરત મૂકી છે. જો આપની ટિકિટ પર કોઈને ચૂંટણી લડવી હોય તો તેના બેંક અકાઉન્ટમાં ઓછામાં ઓછા 28 લાખ રુપિયા હોવા જરુરી છે. આ શરત પાછળ એ તર્ક અપાઈ રહ્યો છે કે, ચૂંટણી લડવા પાછળ ઘણો ખર્ચ આવે છે, માટે ઉમેદવાર આર્થિક રીતે સદ્ધર હોય તે જરુરી છે. રાજ્યમાં પક્ષના પ્રભારી અને રાષ્ટ્રીય સ્તરના નેતા ગોપાલ રાયે શુક્રવારે પક્ષના સભ્યો સાથે મુલાકાત કરી અને આ પ્રસ્તાવ પર વિચાર કર્યો હતો. આ બેઠકમાં સામેલ થનારા એક સભ્યએ જણાવ્યું હતું કે, કોઈ ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 28 લાખ રુપિયા હોવા જોઈએ, જેથી તે યોગ્ય રીતે પ્રચાર કરી શકે. બાકીની શરતો પર વાત કરતા આપના પ્રવક્તા હર્ષિલ નાયકે જણાવ્યું હતું કે, ઉમેદવારની છબિ સાફ હોવી જોઈએ અને તેનું પોતાના વિસ્તારમાં સારું નેટવર્ક હોવું જોઈએ. સાથે જ ઓછામાં ઓછા બે લોકો એવા હોવા જોઈએ કે જે બૂથ મેનેજ કરી શકે. પક્ષના કાર્યકર્તાઓઓના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી 17 સપ્ટેમ્બરથી જોરશોરથી ચૂંટણી પ્રચાર શરુ કરવાની છે. કાર્યકર્તાઓને જણાવાયું છે કે, અનેક જગ્યાઓ પર કાર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે. કાર્યકરોને આશા છે કે તેના માટે પરમિશન મળી જશે, પરંતુ શક્ય છે કે તારીખ બદલવી પડે. કારણકે તે જ દિવસે પીએમ મોદી ગુજરાતમાં છે. આમ આદમી પાર્ટી બધી નહીં તો થોડી બેઠકો પર ચૂંટણી ચોક્કસ લડશે તેવો કાર્યકર્તાઓને વિશ્વાસ છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ પોતાના 67મા જન્મદિને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનની શરુઆત કરશે. રાજ્યમાં ભાજપ બે દાયકાથી સત્તા પર છે. છેલ્લે 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 119 બેઠકો પર જીત મળી હતી, અને કોંગ્રેસે 57 બેઠકો પર વિજય મેળવ્યો હતો. રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે.

વેબદુનિયા પર વાંચો