MP ચોંકાવનારી આત્મહત્યા - માતાએ પાલતુ કૂતરાને ઘરમાંથી ભગાડવાનુ કહ્યુ તો પુત્રએ કૂતરાને ખોળામાં લઈને કરી આત્મહત્યા
બુધવાર, 29 ડિસેમ્બર 2021 (21:37 IST)
મધ્યપ્રદેશના છતરપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી એક વ્યક્તિએ એટલા માટે ફાંસી લગાવી દીધી કારણ કે તેના પાલતુ કૂતરાને ઘરમાંથી બહાર કરવાનુ કહેવામાં આવ્યું હતું. માતાના ગુસ્સાને કારણે તેણે કૂતરાને ખોળામાં લઈને જીવ આપી દીધો. મળતી માહિતી મુજબ, મામલો છતરપુર સિટી સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના વિશ્વનાથ કોલોની વિસ્તારનો છે.
અહીં કમલેશ ઉર્ફે કોટી મસીહી, 38 વર્ષ મહોલ્લાના એક ખાલી પ્લોટ પર ઝાડ નીચે ઝૂંપડી બનાવીને રહેતો હતો. તેની સાથે 65 વર્ષની માતા શાંતિ મસીહી અને એક પાલતુ કૂતરો પણ રહેતો હતો. બુધવારે પાલતુ કૂતરાએ તેની માતાનો હાથમાં કરડી લીધુ હતુ. જેનાથી માતાનો હાથ લોહીલુહાણ થઈ ગયો હતો. માતાએ કમલેશને ફરિયાદ કરી અને તેને મારવા કે ઘરમાંથી ભગાડી દેવાની વાત કરી. વારંવાર કહેવા કરવા પર કમલેશ ગુસ્સે થયો અને તેણે તેની માતાને કહ્યું કે તે પોતે મરી જશે, પરંતુ કૂતરાને મારશે કે ભગાડશે નહીં.
કૂતરાનો ભસવાનો અવાજ સાંભળી લોકો ભેગા થયા ત્યારે ખબર પડી
તેના કારણે વિવાદ વકર્યો હતો. માતાની જીદથી પરેશાન થઈને કમલેશે કૂતરાને ખોળામાં લઈને નજીકના ઝાડ પર ફાંસો ખાઈ લીધો. આ દરમિયાન, સાંકળથી બંધાયેલો કૂતરો તેના માલિકના ખોળામાં બેસીને ભસતો રહ્યો, જ્યારે કૂતરાના ભસવાનો સતત અવાજ આવી રહ્યો હતો તો લોકો ભેગા થઈ ગયા અને ત્યાંનું દૃશ્ય જોઈને તેઓ ચોંકી ગયા.
યુવક મૃત્યુ પામ્યો હતો અને કૂતરો તેના ખોળામાં બેસીને ભસતો હતો. લોકોએ તાત્કાલિક તેના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસે આવીને કૂતરાને યુવકથી અલગ કરી મૃતદેહને ઉતારીને ખાટલા પર મૂક્યો હતો. પોલીસે મૃતદેહનો પંચનામા તૈયાર કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
માતા હવે ખુદને આપી રહી છે દોષ
દુર્ઘટના પછી શાંતિ મસીહી પોતાની જીદ માટે પછતાઈ રહી છે. તેણે કહ્યું કે તેમનો દીકરો કોઈ પણ સંજોગોમાં કૂતરાને ખુદથી અલગ કરવા તૈયાર નહોતો. તે કહેતો હતો કે જો કૂતરો મરી જશે તો હું પણ તેની સાથે મરીશ. અમે તેની વાતને હળવાશથી લીધી અને થોડીવાર પછી ખબર પડી કે તેણે કૂતરા સાથે ફાંસી લગાવી લીધી હતી, જેમાં કૂતરો બચી ગયો હતો પરંતુ તેનું મોત થયું.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે પોલીસ
સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી અખિલેશ પુરી ગોસ્વામીએ જણાવ્યું કે પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે, તે કૂતરાને ભગાડવની વાતથી નારાજ હતો, તેથી તેણે ફાંસી લગાવી લીધી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મામલો સ્પષ્ટ થશે અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.