શાહરૂખની રઈસ ફિલ્મ અંગે થયેલ બદનક્ષીના કેસની સુનાવણી 30 મે સુધી ટળી ગઈ
શુક્રવાર, 13 મે 2016 (11:41 IST)
શાહરૂખ ખાનની રઈસ ફિલ્મ સામે એક સમયના ડોન લતિફના પુત્રએ સેશન્સ કોર્ટમાં સો કરોડની બદનક્ષીની ફરિયાદ કરી હતી. જે અંગેની સુનાવણી દરમિયાન શાહરૂખના વકીલે કોર્ટમાં જવાબ રજુ કરવા 30 મે સુધીના સમયની માંગ કરી હતી. જેથી હવે આ સુનાવણી પણ 30મી મેના રોજ યોજાશે, લતિફના પુત્રએ એવો આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મમાં મારા પિતાની છબી ખરડાય તેવા દ્રશ્યો લેવામાં આવ્યાં છે. લતિફના જ્યેષ્ઠ પુત્રે આ ફિલ્મના નિર્માતાઓ સામે 101 કરોડનો દાવો કર્યો છે. આ આક્ષેપમાં એવું કહેવામાં આવ્યું છ કે લતિફ ક્યારેય દારૂના વ્યવસાય સાથે જોડાયેલ ન હતાં. પણ તેમને આ ફિલ્મમાં બુટલેગર અને વેશ્યાવૃત્તિના વ્યવસાયને પ્રોત્સાહન આપતાં દર્શાવવાયા છે.ફિલ્મ સર્જકોએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે અમે માર્ચમાં ફિલ્મ સર્જકોને નોટિસ પાઠવી હતી જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અમે તમારી ઇમેજ ખરાબ થાય તેવા દ્રશ્યો નહીં બતાવીએ પરંતુ ફિલ્મના ટ્રેલરમાં જ તેમને હત્યારા, દારૂનો ધંધો કરતા દર્શાવી બદનક્ષી કરવામાં આવી છે. કોર્ટે આ મામલે શાહરુખ ખાન, ગૌરી ખાન, રીતેષ સંધવાણી, ફરહાન અખ્તર, રાહુલ ધોલકિયા પ્રોજેક્ટ લિ., એક્સેલ એન્ટરટેનમેન્ટ પ્રા.લિ., રેડ ચીલી એન્ટરટેનમેન્ટને નોટિસ પાઠવી છે.