અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા બદરૂદ્દિન શેખને કોરોના પોઝિટીવ, અન્ય બે ધારાસભ્યોના

બુધવાર, 15 એપ્રિલ 2020 (14:46 IST)
સેમ્પલ લેવાયા અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 14 લોકોના મોત નિપજ્યા છે અને 14 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના 42 કેસોમાં 24 પુરુષ તેમજ 18 મહિલાઓ છે. તેમજ ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરમાં આજે કરફ્યુ અને કોરોનાની સ્થિતિ અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, કોટ વિસ્તારમાં કરફ્યુ લગાવ્યા બાદ સેમ્પલની કામગીરી ઝડપી બનાવી છે. કાલપુરમાં એક જ પરિવારના 8 સભ્યોને કોરોના થયો છે. દરરોજ 700થી 800 સેમ્પલ લેવામાં આવે છે. તંત્રની 50થી વધુ ટીમો કામે લાગી છે. બહેરામપુરા અને દૂધેશ્વરમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રીના આરોગ્યની પણ તપાસ થઈ રહી છે અને હાલ મુખ્યમંત્રી એકદમ સ્વસ્થ છે. ઈમરાન ખેડાવાલાની હાલત સ્થિર છે જ્યારે ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર