કાળી ચૌદશ (નરક ચતુર્દર્શી)કથા - ઘરમાંથી કકળાટ કાઢવાનો દિવસ

શનિવાર, 29 ઑક્ટોબર 2016 (10:00 IST)
જે 10મી નવેમ્બરે આસો વદ કાળી ચૌદસ છે, આ દિવસ નરક ચતુર્થી અથવા રૂપ ચૌદશ તરીકે ઓળખાય છે. આ દિવસે મોડી રાતે ઘરની ગૃહિણી ઘરમાંથી કકળાટ કાઢે છે.
 
સામાન્ય રીતે આ દિવસ તાંત્રિકો માટે ગણાય છે. કેટલાક લોકો જે પિશાચી તત્ત્વોને પૂજવા માટે છે તેઓ સાંજના સમયે સ્મશાનમાં જઈ શનિ, ભૈરવ અને કાળકા માતાની પૂજા કરે છે.
 
આ પ્રસંગે સાંજે બાળકોને આંજિયા કરવામાં આવે છે. આંખમાં કાજળ આંજી, ખાસ પ્રકારનો મંત્ર અથવા તો વિધાન કરાય છે. કહેવાય છે કે આમ કરવાથી બૂરી શક્તિઓથી બાળકને નજર નથી લાગતી અને તે સલામત રહે છે. કેટલીક ગૃહિણીઓ આ દિવસે રાતે ચાર રસ્તે ઉતારો કાઢે છે. એક ધારણા પ્રમાણે આ દિવસે ગૃહિણીઓ અને યુવતીઓ સૂર્યોદય પહેલા ઉઠીને ઉબટન વડે નાહી લે તો તેમનુ રૂપ નિખરે છે તેથી આને રૂપ ચૌદશ પણ કહેવાય છે. 

આ દિવસે રાત્રે ઘરના સૌથી વડીલ સદસ્ય એક હાથમાં દીવો લઇને આખા ઘરના ખૂણે ખાંચરે ફરી વળે છે અને પછી ઘરની બહાર દૂર મુકી આવે છે. ઘરમાં બાકીના સભ્યો ઘરમાં જ રહે છે, બહાર નીકળતા નથી અને દીવાના દર્શન પણ કરતા નથી. આ દીવો યમરાજનો દીવો કહેવાય છે. આવુ કરવાથી ઘરની નકારાત્મક શકિતઓ અને આવનાર વિટંબણા ઘરની બહાર જતી રહી છે. આ રાત્રે દીવા પ્રગટાવવાના અનુસંધાનમાં કેટલીક પુરાણી કથાઓ અને લોક માન્યતાઓ જોડાયેલી છે.

એક કથા મુજબ મુજબ આજના દિવસે ભગવાન કૃષ્ણે અત્યાચારી અને દુરાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો અને ૧૬૧૦૦કન્યાઓને નરકાસુરની કેદમાંથી છોડાવી હતી અને તેમને પોતાનું માન સન્માન પ્રદાન કર્યું હતું. આના સંદર્ભમાં દીવાઓની લાંબી કતાર સજાવવામાં આવે છે. આ દિવસના વ્રત અને પુજા સંબંધી એક બીજી કથા પણ છે. રતિ દેવ નામના પુણ્યાત્મ અને ધર્માત્મા રાજા હતાં. તેમણે અજાણતા પણ કોઇ પાપ કર્યુ ન હતું, પરંતુ જયારે મૃત્યુનો સમય આવી પહોંચ્યો ત્યારે તેમની સમક્ષ યમદુત આવીને ઉભા રહ્યાં. યમદુતને જોઇને રાજાને આશ્ચર્ય થયુ અને કહ્યું, મેં કોઇ પાપ કર્યું નથી પછી તમે મને લેવા માટે કેમ આવ્યા છો? તમારા આવવાનો અર્થ એ છે કે મારે નર્કમાં જવું પડશે. તમે મારા ઉપર કૃપા કરો અને બતાવો કે મારે કયા અપરાધને કારણે નર્કમાં જવું પડશે? આ સાંભળીને યમદુતે કહ્યુ કે રાજન! એકવાર તમારા દ્વારથી એક બ્રાહ્મણ ભૂખ્યો-તરસ્યો પાછો ગયો હતો. તે પાપનું ફળ તમારે ભોગવવું પડશે. ત્યારપછી રાજાએ યમદુત પાસે એક વર્ષની મુદત માંગી. રાજા પોતાની મુસીબતને લઇને ઋષિઓ પાસે પહોંચ્યા અને તેમને પોતાની આપવીતી જણાવી અને આ પાપની મુકિતનો ઉપાય પૂછયો. ત્યારે ઋષિએ આસો મહિનાની કૃષ્ણ વદની ચૌદશનું વ્રત રાખવા કહ્યું અને બ્રાહ્મણોને ભોજન જમાડીને થયેલા અપરાધની ક્ષમા યાચના કરવા કહ્યું. રાજાએ ઋષિઓએ કહ્યા મુજબ કર્યુંં. આ રીતે રાજાને પાપમાંથી મુકિત મળી અને તેમને વિષ્ણુ લોકમાં સ્થાન મળ્યું. તે દિવસથી પાપ અને નર્કથી મુકિત માટે પ્રવૃતિ વાસીઓ આસો ચૌદશને દિવસે વ્રત રાખે છે.

વેબદુનિયા પર વાંચો