વડોદરામાં ગિરવી મૂકેલી બાઇકના પૈસા ન ભરી શકતા માથાભારે શખ્સે મહિલાને ‘મોર્ગેજ’ કરી 4 વર્ષ સુધી ગોંધી રાખી

શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (09:39 IST)
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ માથાભારે શખ્સ પાસે પોતાની ગિરવી મૂકેલી બાઇકના પૈસા ન ભરી શકતા આ શખ્સે 4 વર્ષથી મહિલાને બળજબરીથી પોતાના ઘરમાં જ રાખી લીધી હતી. મહિલાની પુત્રીએ આ મામલે 181 મહિલા સુરક્ષા અભયમને ફોન કરી મદદ માગતાં અભયમે સ્થળ પર પહોંચી મહિલાને મુક્ત કરાવી હતી. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક કિશોરીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ તેની મમ્મીને ગોંધી રાખી છે. તેને છોડાવવા વિનંતી કરી હતી. જેથી અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી ઘરમાં બંધ રખાયેલી મહિલાને મુક્ત કરાવી હતી. 42 વર્ષની આ મહિલા અને તેમનો પતિ છૂટક મજૂરી કરે છે અને મહિલાને પૈસાની જરૂર પડતાં તેમણે પોતાની બાઈક એક વ્યક્તિને ગિરવી આપી રૂપિયા લીધા હતા. જોકે મહિલા સમયસર પૈસા પરત આપી શકી ન હતી. જેથી આ વ્યક્તિએ વારંવાર પૈસાની ઉઘરાણી કરી હતી. મહિલાની સ્થિતિ સારી ના હોવાથી પૈસા આપી શકતી ન હતી. જેથી આ માથાભારે શખ્સે મારા રૂપિયા પરત ના આપે ત્યાં સુધી તારે મારી સાથે રહેવું પડશે, તેમ જણાવી બળજબરીપૂર્વક મહિલાને તેના ઘરે છેલ્લાં 4 વર્ષથી રાખતો હતો અને બાળકોને પણ મળવા જવા દેતો નહતો.આખરે મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને મળતાં તેમણે અહીંથી બહાર કાઢવા વિનંતી કરી હતી. આખરે ટીમે તેને છોડાવી હતી. અભયમ ટીમે ગોંધી રાખનાર માથાભારે શખ્સને પણ હવે પછી હેરાનગતિ ન કરવા તાકીદ કરી હતી. થોડા દિવસ પહેલાં મહિલાની પુત્રી ચોરી છુપીથી મહિલાને મળવા ગઇ હતી. તે સમયે મહિલાએ જણાવ્યું હતું કે, તે બહુ બીમાર છે અને તેને ઘરે આવવું છે. માતાની આવી અસહ્ય હાલત જોઈ પુત્રીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી પોતાની માતાને છોડાવવા વિનંતી કરી હતી, જેથી મહિલાને મુક્ત કરી શકાઇ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર