ગુજરાત ભાજપના બે નેતાઓને ચૂંટણીની જવાદારી સોંપાઈ, નીતિન પટેલ રાજસ્થાનના સહ પ્રભારી બન્યા

શુક્રવાર, 7 જુલાઈ 2023 (17:11 IST)
nitin patel mansukh mandviya
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા ને છત્તીસગઢના સહ પ્રભારીનો હવાલો સોંપાયો
 
અગાઉ ચાર રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા હતાં હવે કેબિનેટમાં ફેરફાર થવાની શક્યતાઓ
 
દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તે પહેલાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે ચૂંટણી પ્રભારીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાનના સહ પ્રભારી બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ પ્રભારીનો હવાલો અપાયો છે. આમ ગુજરાતના બે ભાજપના આગેવાનોને બે રાજ્યોમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 
 
ભાજપે ચૂંટણી પહેલા ચાર રાજ્યોમાં પ્રમુખ બદલ્યા
ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી પાર્ટી સંગઠનના સ્તરે ફેરફાર શરૂ કરી દીધા છે. ચાલુ વર્ષના અંત ભાગમાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને 2024માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી છે. જી કિશન રેડ્ડી, સુનીલ જાખડ અને બાબુલાલ મરાંડીને અનુક્રમે તેલંગાણા, પંજાબ અને ઝારખંડમાં ભાજપની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવાયા છે. ભાજપના સંગઠનમાં આ ફેરફારને પગલે મોદી કેબિનેટમાં ફેરબદલને અટકળોને પણ વેગ મળ્યો છે, કારણ કે જી કિશન રેડ્ડી હાલમાં કેન્દ્રીય પ્રધાન છે.
 
કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી 
સંગઠનમાં ફેરબદલની સાથે સાથે કેબિનેટમાં ફેરફારની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ભાજપ જી. કિશન રેડ્ડી કે જેઓ અત્યાર સુધી પર્યટન મંત્રી હતા તેમને તેલંગાણાના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે હવે તેની જગ્યાએ ચોક્કસપણે કોઈ અન્ય નેતા કેન્દ્રીય મંત્રી તરીકે આવશે. આ સિવાય કેટલાક વધુ નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓ સંગઠનમાં પરત આવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર