સુરતમાં કોંગ્રેસ વિરૂદ્ધ બેનરો લગાવાયાં, ટિકીટ નહીં ફાળવવાની ચર્ચાઓ વિરોધ જગાવ્યો

બુધવાર, 15 નવેમ્બર 2017 (13:41 IST)
કોંગ્રેસ પક્ષ દ્વારા દક્ષિણ ગુજરાતની એક પણ બેઠક પરથી મુસ્લિમને ટિકિટની ફાળવણી કરવામાં આવનાર નહીં હોવાની ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં થતા રોષ ફેલાયો છે. તેના ભાગરૂપે પૂર્વ વિધાનસભામાં સમાવિષ્ટ નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં મુસ્લિમને ટિકિટ નહીં તો મુસ્લિમના મત નહીંના બેનરો લગાડવામાં આવ્યા છે. કોંગ્રેસે પૂર્વ અથવા તો લિંબાયત વિધાનસભાની બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટના ફાળવણી કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

આ માટે મક્કાઇપુલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસના મંત્રી ફિરોઝ મલેકની આગેવાનીમાં બેઠક પણ યોજાઇ હતી. તેમાં એઆઇસીસીના સભ્ય હર્ષવર્ધન સપકાલેને રજુઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં એવુ પણ નક્કી કરવામાં આવ્યુ હતુ કે આગામી દિવસોમાં મુસ્લિમ વિસ્તારમાં તે અંગેના બેનર લગાડીને વિરોધ પણ કરવામાં આવનાર છે. તેના ભાગરૂપે નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં આજે મુસ્લિમને ટિકિટ નહીં તો મુસ્લિમના મત નહીંના બેનરો લગાડીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. તેના કારણે કોંગ્રેસના આગેવાનોમાં ચિંતા પેઠી છે. લિંબાયત, પૂર્વ વિધાનસભાની બંને બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા નિર્ણાયક રહેલી છે તેમાં મુસ્લિમ મતદાતાઓ કોંગ્રેસની વિરૂધ્ધમાં જાય તો બંને બેઠકો પર કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થાય તેમ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર