ક્રિકેટ વર્લ્ડ કપ : ભારતે 1983માં આવી રીતે જીત્યો હતો વર્લ્ડ કપ

મંગળવાર, 25 જૂન 2019 (19:05 IST)
રેહાન ફઝલ
જ્યારે 25 જૂન 1983ના રોજ લૉર્ડ્સના મેદાનની વચ્ચોવચ્ચ કપિલદેવ નિખંજ અને મદનલાલ વચ્ચે મંત્રણા થઈ, તો તેની અસર ન માત્ર વિશ્વ કપના ફાઇનલના પરિણામો પર પડી, પણ તેણે હંમેશાં માટે ભારતીય ક્રિકેટ ટીમની તસવીર બદલી નાખી.
 
વિવ રિચર્ડ્સ તાબડતોડ ચોગ્ગા લગાવતા ટૂંક સમયમાં જ 33 સ્કોર પર પહોંચી ગયા.
 
તેઓ મદનલાલના બૉલ પર ત્રણ ચોગ્ગા લગાવી ચૂક્યા હતા.
 
એ માટે કપિલદેવ બીજા કોઈને ઓવર આપવા વિશે વિચારી રહ્યા હતા. ત્યારે જ મદનલાલે તેમને વધુ એક ઓવર આપવા માટે કહ્યું.
 
મદનલાલ યાદ કરે છે, "એ વાત સાચી છે કે મેં કપિલ દેવ પાસેથી ઓવર લીધી હતી. જે લોકો કહે છે કે મેં બૉલ છીનવી લીધો હતો, તે વાત ખોટી છે. મેં ત્રણ ઓવરમાં 20-21 રન આપ્યા હતા."
 
"મેં કપિલને કહ્યું કે મને વધુ એક ઓવર કરવા દે. મેં વિચાર્યું કે રિચર્ડ્સને એક 'શૉર્ટ' બૉલ કરીશ. મેં પહેલા કરતાં વધારે ઝડપથી બૉલિંગ કરી જેણે પિચને ઝડપથી 'હિટ' કરી."
 
"તેમણે બૉલને હુક કરતા સમયે 'મિસટાઇમ' કર્યો. કપિલ દેવે 20-25 ગજ પાછળ ભાગીને પોતાની આંગળીઓની ટિપ પર એ બૉલને કૅચ કર્યો."
 
ઑક્સફોર્ડ સ્ટ્રીટમાં શૉપિંગની ઇચ્છા
 
વિશ્વ કપ જીત્યા બાદ યશપાલ શર્મા અને રોજર બિન્ની યાદગારી તરીકે વિકેટ ઉખાડીને લઈ ગયા હતા
25 જૂન 1983ના રોજ શનિવાર હતો. લૉર્ડ્સના મેદાન પર વાદળ છવાયેલા હતા. જ્યારે ક્લાઇલ લૉયડ અને કપિલ દેવ મેદાન પર ટૉસ કરવા આવ્યા, સૂરજે વાદળને પાછળ ધકેલી દીધા અને દર્શકોએ ખુશીથી તાળીઓ પાડી.
 
ભારતીય ક્રિકેટના ઇતિહાસ પર છપાયેલા પુસ્તક 'ધ નાઇન વેવ્સ- ધ એક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરી ઑફ ઇન્ડિયન ક્રિકેટ' લખી ચૂકેલા મિહિર બોઝ યાદ કરે છે :
 
"જ્યારે અમે લૉર્ડ્સની અંદર જઈ રહ્યા હતા ત્યારે બુકીઝ ભારતને 50 ટૂ 1 અને 100 ટૂ 1નો 'ઑડ' આપી રહ્યા હતા."
 
"બે ભારતીયો પણ હાથમાં બેનર લઈને ઊભા હતા જેમાં ભારતને 'ફેવરિટ' બતાવવામાં આવ્યું હતું મજાકમાં. લૉર્ડ્સની અંદર વેસ્ટ ઇન્ડિઝના ઘણા સમર્થકો હતા. ભારતના સમર્થકો એટલા ન હતા."
 
"તેઓ પહેલેથી જ જોર જોરથી બુમો લગાવી રહ્યા હતા કે તેઓ ત્રીજી વખત વિશ્વ કપ જીતશે. પ્રેસ બૉક્સમાં પણ ગણેલા ભારતીયો હતા. હું તો 'સંડે ટાઇમ્સ' માટે કામ કરી રહ્યો હતો."
 
"અંગ્રેજ અને ઑસ્ટ્રેલિયાના પત્રકાર કહેતા હતા કે આ ફાઇનલ ખરાબ થવાનો છે. ઇંગ્લૅન્ડ કે ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં હોત તો કંઈક મુકાબલા જેવું પણ લાગતું."
 
"જ્યારે ભારતીય રમવા ઉતર્યા તો તેમણે સારી બેટિંગ ન કરી. જ્યારે વેસ્ટ ઇન્ડિઝે બેટિંગ શરૂ કરી તો સંદીપ પાટિલે ગાવસ્કરને મરાઠીમાં કહ્યું કે સારું રહેશે કે મૅચ જલદી પૂર્ણ થઈ જશે અને આપણને ઑક્સફોર્ડ સ્ટ્રીટ પર શૉપિંગ કરવાનો સમય મળી જશે."
 
"જ્યારે વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ શરૂ થઈ તો મને અંગ્રેજ અને ઑસ્ટ્રેલિયાઈ પત્રકારોની વાતો સાંભળીને એટલું ખરાબ લાગ્યું કે મેં પ્રેસ બૉક્સ છોડી દીધું અને લૉર્ડ્સના મેદાનમાં એ વિચારીને ફરવા લાગ્યો કે મારું મન થોડું હળવું થઈ જશે."
 
મોહિંદર અમરનાથ 1983ના વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં મૅન ઑફ ધ મૅચ રહ્યા હતા એ દિવસે કપિલ ટૉસ હાર્યા. વેસ્ટ ઇન્ડિઝે ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું. એન્ડી રૉબર્ટ્સે 'બિગ બર્ડ' જૉએલ ગાર્નર સાથે બૉલિંગની શરૂઆત કરી. રૉબર્ટ્સે ભારતને પહેલો ઝટકો આપ્યો જ્યારે બેના સ્કોર પર ગાવસ્કર કૅચ થઈ ગયા. ગાવસ્કરની જગ્યાએ મોહિંદર અમરનાથે એક છેડો સંભાળ્યો. બીજા છેડે શ્રીકાંત આક્રમક મૂડમાં હતા. તેમણે પહેલા ગાર્નરને ચાર રન માટે સ્લેશ કર્યા અને પછી રૉબર્ટ્સના બૉલને મિડ વિકેટ પર બાઉન્ડ્રીની બહાર મારી અને થોડીવાર બાદ તેમને 6 રન માટે હુક કરી લીધા.
 
મેં શ્રીકાંતને પૂછ્યું કે જ્યારે તમે બેટિંગ કરવા ગયા હતા તો શું વિચારી રહ્યા હતા?
 
શ્રીકાંતે જવાબ આપ્યો, "મારો વિચાર એવો જ હતો કે ત્યાં જઈને પોતાની સ્વાભાવિક રમત રમો. જો રમી શકો છો તો રમો નહીં તો બહાર જાઓ."
 
વેસ્ટ ઇન્ડિઝની ખતરનાક બૉલિંગ
 
શ્રીકાંત બેટિંગ કરતી વખતે ઘણું રિસ્ક લઈ રહ્યા હતા તો બીજી તરફ લૉર્ડ્સની પ્રખ્યાત બાલ્કની પર બેઠેલા ભારતીય ખેલાડીઓનું દિલ ગભરાઈ ગયું હતું. લૉયડે માર્શલને લગાવ્યા અને આવતા જ તેમણે શ્રીકાંતને પવેલિયન મોકલ્યા, પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલા 38 રન એ સર્વાધિક સ્કોર હતો. મોહિંદર અને યશપાલ શર્માએ ધીમે ધીમે 31 રન ઉમેર્યા, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના બૉલર એક કમ્પ્યૂટરાઇઝ્ડ રૉકેટની જેમ વારંવાર આક્રમણ કરતા રહ્યા.
 
રૉબર્ટ્સ જતા તો માર્શલ આવતા. માર્શલ જતા તો હોલ્ડિંગ બૉલિંગ સંભાળી લેતા. યશપાલ અને મોહિંદર બન્ને તરત જ આઉટ થયા.
 
માર્શલનો બલવિંદરને બાઉંસર
 
વિશ્વ કપના ફાઇનલમાં એ વર્ષે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સેમી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પહોંચી હતી
ભારતની 6 વિકેટ માત્ર 11 રન પર જ આઉટ થઈ ગઈ. લૉર્ડ્સમાં મેચ જોઈ રહેલા ભારતીય મૂળના દર્શકો વચ્ચે સન્નાટો છવાયેલો હતો.
 
આ તરફ ભારતમાં ક્રિકેટ પ્રેમી ગુસ્સામાં પોતાના રેડિયો અને ટીવી સેટ બંધ કરી રહ્યા હતા, પરંતુ ભારતની છેલ્લી ચાર વિકેટોએ 'કરો કે મરો'ની ભાવનાનો ચરિતાર્થ કરતા 72 રન બનાવ્યા.
 
11 નંબર રમવાવાળા બલવિંદર સંધુએ બહાદુરીનો પરિચય આપ્યો. માર્શલે તેમને વિચલિત કરવા માટે એક બાઉન્સર ફેંક્યો જે તેમના હેલમેટ સાથે ટકરાયો.
 
સૈયદ કિરમાની યાદ કરે છે, "જ્યારે બલવિંદર અને મારી પાર્ટનરશીપ થઈ તો માર્શલે પહેલો બૉલ તેમને આપ્યો તે બાઉન્સર હતો. તે બૉલ સીધા તેમના હેલમેટ પર લાગ્યો હતો."
 
"તે જમાનામાં માર્શલ દુનિયાના સૌથી સ્પીડ બૉલર હતા. બૉલ જ્યારે બલ્લૂ (બલવિંદર)ના હેલમેટમાં લાગ્યો તો તેમને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા."
 
"હું તેમની તરફ એ પૂછવા માટે ભાગ્યો કે તમે ઠીક છો કે નહીં. મેં જોયું કે બલ્લૂ હેલમેટને હાથથી ઘસી રહ્યા હતા. મેં પૂછ્યુ તમે હેલમેટ કેમ રગડી રહ્યા છો. શું વાગ્યું છે?"
 
સૈયદ કિરમાની આગળ જણાવે છે, "તે જ સમયે અમ્પાયર ડિકી બર્ડ માર્શલને 'ટેલ એંડર' પર બાઉન્સર ફેંકવા માટે ખૂબ ખીજાયા. તેમણે માર્શલને બલ્લૂ પાસે માફી માગવાનું પણ કહ્યું."
 
"માર્શલ તેમની પાસે આવીને બોલ્યા, 'મેન આઈ ડિડ નૉટ મીન ટૂ હર્ટ યૂ. આઈ એમ સૉરી' (મારો ઉદ્દેશ તમને ઘાયલ કરવાનો ન હતો. મને માફ કરી દો.)
 
બલ્લૂ બોલ્યા, 'મૈલ્કમ ડૂ યૂ થિંક ધેટ માઈ બ્રેઇન ઇઝ ઇન માઈ હેડ. નો ઇટ ઇઝ ઇન માઈ ની.' (મૈલક્મ તમે શું એવું સમજો છો કે મારું મગજ મારા માથામાં છે? ના, તે મારા ઘૂંટણમાં છે.) મૈલ્કમ આ સાંભળીને હસી પડ્યા."
 
જ્યારે વર્લ્ડ કપની મૅચમાં અમ્પાયર સ્ટમ્પ લઈને મારવા દોડ્યા
 
ભારતે 183 રન કર્યા
 
ભારતીય ટીમ 183 રન બનાવીને આઉટ થઈ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ એવી રીતે પવેલિયન તરફ ભાગી, જાણે વિશ્વ કપ તેમણે જીતી લીધો હોય.
 
મેં સૈયદ કિરમાનીને પૂછ્યું કે જ્યારે તમે ફીલ્ડિંગ કરવા ઉતર્યા તો તમે શું વિચારી રહ્યા હતા કે મૅચ કઈ તરફ જશે?
 
કિરમાનીએ કહ્યું, "અમે તો એ જ સમજ્યા કે આ તો અમને ઓપનિંગ સ્ટેન્ડમાં જ ખાઈ જશે અને વિવિયન રિચર્ડ્સનો તો વારો જ નહીં આવે."
 
"પરંતુ અમે એ પણ વિચાર્યું કે અમે અમારો આત્મવિશ્વાસ ગુમાવીશું નહીં અને દરેક ખેલાડી પૉઝિટિવ માઇન્ડ સાથે રમશે."
 
ગ્રીનિઝનો ઑફ સ્ટંપ ઉડ્યો
 
વેસ્ટ ઇન્ડિઝ તરફથી હેંસ અને ગ્રીનિઝ બેટિંગ કરવા માટે ઉતર્યા.
 
ચોથી ઓવરમાં બલવિંદર સંધૂના એક બૉલ પર ગ્રીનિઝે એ વિચારીને પોતાનું બેટ ઉપર ઉઠાવી લીધું કે બૉલ બહાર જઈ રહ્યો છે.
 
બૉલ અંદર આવ્યો અને ગ્રીનિઝનો ઑફ સ્ટંપ લઈને ઉડ્યો. રિચર્ડના આઉટ થવાની કહાણી તો તમે વાંચી જ ચૂક્યા છો.
 
હવે ભારતીય ખેલાડીઓની ગતિ પણ વધી. લૉયડે બિનીને ડ્રાઇવ કર્યા અને શૉર્ટ મિડ વિકેટ પર ઊભેલા કપિલ દેવના હાથોમાં શૉટ આવીને ચોટી ગયો.
 
મોહિંદરે ઝડપી છેલ્લી વિકેટ
 
ગોમ્સ અને બૈકસના આઉટ થયા બાદ દૂજો અને માર્શલ જામી ગયા અને તેમણે સાતમી વિકેટ માટે 43 રન ઉમેર્યા.
 
મોહિંદરે દૂજોને આઉટ કર્યા. વેસ્ટ ઇન્ડિઝની અંતિમ જોડી ગાર્નર અને હોલ્ડિંગ સ્કોરને 140 સુધી લઈ ગઈ.
 
પરંતુ મોહિંદરે નક્કી કર્યું કે હવે બહુ થયું. લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ચારે તરફ દર્શક જ દર્શક હતા.
 
મેં કીર્તિ આઝાદને કહ્યું કે એ દૃશ્ય યાદ કરો જ્યારે મોહિંદરે હોલ્ડિંગને આઉટ કર્યા હતા.
 
કીર્તિએ કહ્યું, "તમે મારી સાથે વિશ્વ કપની વાત કરી રહ્યા છો અને તે દૃશ્ય એકદમ મારી સામે આવી ગયું છે. મારા શરીરમાં વીજળી દોડી રહી છે અને મારા રુંવાટા ઊભા થઈ રહ્યા છે."
 
"તમે કોઈ પણ ગેમ રમો છો, તો તેના શિખર સુધી પહોંચવા માગો છે. એ એક એવો અનુભવ હતો જેને હું ક્યારેય ભૂલાવી નહીં શકું."
 
ભારતને ત્રીજો વર્લ્ડ કપ અપાવવો વિરાટ કોહલી માટે કેટલું સરળ?
શશિ કપૂર લૉર્ડ્સ પહોંચ્યા
જ્યારે ઉજવણી થઈ રહી હતી, ત્યારે પ્રખ્યાત અભિનેતા શશિ કપૂર ત્યાં પહોંચી ગયા.
 
કપિલદેવ પોતાની આત્મકથા 'સ્ટ્રેટ ફ્રૉમ ધ હાર્ટ'માં લખે છે, "જ્યારે અમે ડ્રેસિંગ રૂમની બહાર નીકળ્યા તો ત્યાં સાઉથ હૉલથી આવેલા કેટલાક પંજાબી નાચવા લાગ્યા."
 
"પછી કોઈએ આવીને મને કહ્યું કે શશિ કપૂર બહાર ઊભા છે અને અંદર આવવા માગે છે. હું ટીમના બે સભ્યો સાથે તેમને બહાર લેવા ગયો."
 
"એ દિવસે અમે લૉર્ડ્સના તમામ કાયદા તોડી નાખ્યા. લૉર્ડ્સના મુખ્ય સ્વાગત કક્ષમાં કોઈ પણ વ્યક્તિ ટાઈ પહેર્યા વગર પ્રવેશ મેળવી શકતી નથી."
 
"અમે શશિ કપૂર માટે ટાઈની વ્યવસ્થા તો કરી લીધી, પરંતુ તેઓ એટલા જાડા થઈ ગયા હતા કે અમારામાંથી કોઈનો કોટ તેમને ફીટ ન થયો."
 
"પરંતુ શશિ કપૂર સ્માર્ટ હતા. તેમણે એક સ્ટારની જેમ કોટ પોતાના ખભા પર નાખ્યો અને ટાઈ બાંધીને અંદર ઘુસી ગયા. પછી અમે બધાએ એકસાથે ઊજવણી કરી."
 
કપિલદેવ અને મદનલાલની પત્નીઓ લૉર્ડસ પર હાજર ન હતી
રસપ્રદ વાત એ છે કે જ્યારે ભારતને જીત મળી તો કપિલદેવ અને મદનલાલની પત્નીઓ લૉર્ડ્સના મેદાનમાં હાજર ન હતી.
 
કપિલ દેવ લખે છે, "જ્યારે ભારતીય ખેલાડી આઉટ થવા લાગ્યા, દર્શકો વચ્ચે બેઠેલાં મારાં પત્ની રોમીએ મદનલાલનાં પત્ની અનુને કહ્યું, 'હું અહીં બેસી શકતી નથી. હું હોટલ પરત જઈ રહી છું.' થોડીવાર બાદ અનુ પણ હોટલ પહોંચી ગયાં. જ્યારે તેમણે સ્ટેડિયમમાંથી ઘોંઘાટનો અવાજ સાંભળ્યો તો ટીવી ચાલુ કર્યું."
 
"ટીવી ચાલુ કરતા જ તેમણે મને રિચર્ડ્સનો કૅચ લેતા જોયા. બન્ને મહિલાઓ ખુશીથી પલંગ પર જ ઉછળવા લાગી. એટલો અવાજ થયો કે નીચેથી હોટલના કર્મચારી ઉપર આવી ગયા."
 
"આ બન્નેએ ગમે તેમ રીતે એ લોકોને બહાર કાઢ્યા. આ તરફ જીત બાદ મેં શૈંપેન સ્પ્રે કરવાનું શરૂ કરી દીધું, જ્યાં હું એ બન્નેના હોવાથી આશા કરી રહ્યો હતો."
 
"ત્યારે મદને મને કહ્યું, 'મને અનુ અને રોમી ક્યાંય દેખાતાં નથી.' આ બન્ને મહિલાઓ ઇચ્છા હોવા છતાં ફરી સ્ટેડિયમમાં આવી ન શકી."
 
"પછી અમે જ્યારે મળ્યા તો તેઓ મને એ જણાવવાની હિંમત ન કરી શક્યા કે ભારત જીત્યું ત્યારે તેઓ લૉર્ડ્સના મેદાન પર કેમ હાજર ન હતાં."
 
ક્રિકેટ વર્લ્ડ કપ 2019 : રિષભ પંત બહાર, વિજય શંકર અંદર કેમ?
વેસ્ટ ઇન્ડિઝના ડ્રેસિંગ રૂમમાંથી આવી હતી શૈંપેન
 
લૉર્ડ્સની બાલકની પર કપિલે શૈંપેનની બૉટલ ખોલી અને નીચે નાચી રહેલા દર્શકો ઉપર ઉડાડી.
 
મજાની વાત એ છે કે કપિલ એ શૈંપેનની બોટલ વેસ્ટ ઇન્ડિઝના ડ્રેસિંગ રૂમમાંથી લાવ્યા હતા, કેમ કે ભારતીય ખેલાડીઓએ જીતની આશા વ્યક્ત કરી ન હતી.
 
એ માટે તેમના ડ્રેસિંગ રૂમમાં એક પણ શૈંપનની બોટલનું આયોજન ન હતું.
 
મિહિર બોઝ જણાવે છે, "કપિલ દેવ વેસ્ટ ઇન્ડિયન કેપ્ટન સાથે વાત કરવા તેમના ડ્રેસિંગ રૂમ ગયા. ત્યાં તેમણે જોયું કે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ખૂબ દુખી હતા."
 
"ત્યાં તેમણે શૈંપેનની કેટલીક બોટલ જોઈ. તેમણે લૉયડને પૂછ્યું શું હું આ બૉટલ લઈ શકું છું? લૉયડે કહ્યું તમે તેને લઈ જાઓ."
 
"આ રીતે ભારતીય ખેલાડીઓએ ન માત્ર વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું, પણ તેમની શૈંપેન પણ પીધી."
 
ભારતીય ડ્રેસિંગ રૂમમાં 11 દુલ્હા
 
મિહિર બોઝનું પુસ્તક 'ધ નાઇન વેવ્સ'
મેં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રાજ સિંહ ડૂંગરપુરને પૂછ્યું હતું કે તે સમયે ભારતીય ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હતો?
 
તેમણે કહ્યું, "એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ લગ્ન થઈ રહ્યા હોય. લગ્નમાં એક દુલ્હો હોય, પરંતુ એ દિવસે ભારતીય ડ્રેસિંગમાં 11 દુલ્હા હતા."
 
"હું એ ક્યારેય ભૂલી નહીં શકું કે ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવવા માટે તેના ડ્રેસિંગ રૂમમાં ચાર બૉલર્સ સિવાય આખી વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવી."
 
"તેમને એ વાતનો દુઃખ હતો કે તેમણે તો પોતાનું કામ કરી લીધું હતું, પરંતુ ધુરંધર બેટ્સમૅન્સ હોવા છતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 184 રન બનાવવામાં નિષ્ફળ રહી."
 
ભારતના બૅટ્સમૅનો અફઘાનિસ્તાન સામે કેમ નિષ્ફળ ગયા
 
 
1983ના વર્લ્ડ કપમાં ભારતે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું
જ્યારે ભારતીય ટીમ મુંબઈ પહોંચી તો મુશળધાર વરસાદ વચ્ચે પચાસ હજાર લોકોએ વાનખેડે સ્ટેડિયમમાં તેમનું સ્વાગત કર્યું.
 
દિલ્હીમાં વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ 'હૈદરાબાદ હાઉસ'માં ટીમનું સ્વાગત કર્યું.
 
કપિલદેવ પોતાની આત્મકથા 'સ્ટ્રેટ ફ્રૉમ ધ હાર્ટ'માં લખે છે, "ઇંદિરા ગાંધીને મળતાં પહેલાં ગાવસ્કરે શ્રીકાંતને કહ્યું, જુઓ તમને આંખ મારવા અને નાક હલાવવાની ખરાબ ટેવ છે."
 
"ઇંદિરાજીની સામે પોતાના પર નિયંત્રણ રાખજો અને યોગ્ય વ્યવ્હાર કરજો. શ્રીકાંતે કહ્યું, 'સારું'. જ્યારે ઇંદિરા ગાંધીએ ગાવસ્કર સાથે વાત કરી તો શ્રીકાંત એ વાતનો પૂર્ણ પ્રયાસ કરી રહ્યા હતા કે તેમની આંખ અને નાક કોઈ હરકત ન કરે. ત્યારે જ મેં જોયું કે ઇંદિરા ગાંધીને પણ શ્રીકાંતની જેમ આંખ ઝપકાવવાની ટેવ છે."
 
"જ્યારે તેઓ શ્રીકાંતની સામે પહોંચ્યાં તો તેમણે પોતાની આંખો ઝપકાવી. ત્યાં સુધી શ્રીકાંત પોતાના પરથી નિયંત્રણ ગુમાવી ચૂક્યા હતા. તેમની પણ આંખ ઝપકી અને તેમણે પોતાની નાક પણ ચઢાવી."
 
"અમે બધા એ વિચારીને ચિંતામાં મૂકાયા કે ક્યાંક ઇંદિરા ગાંધી એવું ન સમજી લે કે શ્રીકાંત તેમની નકલ ઉતારી રહ્યા છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર