પતિ સક્ષમ ન હોઈ, સાસુ પુત્રવધૂને સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતાં, ના પાડતાં જબરદસ્તી ટેસ્ટ ટ્યૂબથી ગર્ભ ધારણ કરાવ્યો

શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (11:41 IST)
શંખેશ્વર તાલુકાના રૂની ગામે કુટુંબનો વંશવેલો વધારવા માટે પોતાનો પુત્ર શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોઈ, સાસુ દ્વારા પુત્રવધૂને સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરાતું હતું. સસરા પણ છેડતી કરતા હતા. છતાં પુત્રવધૂ તૈયાર ન થતાં અંતે બળજબરીપૂર્વક સાસરિયાં પક્ષે ટેસ્ટ ટયૂબ કરાવતાં ગર્ભ ધારણ થતાં સીમંત કરીને પીયર ગયેલી મહિલાએ પતિ, સાસુ, સસરા અને દિયર સામે શંખેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે. દહેજ પેટે પેટ્રોલ પંપ નામે કરાવી લાવવા પણ ધમકી આપવામાં આવી હતી. વર્ષ 2013માં સમી તાલુકાના સોનાર ગામની યુવતીના શંખેશ્વરના રૂની ગામે સાટાપ્રથામાં લગ્ન થયા હતા. પતિ શરૂઆતથી જ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોઈ, 8 વર્ષના લગ્નજીવન ગાળા દરમિયાન પતિ સાથે એકપણ વાર સંબંધ બંધાયો નહોતો, પરંતુ સાસરી પક્ષ દ્વારા ઘરમાં વારસ માટે પુત્રવધૂને સાસુ દ્વારા સસરા સાથે સંબંધ બાંધવા માટે કહેતાં પુત્રવધૂ ડઘાઈ ગઈ. પોતાના પતિને વાત કરતાં તેણે ઘરની આબરૂ સાચવા અને પરિવારનો વંશ વધારવા માટે કંઈ ખોટું ન હોવાનું કહી પરિવારની વાતમાં સમર્થન આપ્યું હતું. સસરા પણ છેડતી કરતા હતા છતાં પુત્રવધૂ સંસ્કારોને લઈ તેમની સાથે શારીરિક સંબધ બાંધવા તૈયાર ન થતાં સાસરી પક્ષના લોકો દ્વારા વારસ મેળવવા માટે ટેકનોલોજી થકી સગર્ભા બનવા માટે અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ ટયૂબ બેબી કરાવ્યું હતું. ગર્ભ રહ્યા બાદ તેનો સીમંત પ્રસંગ હતો, તેના એક દિવસ પૂર્વે સાસરિયાં પક્ષ દ્વારા તેના પિયરમાં બહુ પૈસા હોઈ, પરત આવે એટલે એક પ્રેટ્રોલ પંપ તેમના નામે લખાવી લઈને આવવા માટે ધમકી આપી હતી. પિયરમાં ગયેલી મહિલાએ હાલ નવમો મહિનો ચાલે છે. બાળકના જન્મ અંગે કોઈ ખોટા આક્ષેપો ઉઠાવવાના ભયથી તેને સમગ્ર હકીકત તેના પરિવારને જણાવી હતી. પરિવારે તેને હિંમત આપતાં તેણે ઉપરોક્ત તમામ બાબતે શંખેશ્વર પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પતિ પ્રાઇવેટ નોકરી કરતો હોવાથી બે-ત્રણ મહિને નોકરી પરથી ઘરે આવતો હતો. પુત્રવધૂ ઘરે એકલી હોવાથી વ્યવસાયે શિક્ષક સસરા શારીરિક સંબંધ બાંધવા માટે પુત્રવધૂની શારીરિક છેડછાડ કરતા હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી હતી. તપાસ અધિકારી પીએસઆઇ સહદેવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મહિલાનું રૂબરૂમાં વિશેષ નિવેદન લઈ જુબાની આધારે પોલીસે સાસરી પક્ષના ચાર ઈસમ સામે ફોજદારી કલમ 154 હેઠળ IPC 498A, 354A, 506( 2), 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપીની શોધખોળ માટે ઘરે તપાસ કરી હતી, પરંતુ ઘર બંધ હોઈ કોઈ મળ્યું નહિ. આ બાબતે આરોપીઓની અટક કરી ફરિયાદ મામલે વધુ તપાસ કરવામાં આવશે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, મહિલા સગર્ભા હોઈ, પોલીસ સ્ટેશન જઈ શકે એમ ન હોવાથી સમી પોલીસ સ્ટેશનમાં વરદી આપી હતી, જેના આધારે જમાદાર કુલદીપભાઈએ તેના ઘરે જઈ મહિલાએ જે નિવેદન નોંધ્યું હતું અને તેના આધારે ફરિયાદ દાખલ થઇ હતી. ફરિયાદી મહિલાને જરૂર પડે મહિલા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલાના લગ્ન સાટાપ્રથામાં થયા હતા, એટલે કે તેની નણદના લગ્ન ફરિયાદી મહિલાના ભાઈ સાથે થયા હતા. જોકે તેના પિતા અને ભાઈ હાલમાં હયાત નથી. તેમના પરિવારમાં સમી અને ગોચનાદ ગામ પેટ્રોલ પમ્પ પણ આવેલા છે, જેનો વહીવટ મહિલાની ભાભી સંભાળે છે. તેની ભાભી એ બે-ત્રણ દિવસ અગાઉ સાસરીમાં તેને ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. આ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે બંને કેસમાં સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ટેસ્ટ ટ્યૂબ માટે તેને ફરજ પડાઈ હતી, જોકે એના માટે ઉપયોગમાં લેવાયેલા વીર્ય તેના પતિનું નહોતું, પરંતુ કોનું હતું એ તેને ખબર નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર