બ્લુ વ્હેલની ગેમમાં ફસાયેલી કોંગ્રેસનો આખરી એપિસોડ પરિણામ બતાવશે - મોદી

સોમવાર, 11 ડિસેમ્બર 2017 (17:13 IST)
ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતેની  સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં  કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં જ્યારે પૂર આવ્યું ત્યારે અહીંની જનતા પૂરના પાણીમાં બચવા માટે મથામણ કરતી હતી અને કોંગ્રેસના નેતાઓ સ્વીમિંગ પૂલમાં ઝબુકિયા મારી રહ્યાં હતા. કોંગ્રેસવાળા હાલ બ્લૂ ટૂથ, બ્લૂ ટૂથ બોલી રહ્યાં છે, પરંતુ તેઓ એ બંધ કરી દે કારણ કે તેઓ બ્લૂ વ્હેલમાં ફસાણા છે અને 18મી તારીખે આ બ્લૂ વ્હેલનો આખરી એપિસોડ જોવા મળવાનો છે.

ભાજપ માટે મતદાન કરવાનું જનમેદનીને કહેતા મોદીએ કહ્યું છેકે તમારે સોનાનું ઇંડુ આપતી મરઘી જોઇએ છે કે પછી આ મરઘીને કાપીને પૂરી કરવી છે. ઉત્તર ગુજરાતના લોકો પાણી માટે વલખા મારતા હતા. આપણી દિકરીઓ ભણવાનું છોડીને ત્રણ કિલોમીટર માટલા ઉંચકીને જતા હતા. અમારા નેતાઓએ ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડવા માટે ત્રણ ત્રણ પેઢી ઘસી નાંખી. નર્મદાનું પાણી આજે પહોંચ્યું. એકલા પાટણ વિસ્તારમાં પહેલા જેટલી ખેતી થતી તેમાં 100 ટકાનો વધારો થયો છે. આ લાભ મળ્યો છે. એક વખતનો નથી. કોંગ્રેસનું એક વખત માટે હોય છે. અમે તો તમારી સાત પેઢી તરી જાય તેવા કામ કરી રહ્યાં છીએ. આ પાણી પહોંચવાના કારણે પાક બમણો થયો છે. જે લોકોને જીરૂ અને વરિયાળીમાં ખબર નથી પડતી એ લોકો અમને વિકાસ કેવી રીતે કરવો તે સમજાવે છે. જો કોંગ્રેસ આવે તો બટાકાની ફેક્ટરીઓ નાંખશે. જેમને આટલી ગતાગમ નથી. ચણાનો છોડ હોય કે ઝાડ હોય જેમને ગતાગમ નથી. ગુજરાતનો માનવી કોંગ્રેસવાળા તમે જે ચૂંટણી સભામાં બોલ્યા છો. જૂઠાણા ચલાવ્યા છે, એ તમારું લેવલ શું છે એ અમને ખબર પડી, તમારી સમજણ કેટલી એ પણ ખબર પડી ગઇ અને તમે જેવા છો તેવા અમને કંઇ સમસ્યા નથી. તમે એક બેવાર બોલો તમારી ભૂલ છે, પણ છેલ્લા એક મહિનાથી એકનું એક બોલ્યા કરો, તમે માનીને બેઠા છો કે ગુજરાતની જનતાને ગતાગમ નથી પડતી તમે આ જે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે તેનો બદલો 14 મી તારીખે ખબર પડી જશે. આ કોંગ્રેસના નેતા સવાર સાંજ મને એક ગાળ આપે છે.  દિકરીઓને ભણાવવા અને ખેતીમાં આધુનિક ક્રાન્તિ લાવવા માટે કૃષિ મહોતસ્વ કર્યા હતા. છતાં કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી રહી છે. ગુજરાતની શાળાઓનું શિક્ષણ સુધરે એ માટે અમારી સરકાર ગુણોત્સવના કાર્યક્રમ કરે છે, બાળકો સાથે ભણતરની વાતો કરે છે. એ અમારા મતદારો નહોતા એ આપણી આવતી કાલ છે. આ હું જે વાતો કરું છું એ વિકાસના કામો છે. પણ જે લોકોની વચ્ચેની આવક બંધ થઇ ગઇ છે એ લોકોને મોદી ખુંચે છે. 14મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને મોદીની રક્ષા કરવાની જવાબદારી ઉત્તર ગુજરાતના ભાઇઓ બહેનોની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર