કોરોના વાયરસના કહેર વચ્ચે આ મહિનાથી વેસ્ટ ઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ યોજાનાર છે. કેરેબિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે. સીપીએલ ટૂર્નામેન્ટ માટે કુલ 162 ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓ ત્રિનિદાદ અને ટોબૈગો પહોંચ્યા છે. ત્યા પહોંચ્યા પછી, આ બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સારી વાત એ છે કે આ લોકોમાંથી એકનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી.
આ પહેલીવાર છે જ્યારે ભારતીય ક્રિકેટરો સીપીએલમાં ભાગ લેશે. મુંબઇ સ્થિત 48 વર્ષીય લેગ સ્પિનર પ્રવીણ તાંબે ટીકેઆર તરફથી રમશે, જેણે તાજેતરમાં ઘરેલુ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. દરેક વ્યક્તિની તપાસ 72 કલાક પહેલા કરવામાં આવી હતી જેથી મુસાફરી કરનારા બધા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ વાયરસ મુક્ત રહે. જમૈકાનો એક ખેલાડી કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તે બે અન્ય લોકો સાથે ટ્રેનિંગ લઈ રહ્યો હતો, તેથી ત્રણેયને ખસી જવાનું કહેવામાં આવ્યું હતું. એક કોચ ઓસ્ટ્રેલિયામાં રહે છે. જેઓ પણ પૉઝિટીવ જોવા મળ્યા જેથી તે પણ મુસાફરી કરી શક્યા નહી.
આ 162 લોકોને સત્તાવાર રીતે હોટલમાં 14 દિવસ માટે આઈસોલેશન રાખવામાં આવશે, જ્યાં તેમની નિયમિત તપાસ કરવામાં આવશે. સીપીએલ અનુસાર, 'જો કોઈ સભ્ય વાયરસથી સંક્રમિત જોવા મળશે તો તેને હોટલમાંથી દૂર કરવામાં આવશે અને ત્રિનિદાદ અને ટોબેગોમાં હાલના પ્રોટોકોલ મુજબ તેને અલગ રાખવામાં આવશે, પરંતુ અત્યાર સુધી જેટલા પણ સભ્યો ત્રિનિદાદ અને ટોબેગો પહોચ્યા છે તે તમામ કોવિડ-19 થી મુક્ત છે.