Gujarat Election Result 2022 : ગુજરાતની ચૂંટણીનાં પરિણામમાં આ વખતે આ ત્રિપુટી પર રહેશે સૌની નજર

બુધવાર, 7 ડિસેમ્બર 2022 (18:39 IST)
Gujarat Election 2022  - ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારપડઘમ શાંત થઈ ગયા છે, આઠ ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામ પર સૌની નજર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બે તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું મતદાન (89 બેઠક) પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન (93 બેઠક) પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે રસપ્રદ રહી છે. ઘણા નેતાઓએ પક્ષપલટો કર્યો છે, ઘણા દિગ્ગજ નેતાઓને ટિકિટ નથી અપાઈ, તો આંદોલનકારીઓ પણ આ વખતે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ખાસ કરીને દિલ્હીની પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ઝંપલાવીને ગુજરાતનો જંગ રસપ્રદ બનાવી દીધો છે.
 
2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કૉંગ્રેસનું આ ચૂંટણીમાં છેલ્લાં વર્ષોનાં ઉત્તમ પ્રદર્શનોમાંનું એક હતું. આ ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી, જ્યારે કૉંગ્રેસને 77 સીટ મળી હતી. ગત ચૂંટણીમાં હાર્દિક પટેલની આગેવાનીમાં શરૂ થયેલું 'પાટીદાર અનામત આંદોલન', અલ્પેશ ઠાકોરની 'ઠાકોર સેના'નું આંદોલન અને જિજ્ઞેશ મેવાણીનું 'ઉના આંદોલન' ખૂબ ચર્ચામાં રહ્યાં હતાં. આ ત્રણેય નેતાઓ એ સમયે તેમનાં આંદોલનોને રાષ્ટ્રીય સ્તરે ચમક્યા હતા અને મીડિયાની નજરે આવ્યા હતા. જાણકારો માને છે કે 2017ની ચૂંટણીમાં આ ત્રણેય નેતાઓએ ચૂંટણીમાં વત્તેઓછે અંશે ભાગ ભજવ્યો હતો.
 
હવે આ ત્રણેય નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે, જિજ્ઞેશ મેવાણી બીજી વાર (વર્તમાન ધારાસભ્ય વડગામ) અને અલ્પેશ ઠાકોર ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. અલ્પેશ ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય છે. ભાજપના હાર્દિક પટેલ સામે કૉંગ્રેસમાંથી લાખા ભરવાડ (વર્તમાન ધારાસભ્ય) છે.
 
2017ના આંદોલનથી રાજકારણમાં
 
2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'ના નેજા હેઠળ હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદારો દ્વારા 'મહાક્રાંતિ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનો હેતુ પાટીદાર સમાજને ઓબીસીના લાભ અપાવવાનો હતો.
રાજકારણથી અલિપ્ત રહેવાની વાત કરનારા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને તેમને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા હતા.
 
જોકે બાદમાં 'કૉંગ્રેસમાં તેમની અવગણના' થતી હોવાનું કહીને હાર્દિક પટેલ પાર્ટીમાંથી છૂટા પડી ગયા અને પછી ભાજપમાં જોડાઈ ગયા.
2022ની ચૂંટણીમાં હાર્દિક પટેલ ભાજપમાંથી અમદાવાદની વીરમગામ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો બીજી બાજુ 2017ની ચૂંટણી પહેલાં ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો હતો. તેઓ સમાજમાંથી 'દારૂની બદી દૂર કરવાની માગ' સાથે વિવિધ પ્રશ્નો મામલે સરકાર સામે પડ્યા હતા.
 
બાદમાં અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને 2017ની ચૂંટણીમાં રાધનપુર સીટથી ધારાસભ્ય બન્યા હતા.
જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પેટાચૂંટણીમાં રાધનપુર સીટ પરથી ચૂંટણી હાર્યા હતા. આ વખતે અલ્પેશ ઠાકોર ભાજપમાંથી ગાંધીનગર દક્ષિણ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
 
તો એ જ સમયે દલિત આંદોલનકારી જિજ્ઞેશ મેવાણી પણ વિવિધ આંદોલનથી ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને ઉના આંદોલનથી તેઓ સવિશેષ ચર્ચામાં રહ્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ 2017ની ચૂંટણીમાં બનાસકાંઠાની વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ઝંપલાવ્યું અને ધારાસભ્ય બન્યા. બાદમાં તેઓ પણ કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ફરી વડગામ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ ત્રણેય ઉમેદવારોની બેઠકો પર શું સ્થિતિ છે તેના પર એક નજર કરીએ.
 
હાર્દિક પટેલ (વીરમગામ)
 
વીરમગામ સીટ પર છેલ્લી બે ટર્મથી કૉંગ્રેસના ધારાસભ્ય જીતતા આવ્યા છે. ગત ચૂંટણી (2017) કૉંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે ભાજપનાં ઉમેદવાર તેજશ્રી પટેલને હરાવ્યાં હતાં. તેજશ્રી પટેલ અગાઉ કૉંગ્રેસની બેઠક પરથી વીરમગામથી ધારાસભ્ય બન્યાં હતાં. જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. જોકે આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી નથી અને નવા આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. 
 
કૉંગ્રેસ તરફથી લાખા ભરવાડને રિપીટ કરવામાં આવ્યા છે. વીરમગામ વિધાનસભા મતવિસ્તારના કુલ મતદારો 3.02 લાખ છે.
વીરમગામ બેઠકના જ્ઞાતિને લગતાં સમીકરણ જોઈએ તો ઠાકોર મતદારોની સંખ્યા 95 હજારથી વધુ છે, જે સૌથી વધુ છે. અહીં આમ આદમી પાર્ટીમાંથી અમરસિંહ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. પાટીદાર મતદારોની સંખ્યા 38 હજારની આસપાસ છે. દલિત સમાજના મતદારો 28 હજાર, કોળી પટેલ સમાજના મતદારો 21 હજાર, પાલવી ઠાકોર સમાજના મતદારો 21 હજારની આસપાસ છે. મુસ્લિમ સમાજ લગભગ 22 હજાર, દરબાર સમાજના પાંચ હજાર, ભરવાડ સમાજના 11 હજાર મતદારો છે.
 
જિજ્ઞેશ મેવાણી (વડગામ)
 
 આંદોલનકારી તરીકે અપક્ષમાંથી ધારાસભ્ય બનેલા જિજ્ઞેશ મેવાણી હવે પાર્ટી (કૉંગ્રેસ)ના ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા છે. ગત 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે વડગામ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. ભાજપ તરફથી વિજયકુમાર ચક્રવર્તીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમની સામે જિજ્ઞેશ મેવાણી ચૂંટણી જીતી ગયા હતા. જ્યારે આ વખતે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી મણિભાઈ વાઘેલા (જે અગાઉ કૉંગ્રેસમાં હતા) મેદાને છે.
 
તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે દલપત ભાટિયા અને એઆઈએમઆઈએમના ઉમેદવાર તરીકે કલ્પેશ સુંઢિયા મેદાનમાં છે.
આમ, એઆઈએમઆઈએમ અને આપના કારણે મુસ્લિમ મતોમાં ગાબડું પડે તો કૉંગ્રેસના ઉમેદવારની હારજીત પર અસર કરી શકે છે, કેમ કે આ બેઠક પર સૌથી વધુ મતદારો મુસ્લિમ સમુદાયના છે. 
 
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે મણિભાઈ વાઘેલાએ જીત મેળવી હતી, તેમણે ભાજપના દિગ્ગજ નેતા ફકીરભાઈ વાઘેલાને હરાવ્યા હતા.બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠકમાં 2.94 લાખ મતદારો છે. જે પૈકી 1.44 લાખ મહિલા મતદારો અને 1.49 લાખ પુરુષ મતદારો છે. વડગામ વિધાનસભા બેઠકના જ્ઞાતિ સમીકરણ જોઈએ તો આ બેઠક પર સૌથી વધુ મતો મુસ્લિમ સમાજના છે, જેમના મતદારોની સંખ્યા 82 હજાર છે. આ પછી ચૌધરી સમાજના 51 હજાર મતદારો, દલિત સમાજના 42 હજાર મતદારો, ઠાકોર સમાજના 41 હજાર મતદારો છે. આ સિવાય પ્રજાપતિ અને નાઈ સમાજના 4 હજાર મતદારો અને દેવીપૂજક સમાજના 1500 મતદારો છે.
 
 અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ)
 
અલ્પેશ ઠાકોર 2017માં રાધનપુર બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા, પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે, રાધનપુર બેઠક પરથી જ પેટાચૂંટણી લડ્યા ત્યારે અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસના રઘુ દેસાઈએ હરાવ્યા હતા. એવું મનાતું હતું કે અલ્પેશ ઠાકોરને ફરી રાધનપુર બેઠક પરથી લડવું હતું, પણ છેલ્લી ઘડીએ તેમને ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર બનાવ્યા છે.
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી કૉંગ્રેસે હિમાંશુ પટેલને ટિકિટ આપી છે. તો આપમાંથી દોલત પટેલ ચૂંટણી લડી રહ્યા છે.
 
છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ પર ભાજપનો કબજો રહ્યો છે. ભાજપે બે ટર્મથી ચૂંટાતા નેતા શંભુજી ઠાકોરને અહીંથી ટિકિટ આપી નથી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. ઉત્તર ગુજરાતની બેઠકોમાં મતદારોની સંખ્યાની દૃષ્ટિએ ગાંધીનગર દક્ષિણ સૌથી મોટી બેઠક છે. આ બેઠક પર 3.73 લાખ મતદારો છે. આ બેઠક પર 95 હજારથી વધુ મતો સાથે ઠાકોર સમાજના મતો સૌથી પ્રભાવી છે, પાટીદાર સમાજના 75 હજારથી વધુ મતો છે અને 45 હજારથી વધુ દલિત મતદારો છે. આ ઉપરાંત 30 હજાર પરપ્રાંતીય મતદારો અને 10 હજાર મુસ્લિમ મતદારો પણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર