ગુજરાતની જનતાએ આખરે પુનરાવર્તનને જાકારો આપ્યો હોવા છતાં રાજ્યમાં ફરી ભગવો લહેરાયો પરંતુ આ વખતની ચૂંટણીમાં ભગવાનો રંગ થોડો ફિક્કો જરૂરથી પડ્યો છે. ગુજરાતના 22 વર્ષના ઈતિહાસમાં ભાજપને સૌથી ઓછી બેઠક મળી છે. તો સામે કોંગ્રેસની ગત વિધાનસભા ચૂંટણી કરતાં લગભગ 20 જેટલી બેઠક વધી છે. આ પરિણામ પરથી કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જોતા ભાજપના અભિયાનને એક ફટકો જરૂરથી પડ્યો છે. કારણ કે જ્યારે મોદી લહેર ન હતી ત્યારે પણ ભાજપને 100થી ઓછી બેઠક ક્યારેય નથી મળી. પરંતુ 2019 પહેલાંની સેમિફાઈનલ ગણાતી એવી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બે આંકડામાં સિમિત રહેવું પડ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વોટ શેર્સમાં લગભગ 1 %નો વધારો થયો છે પરંતુ બેઠક ઘટી છે. તો સામે કોંગ્રેસના વોટ શેર્સમાં 2 % નો વધારો થયો છે સાથે સીટમાં પણ વધારો થયો છે.
ભાજપ વર્ષ 2014 પહેલાંથી દેશમાં ગુજરાત મોડલની વાતો કરતી હતી અને તેના આધારે જ કેન્દ્રમાં સત્તા મેળવવામાં સફળ રહી. આ વખતની ચૂંટણી પીએમ મોદીના આર્થિક નીતિઓ પરના પરિણામો પર ઉજાગર કરે છે. ભાજપની સીટ બે આંકડામાં જ સમેટાઈ ગઈ છે તેનું એક કારણ વ્યવસાયી વર્ગમાં હજુ પણ કયાંકને કયાંક અસંતોષ હોવાના સંકેત મળે છે. એવામાં મોદી અને ભાજપે ભવિષ્યમાં આ વર્ગને પોતાની સાથે લાવો એક મોટો પડકાર હોવાનું માનવામાં આવે છે. હાલની આર્થિક નીતિઓમાં સુધારો લાવશે તો જ ફરી વ્યવસાયી વર્ગને ભાજપની સાથે જોડી શકાશે અને 2019ની ચૂંટણી ભાજપ માટે પડકારજનક નહીં બની રહે.
ગુજરાતમાં ભાજપ સત્તા પરિવર્તન કરાવવામાં તો અસફળ રહી છે. પરંતુ એક રીતે ભાજપની જીત, બેઠકની દ્રષ્ટીએ જોઈએ તો હાર જ માનવામાં આવે છે. ગુજરાતમાં ભાજપને પાટીદાર આંદોલન, GST, નોટબંધી કે અન્ય જ્ઞાતિઓની નારાજગીની અસરને પગલે ભાજપને 100 બેઠક મેળવવામાં પણ ફાંફા પડ્યા છે. ગુજરાતમાં ભાજપ બે દશકાથી પણ વધુ સમયથી સત્તા પર છે. એવામાં પાર્ટીને હવે ખેડૂતોની નારાજગી દૂર કરવી જરૂરી બની રહેશે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપને ધાર્યા કરતાં ઘણી ઓછી બેઠક મળી છે. તેવામાં 2019ની ચૂંટણી જીતવા ભાજપે ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીનો આધાર સ્તંભ મજબૂત કરવાની જરૂર પડશે.c