ભારત રત્ન નિયમોમા ફેરફાર : હવે સચિનને મળશે એવોર્ડ

શુક્રવાર, 16 ડિસેમ્બર 2011 (12:29 IST)
P.R
ભારત સરકારે ભારત રત્ન મેળવવા કોઇ વ્યક્તિની લાયકાતમાં મહત્વપૂર્ણ નીતિવિષયક ફેરફાર કર્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિન તેંડુલકર દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન પ્રાપ્ત કરી શકે તે માટે તે નીતિ વિષયક ફેરફારો કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભારત રત્નની શ્રેણીને વિસ્તારવા માટે ગૃહ મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ મુકેલો પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો છે. રમત-ગમત મંત્રાલયે કરેલી દરખાસ્ત બાદ આ નિયમમાં ફેરફાર કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરને ભારત રત્નનો એવોર્ડ આપવા માટેની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી. સરકારી સૂત્રોના જણાવ્યાં અનુસાર નિયમોમાં કરવામાં આવેલા ફેરફારની સાથે જ સચિન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરે તેવી સંભાવના મજબૂત બની ગઇ છે. ખેલમંત્રી માકેને પણ તાજેતરમાં જ ગૃહ મંત્રાલયને લેખિતમાં જણાવ્યું હતું કે સચિન તેંડુલકરને ભારત રત્ન આપવામાં આવે.

અગાઉ 2011ના વર્લ્ડ કપ પહેલા પણ સચિનને ભારત રત્ન આપવા માટેની માંગ તેજ બની હતી. જોકે અત્યારે સચિનને ભારત રત્ન આપવો બહુ વહેલું ગણાશે તેવું કેટલાક લોકો માનતાં હતા. વધુમાં ભારત રત્ન જે લોકો કલા, સાહિત્ય અને જાહેર સેવામાં નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરનાર લોકોને જ આપવામાં આવતો હતો અને તેમાં રમત-ગમત ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો નહોંતો. જોકે ખેલ મંત્રી અજય માકેને સ્પોર્ટ્સની કેટેગરી ઉમેરવા માટે માંગ કરી હતી.

વેબદુનિયા પર વાંચો