ગુજરાતના આ પૂર્વ આઈપીએસ અને હાલના વકિલ આગામી ચૂંટણીમાં પોતાનો પક્ષ રચીને ચૂંટણી લડશે

સોમવાર, 19 જૂન 2017 (13:04 IST)
બે વર્ષ પહેલાં જ આઈપીએસના પદ પરથી રાજીનામું આપીને વકીલ તરીકેનો વ્યવસાય સ્વીકારનાર ગુજરાતના સીંઘમ આઈપીએસ અધિકારી રાહુલ શર્મા હવે ગુજરાતમાં પોતાનો પક્ષ રચીને ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે.રાહુલ શર્માએ આ અંગે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી છે. 1992 બેચના પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ ફેબ્રુઆરી 2015માં રાજીનામુ આપી વકીલાત શરુ કરી હતી. રાહુલ શર્માએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમના રાજકીય પક્ષનું નામ સ્માર્ટ પાર્ટી હશે. આ વર્ષે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડશે.

સ્માર્ટ પાર્ટીની રચના માટે ઔપચારિકતાઓ 24 જૂને પૂર્ણ થવાની શક્યતા છે.રાહુલ શર્મા ગોધરા કાંડ બાદ તપાસ માટે રચવામાં આવેલા નાણાવટી કમિશન સામે હાજર થયા હતાં અને તોફાનો દરમિયાન મોટા નેતાઓ વચ્ચે થયેલી વાતચીતની સીડી કમિશનને સોંપી હતી.  વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી તોફાનો દરમિયાન રાહુલ શર્મા ભાવનગરના એસપી હતાં. તેમણે તોફાનો દરમિયાન એક મદરેસામાંથી લગભગ 400 બાળકોને બચાવ્યા હતાં. ત્યાર બાદ રાહુલ શર્માની અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી હતી. રાહુલ શર્માએ સ્માર્ટ પાર્ટી અંગે જણાવ્યું છે કે તેઓ ગુજરાતમાં દારુબંધીના અમલ અને ગુજરાતના દરિયા કિનારાના વિકાસ માટે કાર્ય કરશે. તેઓ લોકોને મોટા વાયદા નહીં કરે પરંતુ વાસ્તવિક વિકાસનો વાયદો કરશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે તેઓ લોકો પાસેથી દાન એકત્ર કરશે. 

વેબદુનિયા પર વાંચો