ICC ODI રેન્કિંગઃ સિરીઝ હારવાની સાથે જ ભારતને થયું મોટું નુકસાન, ગુમાવ્યો નંબર-1નો આ તાજ
ગુરુવાર, 23 માર્ચ 2023 (08:29 IST)
India vs Australia ODI Series: ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી પણ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ વનડે 5 વિકેટે જીતી હતી, પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી વનડે 10 વિકેટે અને ત્રીજી વનડે 21 રનથી જીતીને શ્રેણીમાં કમબેક કર્યું. ત્રીજી વનડેમાં ભારતીય બેટ્સમેનો સારુ પ્રદર્શન કરી શક્યા નહી, ટોચના ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શક્યા નહી અને આ રીતે ત્રીજી ODI હારવાથી ભારતને ICC ODI રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે.
We have a new World No.1
Australia climb to the top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings after the series victory against India
ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે અને ભારતીય ટીમ બીજા નંબર પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાને ત્રીજી વનડેમાં 21 રને જીત સાથે ફાયદો થયો છે. તેના હવે 113.286 રેટિંગ પોઈન્ટ છે. તે જ સમયે, ભારતના 112.638 રેટિંગ પોઈન્ટ છે. ત્રીજી વનડે પહેલા ભારતના 114 રેટિંગ પોઈન્ટ હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમના 112 રેટિંગ પોઈન્ટ હતા.
ભારતને મળ્યો હતો 269 રનનો ટાર્ગેટ
ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયા હાંસલ કરી શકી ન હતી અને 21 રનથી મેચ હારી ગઈ હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 47 રનની ઇનિંગ રમી હતી.
ભારતીય બેટ્સમેનો ફ્લોપ
શુભમન ગિલ અને રોહિત શર્માએ ભારત માટે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તેઓ તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા. રોહિત શર્માએ 30 રન બનાવ્યા હતા. સાથે જ શુભમન ગિલે 37 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જવાની કોશિશ કરી, પરંતુ કોહલીના આઉટ થતા જ મેચ ઓસ્ટ્રેલિયા તરફ ઝુકી ગઈ. કોહલીએ 54 રન બનાવ્યા હતા. સાથે જ સૂર્યકુમાર યાદવ શ્રેણીની ત્રણેય મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહી. હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા, પરંતુ તે પણ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યા નહીં.