દેશમાં કોરોનાની ગતિ ઓછી થવા માંડી છે પરંતુ ખતરો હજુ પણ કાયમ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 29 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 24 કલાકમાં લગભગ 450 લોકોનાં મોત નીપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં 40 હજારથી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 88 લાખ 75 હજાર લોકો કોરોનાના ચપેટમાં આવ્યા છે. રિકવરીની કુલ સંખ્યા લગભગ 83 લાખ છે.
દિલ્હીમાં છેલ્લા બે દિવસથી કોરોનાની ગતિ થોડી ઓછી થઈ છે. પરંતુ ભય સતત વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે રજુ કરાયેલા આંકડા મુજબ રાજધાનીમાં 24 કલાકમાં 3797 નવા કેસ નોંધાયા છે. સાથે જ 99 લોકોએ જીવ ગુમાવ્યો. આ સાથે સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 લાખ 89 હજારને વટાવી ગઈ છે. જ્યારે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 7713 છે. દિલ્હીમાં સંક્રમિત લોકોની સંખ્યા હાલમાં 12.73 ટકા છે. જ્યારે કે રિકવરી રેટ 90.22 ટકા રહ્યો છે. દિલ્હીમાં મૃત્યુ દર હજુ પણ 1.58 ટકા છે. હાલમાં, કોવિડ-19 ના 40,128 દર્દીઓ દિલ્હીમાં સારવાર હેઠળ છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત લોકોના કુલ કેસ વધીને 4,89,202 થયા છે.
ગુજરાતમાં રિકવરી રેટ વધુ
ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 926 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,89,236 પર પહોંચી છે. કોરોનાથી વધુ પાંચ લોકોના મોતને કારણે, રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 3,808 થઈ ગઈ છે. રાજ્યમાં એક દિવસમાં 1,040 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 1,72,972 પર પહોંચી ગઈ છે, જેના કારણે દર્દીઓનો રિકવરી રેટ 91.41 ટકા પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 12,456 દર્દીઓ સારવાર હેઠળ છે.