ભાજપ અને એનસીપી વચ્ચે કોઇ ગઠબંધન થઇ રહ્યું છે?

ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (18:41 IST)
:
P.R
શું લોકસભાની આગામી ચૂંટણીઓ માટે ભાજપ અને એનસીપી વચ્ચે કોઇ ગઠબંધન થઇ રહ્યું છે? આ પ્રશ્ન રાજકીય ક્ષેત્રે ચર્ચાઈ રહ્યો છે કેમ કે એનસીપીના ગુજરાતી નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલે 2002ના ગોધરા રમખાણો અંગે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. એમનું કહેવું છે કે ન્યાયની અદાલતે જ્યારે મોદીને ક્લિનચીટ આપી છે ત્યારે અદાલતના એ ચૂકાદાનું સન્માન થવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે એવી જાહેરાત અગાઉ થઇ ગઇ છે.

ચૂંટણીઓ આવે છે ત્યારે રમખાણ કેસો જાહેર ચર્ચામાં ઉછાળવામાં આવે છે. મોદી ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર છે ત્યારે તેમની સામે રમખાણોનો મુદ્દો સહુ પ્રથમ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે તાજેતરમાં ઉછાળ્યો હતો અને હવે રાહુલ ગાંધીએ પણ તેમને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્રમાં કોંગ્રેસ અને એનસીપી સંયુક્ત સરકારમાં હોવા છતાં પ્રફુલ પટેલે મોદીનો બચાવ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે ત્યારે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

સૂત્રોએ કહ્યું કે ચૂંટણીનાં લોકમત તારણો દર્શાવે છે કે મોદીને સાથી પક્ષો સાથે 200 કરતાં વધારે બેઠક મળી શકે. જોકે, સાથી પક્ષોમાં કોણ કોણ હશે તે હજુ નક્કી નથી પરંતુ એનસીપીએ ખુલ્લેઆમ મોદીનો બચાવ કર્યો છે ત્યારે એમ પણ કહી શકાય કે આગામી સમયમાં એનસીપીના શરદ પવાર અને મોદી વચ્ચે કોઇ બેઠક યોજાઈ શકે છે અથવા કોઇ એક મંચ પર મોદીની સાથે એનસીપીના કોઇ નેતા પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી શકે છે. ચૂંટણીઓ પહેલા આવા અનેક રાજકીય ખેલ જોવા મળી શકે છે.

વેબદુનિયા પર વાંચો