'પ્રથમ ગુજરાત' નામનું એક ગ્રુપ વિદેશમાંથી ગુજરાતમાં આવીને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે

ગુરુવાર, 2 નવેમ્બર 2017 (15:03 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમેરિકા સહિત વિવિધ દેશોમાં વસતા પાટીદારો ઉપરાંત ગુજરાતી યુવાનોની ફોજ પ્રચાર માટે ગુજરાત આવશે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયે આવી રહેલી આ NRIની ફોજ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં પાટીદાર સહિત વિવિધ સમાજો સાથે સરકારે કરેલા અન્યાયનો બદલો લેવા તથા ખાસ કરીને પાટીદાર સમાજ પર થયેલા અત્યાચારનો બદલો મતદાનના માધ્યમથી લેવા માટેનો એક પ્રયાસ કરશે.

આ NRIની ફોજ ગુજરાત આવે તે પહેલાં વિવિધ વિસ્તારોનો એક સર્વે તથા પ્રચારનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.  એક રીપોર્ટ પ્રમાણે પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં પાટીદારો પર થયેલા હુમલા અને અત્યાચાર સમયે પણ સક્રિય એવા અમેરિકામાં વસતા પાટીદારોએ એક અભિયાન ચલાવ્યું હતું અને તે સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ અમેરિકામાં પણ રજૂઆતો કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ પાટીદાર અત્યાચારને ગંભીર ગણાવી તપાસની ખાતરી આપી હતી. પરંતુ તેનો કોઇ ઉકેલ ન આવતાં અમેરિકાના પાટીદારો ભારે રોષે ભરાયેલા છે. એવા સમયે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમેરિકામાં વસતા પાટીદારોએ પ્રથમ ગુજરાત નામનું એક ગ્રુપ બનાવીને પાટીદાર સહિત વિવિધ ગુજરાતીઓને એકઠા કરી ગુજરાતની ચૂંટણીમાં વિવિધ સમાજોને થયેલા અન્યાયની લડતમાં જોડાવવા માટેની વ્યૂહરચના ઘડી કાઢી છે. જેમાં આ ગ્રુપના 70થી વધુ સભ્યો ચૂંટણી દરમિયાન ગુજરાત આવીને વિવિધ વિસ્તારોમાં પોતાના સમાજના આગેવાનો અને કાર્યકરોને મળીને પાટીદારો સહિતના સમાજોને ન્યાય અપાવવા માટે જોરશોરથી પ્રચાર કરશે.  છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની બીજા રાજ્યો સાથે સરખામણી કરતાં માહિતીના વિશ્લેષણ પરથી એવું માલુમ થાય છે કે, ગુજરાતમાં પ્રજાની મુશ્કેલીઓ વધી છે અને એના કારણે જ છેલ્લા અમુક વર્ષોમાં પ્રજા રસ્તે ઉતરીને આંદોલન કરવા માટે મજબુર બની છે. આમ છતાં પણ શાસકો પ્રજાની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવી શકી નથી જેનું મુખ્ય કારણ શાસકોનો અહમ, આંતરીક રાજકારણ અને વ્યકિતવાદ જ જવાબદાર છે.શાસકો સમયે સમયે અલગ-અલગ સમાજના લોકો પર દમન કરાવીને જનતા જનાર્દનનો અવાજ રૂંધવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે બીજી તરફ અમુક લેભાગુ તત્વો જે તે સમાજના નામે પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે આવા શાસકોની ચમચાગીરી કરી રહ્યા છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર