ગાંધીનગરના આર્કબિશપના પત્રથી વિવાદ, લોકશાહીનું રક્ષણ કરે તેવા નેતાઓને ચૂંટવાના છે
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (12:48 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગાંધીનગરના આર્કડિયોસેસ આર્કબિશપ થોમસ મેકવાન દ્વારા ક્રિશ્ચિયનોને સંબોધીને લખેલા પત્રથી વિવાદનો વંટોળ ફાટી નીકળ્યો છે. જેમાં તેમણે એવી હાકલ કરી છે કે, 'આપણા દેશની બિનસાંપ્રદાયિક્તા અને લોકશાહી જોખમમાં મૂકાઇ છે. હવે આપણે માનવીય અભિગમ ધરાવતા એવા નેતાઓને ચૂંટવાના છે જેઓ ભારતીય બંધારણને દગો આપે નહીં. આપણે ભારતને કટ્ટરવાદીઓથી બચાવવાનું છે.'
આ પત્રથી વિવાદ સર્જાતાં થોમસ મેકવાને એવો ખુલાસો કર્યો છે કે 'આ પત્ર ભાજપ-કોંગ્રેસની તરફેણ કે વિરોધમાં નથી. દર વખતે આવો પત્ર લખવામાં જ આવતો હોય છે અને તમામ નાગરિકોને મત આપવા અપીલ કરી છે. ચોક્કસ કોમ્યુનલ તાકાતમાંથી સારા ઉમેદવારને મત આપી પસંદ કરવા હાકલ કરી છે. ' ૨૦૧૧ની વસતિ ગણતરી અનુસાર ગુજરાતની કુલ વસતિમાં ક્રિશ્ચિયનો ૦.૫૨% છે. થોમસ મેકવાને આ પત્રમાં લખ્યું છે કે, 'ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. આ ચૂંટણીનું પરિણામ આપણા દેશની દિશા અને દશા નક્કી કરવા માટે મહત્વનું બની રહેશે. આપણા દેશની બિનસાંપ્રદાયિક્તા અને લોકશાહી દાવ પર મૂકાઇ છે. માનવ અધિકારોનો વારંવાર ભંગ થાય છે, બંધારણિય હક પર તરાપ મારવામાં આવી રહી છે. ચર્ચ કે તેની સાથે સંકળાયેલા લોકો પર હૂમલો થવાની ઘટના છાસવારે બની રહી છે. લઘુમતિઓ અને પછાત જાતિઓમાંથી આવતા લોકોમાં અસલામતી વધી ગઇ છે.કટ્ટરવાદીઓ આપણા દેશમાં હાવી થવાને આરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ઘણો જ ફરક પાડી શકે તેમ છે. ' કેથોલિક આર્કડિયોસેસ દ્વારા આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો હોય તેવું પ્રથમ વાર બન્યું છે. આર્કબિશપ થોમસ મેકવાનના મતે આ પત્ર લખવા માટે તેમનો કોઇ મલિન ઇરાદો નહોતો અને ઉમેર્યું છે કે, 'આ પત્ર ફક્ત ક્રિશ્ચિયન સમુદાયમાં મોકલાયો છે. આપણે સારી વ્યક્તિ જ નેતા બને તેના માટે પ્રાર્થના કરવી જ જોઇએ. ગુજરાતમાં ક્રિશ્ચિયનોની વસતિ માત્ર ૦.૫ ટકા છે. પત્ર લખવા માટે મારો કોઇ બદઇરાદો નથી. આ પત્રને કેટલાક લોકો મતદારોમાં ભાગલા પડાવવા તરીકે જોઇ રહ્યા હોય તો તે કમનસિબ વાત છે.'