IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ કમબેક કરી લીધુ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં બેટિંગ કરતા 480 રન બનાવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ પણ ત્રણ વિકેટ ગુમાવીને 289 રન બનાવી લીધા છે. આ મેચમાં વિરાટ કોહલી અને શુભમન ગિલ ટીમ ઈન્ડિયાને રમતમાં પરત લાવ્યા છે. ટીમના ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી. તેમણે 235 બોલનો સામનો કરીને 128 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 12 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. આજે ભારતીય ટીમે પણ 3 વિકેટ ગુમાવી હતી.
શુભમન અને પૂજારાની ભાગીદારીએ કરી કમાલ
ભારતે આ મેચમાં 74 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સને સંભાળી, બંને બેટ્સમેન વચ્ચે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ. આ દરમિયાન પૂજારાએ 42 રન બનાવ્યા હતા. 187ના સ્કોર પર પૂજારાની વિકેટ પડી. પૂજારાના ગયા બાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો
ભારતીય ટીમે ત્રીજા દિવસે શાનદાર વાપસી કરી છે. પરંતુ આ ટેસ્ટ મેચ પોતાના નામે કરવા માટે તેણે ચોથા દિવસે ખૂબ જ ઝડપી બેટિંગ કરવી પડશે. જો ટીમ ઈન્ડિયા આવું નહીં કરે તો આ મેચ ડ્રો થઈ શકે છે, જેનાથી ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ શકે છે. WTC ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા આવું નહીં કરે તો તેણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના પરિણામની રાહ જોવી પડશે.