લોકડાઉન: જાણો લોકો ઘરે બેઠા શું પ્રવૃત્તિ કરી રહ્યાં છે?

હેતલ કર્નલ, ગ્રાઉન્ડ રિપોર્ટ:

સોમવાર, 30 માર્ચ 2020 (11:43 IST)
કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. સોસાયટી અને ગલીઓ સૂમસામ ભાસી રહી છે. ચોતરફ સન્નાટો છવાઇ ગયો છે. ત્યારે સૌ કોઇ એમ વિચારે છે કે 21 દિવસના લોકડાઉનમાં લોકો શું કરતા હતા. સેલિબ્રિટીસ ટિકટોક, ઇંસ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મિડીયા માધ્યમો દ્વારા પોતે શું કરી રહ્યા છે જે અંગે પોતાના પ્રશંસકોને જણાવી રહ્યા છે અને સાથે-સાથે કોરોના વાયરસ સામે જંગ જીતવા માટે 21 દિવસ સુધી લોકડાઉનનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યા છે. 
 
gujarati.webdunia.comએ જ્યારે સામાન્ય જનતાને પૂછ્યું કે જનતા લોકડાઉન દરમિયાન તેઓએ ઘરમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તો લોકોએ અવનવા જવાબો આપ્યા. આજે કોઈ પબ્જીમાં વ્યસ્ત હતું તો કોઈ વેબ સીરીઝમાં ને ક્યાંક કોઈને લાંબા સમય બાદ પત્નીને બાળકો સાથે સમય ગાળવાનો મોકો મળ્યો. તે કોઇ પોતાના પેન્ટીંગનો શોખ પુરી રહ્યું છે તો કુકિંગ કરીને ઘરમાં મદદ કરી રહ્યા છે.
 
કોરોના વાયરસનાં કારણે આજે ગુજરાતની જનતાએ જનતા કર્ફ્યુંને પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે. 24 કલાક લોકોની ભીડથી ધમધમતા શહેરોનાં રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. મોટા મોટા બજારોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઘરે પુરાયેલા લોકોને અનોખો અનુભવ પણ થયો. gujarati.webdunia.comએ જયારે ગુજરાતની જનતાને તેમના અનુભવ વિશે પૂછ્યું ત્યારે લોકોએ અવનવા જવાબો આપ્યા હતા.
રસોઇ બનાવીને પત્નીને મદદ કરું છું
પંકજ પરમાર નામના એક રિડરે જણાવ્યું હતું કે મારો પોતાનો બિઝનેસ છે જે અત્યારે લોકડાઉનના લીધે બંધ છે. જેથી પરિવાર સાથે સમય પસાર કરવાની ઉત્તમ તક મળી. બિઝનેસના લીધે પરિવારને પુરતો સમય આપી શકાતો નથી. પરંતુ લોકડાઉન દરમિયાન હું ઘરે દરરોજ વિવિધ પ્રકારની રસોઇ બનાવીને પરિવાર સાથે મજા માણુ છું. અને પત્નીને નાના-મોટા કામમાં મદદ કરું છું. 
 
જોબના લીધે શોખને પુરતો સમય મળતો ન હતો
નિકિતા ધ્રુવ નામની યુવતીએ જણાવ્યું કે હું જોબ કરું છું જેથી મારા શોખને હું પુરતો સમય આપી શકતી નથી પરંતુ લોકડાઉન દરમિયાન ફૂલ ટાઇમ મળી રહી છે. જેથી હું વિવિધ સ્કેચ બનાવીને મારો શોખ પુરૂ કરું છું. દરરોજ અવનવા સ્કેચ તૈયાર કરું છું. ખૂબ મજા આવે છે. આટલો બધો સમય ક્યારેય મળ્યો નથી એટલે જે સમય મળે તેનો ઉપયોગ કરવા માંગુ છું.  
ટિકટોક પર અવનવા વીડિયો બનાવું છું
હર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હમણાં જ મારી પરીક્ષાઓ પુરી થઇ છે. મને ડાન્સનો ખૂબ જ શોખ છે. જેથી મારા શોખને પુરો કરવા માટે હું દરરોજ ટિકટોક પર અવનવા વિડીયોઝ બનાવું છું. બાકીના સમયમાં પુસ્તકો પણ વાંચુ છું.
ગેમ રમું છું અને સાથે એક્ઝામની તૈયારીઓ પણ કરું છું
જેકી નામના યુવકે જણાવ્યું હતું કે ઉંઘવાનો ખૂબ શોખ છે. રાત્રે મોડા સુધી પબજી અને ફ્રી ફાયર જેવી ગેમ રમુ છું. અને સવારે મોડો ઉઠું છું. મિત્રોને મળી સકવાનો અફસોસ પણ છે. પરંતુ સાથે-સાથે લોકડાઉનનું પાલન થાય તે પણ જરૂરી છે. રજાનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું. 
 
ત્યારે ઘણા લોકોએ તો એમ જ કહ્યું કે અમે ઘરે બેઠા ટીવી જોઈ રહ્યા છીએ. મોટા ભાગનાં લોકોએ પ્રતિસાદ આપ્યો કે તે આજે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને ટીવી જોઈ રહ્યા છે. તો કોઈકે કહ્યું આજે તો હું પત્નીને ઘરકામમાં મદદ કરી રહ્યો છું. તો કોઇકે કહ્યું કે પુસ્તક વાંચી રહ્યો છું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર