હાર્દિકે વિજય રૂપાણીને પડકાર ફેંક્યો. પોતાની સીટ બદલ્યા વિના ચૂંટણી લડી બતાવે

સોમવાર, 16 ઑક્ટોબર 2017 (12:02 IST)
હાર્દિક પટેલે એક ટેલીવીઝન ચેનલને આપેલા ઈન્ટવ્યુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધમકી આપતા પડકાર ફેંકયો હતો, કે તેમનામાં હિંમત હોય તો પોતાની વિધાનસભા બેઠક બદલ્યા વગર ચૂંટણી લડી બતાવે તો ખરા, હાર્દિકે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી લાંબા સમયથી અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના કારણે મારે તેમને આ કહેવુ પડે છે.

આ ટેલીવીઝન ચેનલના ઈન્ટરવ્યુમાં હાર્દિક અગાઉ કરતા વધુ  સમજદારી અને તર્કબધ્ધ જવાબ આપી રહ્યો હતો, હાર્દિકે પાટીદાર અનામતના મુદ્દા સહિત સમાજનો તમામ વર્ગ પરેશાન હોવાની વાત ઉપર ભાર મુકયો હતો, તેણે કહ્યું કે ગુજરાતના વિકાસની ભાજપ વાત કરે છે, તે વિકાસ માટે તો ગુજરાતનો એક એક  નાગરિક જવાબદાર છે, ગુજરાતનો વિકાસ સ્વંયભુ લોકો દ્વારા થયેલો વિકાસ છે. ઈન્ટરવ્યુ દરમિયાન હાર્દિકને વાંર વાંર તે ચૂંટણી લડી રહ્યા છે તેવો પ્રશ્ન પુછવામાં આવતા તેણે થોડીક કડકાઈ સાથે કહ્યું હતું હવે મને આ પ્રશ્ન કોઈએ પુછવો જોઈએ નહીં. હાર્દિકે પોતાનું કારણ સ્પષ્ટ કરતા કહ્યું કે તેની ઉમંર હજી નાની છે અને ચૂંટણી માટે નક્કી કરવામાં આવેલી ઉમંરનો તે હજી થયો નથી, પણ હાર્દિકે કહ્યું હતું કે આંદોલન બે પ્રકારે થઈ શકે છે. પહેલા રસ્તા ઉપર અને પછી વિધાનસભામાં, જો વિધાનસભામાં બેઠેલા લોકો તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર થશે નહીં તો તે યુવાનોએ  વિધાનસભામાં પણ દાખલ થવું પડશે. હાર્દિક કોંગ્રેસ તરફ જઈ રહ્યો છે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેણે કહ્યું કે હું ભાજપ અને કોંગ્રેસ કોઈની ગુલામી કરવા માગતો નથી, અમારી માગણી હમણાં ભાજપ સામે છે, અને આવતીકાલે કોંગ્રેસની સરકાર આવશે તો પણ આંદોલન ચાલુ રહેશે. છતાં હાર્દિકે ગુજરાત વિકાસની ટીકા કરતા કહ્યું હતું કે દેવું કરી વિકાસ કરી શકાય નહીં, કેશુભાઈ પટેલની સરકાર વખતે 32 હજાર કરોડનું દેવું હતું, જે વધીને હવે અઢી લાખ કરોડ થઈ ગયું છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી મેટ્રો ટ્રેનની વાત થયા કરે છે હવે બુલેટ ટ્રેનની વાત શરૂ કરી છે. દેશને સ્માર્ટ સિટીની નહીં સ્માર્ટ ગામડાઓની જરૂર છે, ગુજરાતના લાખો યુવાનો બેકાર હોય ત્યારે કઈ રીતે કોઈ વિકાસ કર્યો છે તેવું કહી શકે  અને જો ખરેખર વિકાસ થયો હોત તો પ્રજા ગૌરવયાત્રાને વધાવી લેતી તેના બદલે ગૌરવયાત્રા દોડાવવી પડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર