મોદી પાટીદારોને કેવી રીતે મનાવશે ? બે ભાગમાં વહેંચાયેલા પાટીદારો માનશે ખરાં?
સોમવાર, 17 એપ્રિલ 2017 (14:31 IST)
ગુજરાતમાં અનામત આંદોલનને લઈને પાટીદારોમાં ભાજપ વિરોધી સુર વહી રહ્યો છે. તો બીજી બાજુ પાટીદારોનું એક ગ્રૃપ ભાજપની સાથે આગળ વધી રહ્યું છે. પાસના કાર્યકર્તાઓમાં હાર્દિક પટેલ અને તેના સાથીદારો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે.તો ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલનું ગ્રૃપ ભાજપની સાથે સાથે આગળ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં પાટીદારોની વાત કરીએ તો તેમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને આનંદીબેન તેમના નિશાના પર છે.
જ્યારે સુરત અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓમાં જે લોકો ભાજપની સાથે છે તેઓ જાહેરમાં આવતા પણ હવે વિચાર કરવા માંડ્યાં છે. એક બાજુ જોઈએ તો ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપના સરપંચો અને સભ્યો જીત્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો પાટીદારો જ ભાજપને મત આપીને જીતાડી રહ્યાં છે. હાર્દિક પટેલ ગુજરાતમાં પરત ફર્યા બાદ સતત આંદોલનને આગળ ધપાવી રહ્યો છે. જેથી એવું સ્પષ્ટ પણે સાબિત થાય છે કે પાટીદારોના રાજકિય ગૃપ બે ભાગમાં વહેંચાઈ ગયાં છે. એક ગૃપ જે છે તેને સરકાર મનાવવાના પ્રયત્નો નહીં કરે પણ લોકો સુધી વિકાસની વાતને આગળ કરીને આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં ઝંપલાવશે. તો કોંગ્રેસ પણ આ ગ્રૂપને નજરઅંદાજ કરીને ભાજપના ભ્રષ્ટાચારનો મુદ્દો આગળ કરશે પણ ભાજપથી નારાજ પાટીદારોને સાથ નહીં આપે તેવું રાજકિય સુત્રો તરફથી જાણવ મળ્યું છે. પાટીદારોના નારાજ સંઘમાં જે લોકો છે તેને સ્થાનિક નેતાઓ દ્વારા હાલમાં સમજાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યાં હોવાનું ચર્ચાઓમાં જાણવા મળ્યું છે. કારણ કે મોટાભાગના લોકો બિલ્ડર લોબીમાં જોડાયા હોવાથી સરકાર તેમને દબાવશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. બીજી બાજુ ઋત્વિજ પટેલ પણ પાટીદારોના યુવા ગ્રૂપને પક્ષની જવાબદારી સારી રીતે નિભાવવા માટે સમજાવી રહ્યાં છે. બે ભાગમાં વહેંચાયેલા પાટીદારો હાલ કોની તરફ છે એ જાણવું રાજકિય પક્ષો માટે પણ આકરુ છે પણ આ લોકો કોના તરફી છે એતો ચૂંટણીમાં જ સમજણ પડે એમ છે. હાલમાં સરકાર આંદોલનને દબાવી દેવાના પ્રયત્નો કરી રહી હોવાનું પણ કાર્યકરો કહી રહ્યાં છે. જો ભાજપ સરકાર આંદોલન કારીઓને ફરી જેલ વાસમાં મોકલશે તો તેની ખરાબ અસર સર્જાય એમ હોવાથી જેમ ચાલે છે તેમ ચાલવા દેવામાં સરકારને વધુ રસ છે.