કોરોનાકાળ વચ્ચે નવરાત્રિનું આયોજન કેટલું મુશ્કેલ બનશે?

તેજસ વૈદ્ય

સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (15:58 IST)
નોરતાંને ગણતરીના દિવસો બાકી છે. સામાન્ય રીતે આ દિવસોમાં ગુજરાત અને મુંબઈમાં ધમધમાટ હોય.
 
ચણીયાચોળીની ખરીદીઓ ચાલુ થઈ ગઈ હોય, ગરબાના વર્ગોમાં છેલ્લા તબક્કાની રિહર્સલ ચાલુ હોય. ગરબાના આયોજકો પણ તેમની તૈયારીઓમાં લાગી ગયા હોય, વગેરે વગેરે.
 
વૈશ્વિક મહામારી કોરોનાનાં ગ્રહણને કારણે નવરાત્રીનો કોઈ ધમધમાટ આ વર્ષે જોવા મળતો નથી.
 
કોરોના જે રીતે રાજ્યભરમાં પોતાનો અડિંગો જમાવી રહ્યો છે, એ જોતાં રાજ્ય સરકાર આ વખતે ગરબા માટે મંજૂરી આપશે કે નહીં એ સવાલ ચર્ચામાં છે.
 
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ચારેક દિવસ પહેલાં જ મીડિયાને કહ્યું હતું કે "નવરાત્રીને લગતાં આયોજન કેવી રીતે કરવાં, ગરબા માટે કેટલી સંખ્યામાં ક્યાં, કોને મંજૂરી આપવી, એ બધું અમે વિચારી રહ્યા છીએ."
 
"નવરાત્રી પહેલાં શક્ય તેટલી વહેલી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવશે. કોરોના સામે લડત ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. લોકો ગરબા રમવા આતુર છે તેમને શક્ય તેટલી રાહત થાય એ માટે અમે વિચારણા કરી રહ્યા છીએ."
 
આ સાથે જ લોકોમાં આનંદ અને ચિંતાની બેવડી લાગણી પ્રસરી અને તબીબો સહિત કેટલાક વર્ગોએ તો તેમની નારાજગી પણ વ્યક્ત કરી
'ગરબામાં નિયમોનું પાલન થશે એની શું ખાતરી?'
 
નીતિન પટેલના નિવેદન બાદ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન ઍલર્ટ થઈ ગયું.
 
તેમણે નાયબ મુખ્ય મંત્રી અને મુખ્ય મંત્રીને લેખિતમાં જણાવ્યું કે જે પ્રકારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ છે, એ જોતાં નોરતામાં ગરબાની મંજૂરી ન આપવી જોઈએ.
 
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં પ્રમુખ મોના દેસાઈએ પત્ર સંદર્ભે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "સરકારે જ્યારે એવું કહ્યું કે કેટલાક નિયમો સાથે અમે ગરબા યોજવાનું વિચારી રહ્યા છીએ ત્યારે અમે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને લેખિતમાં અપીલ કરી છે કે કોરોનાની મહામારીને લીધે નોરતાં ન યોજાય તે બહેતર છે."
 
સમાજશાસ્ત્રી વિદ્યુત જોષી કહે છે, "એ વાત બરાબર છે કે જે રીતે ક્લબો અને આયોજકો દ્વારા મેદાનમાં ગરબા યોજાય છે એ ન યોજાવા જોઈએ."
 
સાથે જ તેઓ કહે છે, "…પણ હું કહીશ કે શેરી ગરબા તળપદી રીતે થાય તો એમાં કશું ખોટું નથી. બહેનો કોરોના સામેની સાવચેતીના નિયમો પાળે અને ચાર-પાંચ ગરબા ગાઈને છૂટા પડે. શેરી કે સોસાયટી નક્કી કરે કે આટલું અંતર રાખીને ગરબા કરવાના અને આટલા માણસોથી વધારે ભેગા નહીં થવાનું. તો વાંધો ન આવે."
 
મોના દેસાઈ આગળ કહે છે, "નિયમોનું જોઈએ એવું પાલન લોકો કરતા નથી. જેને પરિણામે સ્થિતિ વધુ વણસી શકે છે. ગરબા રમવા સાગમટે લોકો એકઠા થાય એને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન ન થાય તો જોખમ સર્જાઈ શકે."
 
"પાંચ હજાર લોકો ગરબા રમી શકે એવા મેદાનમાં જો એક હજાર ગરબાપ્રેમીને મંજૂરી આપવામાં આવે તો શું એ કંટ્રોલ થઈ શકે એવી સ્થિતિ હશે? અત્યારે માસ્ક ન પહેરવા માટે એક હજાર રૂપિયા દંડ છે છતાં લોકો નથી પહેરતાં."
 
"કોરોનાને લીધે જ આપણે ત્યાં જન્માષ્ટમી સહિતના તહેવારોની ઉજવણી પર અંકુશ મૂકવામાં આવ્યો હતો. હવે તો એવા પણ કેસ જોવા મળ્યા છે કે જેઓ ફરીથી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. આ સંજોગોમાં જરૂરી છે કે સમાજના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને નોરતામાં ગરબાની મંજૂરી ન આપવામાં આવે."
 
ગુજરાતનું અર્થતંત્ર અને ગરબા
 
જો ગરબા ન યોજાય તો રાજ્યના અર્થતંત્રને કોઈ અસર થાય ખરી?
 
આ સવાલના જવાબમાં વિદ્યુત જોષી કહે છે, "ગુજરાતની ઇકૉનૉમીમાં નોરતાંની મોટી ભૂમિકા નથી. નવરાત્રિને લીધે મનોરંજનનું માર્કેટ ઊભું કરવામાં આવ્યું છે પરંતુ એની રાજ્યની ઇકૉનૉમી પર કોઈ અસર નથી."
 
ગરબાની સાથે લઘુઉદ્યોગો પણ સંકળાયેલા છે. ચણિયાચોળી, ઝભ્ભા, ઘરેણાં અને અન્ય પ્રસાધનોની ખરીદી થાય છે. જેનું મોટું બજાર છે.
 
કેટલાય ગાયકો માટે નોરતાંની નવ રાતો એ આખા વર્ષની કમાણી હોય છે.
 
આમ છતાં વિદ્યુત જોષી અર્થતંત્રમાં મોટી ભૂમિકા ન હોવા અંગે કારણ આપતાં કહે છે, "નવરાત્રિ વર્ષોથી કૉમ્યુનિટીનો ઉત્સવ હતો એને 80-90ના દાયકામાં કૉમોડિટી એટલે કે માર્કેટ સાથે જોડી દેવામાં આવ્યો."
 
"સાદી ભાષામાં સમજીએ તો ઉજવણી પહેલાં શેરી-મહોલ્લામાં થતી હતી, જે પછી આયોજકો દ્વારા ક્લબો અને મેદાનોમાં થવા લાગી."
 
તેઓ કહે છે, "નોરતાં જ્યારે માર્કેટનો હિસ્સો નહોતાં ત્યારે એક ઢોલીને શરણાઈવાદક આવતા હતા અને શેરીમાં લોકો ગરબા લેતા હતા. લોકગાયકો ગામના ચોરે બેસીને ગાતા હતા."
 
"ગાયકો લોકોથી અલગ નહોતા. 80-90ના દાયકામાં સ્થિતિ બદલાઈ, નોરતાંનો મનોરંજનના ઉદ્યોગની કૉમોડિટીમાં પ્રવેશ થયો. એને લીધે ગાયકો, વાદકોનું માર્કેટ ઊભું થયું. પછી ગાયકો-વાદકો લોકોથી અલગ થઈને સેલિબ્રીટી થઈ ગયા."
 
"બદલાવ છતાં ગુજરાતના અર્થતંત્રમાં નોરતાંનો મોટો રોલ નથી. તેથી ગુજરાતના અર્થતંત્રને ફરક પડવાનો નથી."
 
જોષી કહે છે કે બીજી વાત એ છે કે નવરાત્રિના ઉત્સવમાં જે કંઈ આર્થિક ઉપક્રમો થાય છે, એ પૈસા ગુજરાતમાંથી જ આવે છે અને ગુજરાતમાં જ રહે છે.
 
તેઓ વધુમાં જણાવે છે, "ગરબા સાથે સંકળાયેલો વ્યવસાય એ ગુજરાતમાં પાંચસો કરોડથી વધારેનો નહીં હોય. રાજ્યના સાર્વત્રિક અર્થતંત્ર સાથે સરખાવીએ તો આને કોઈ મોટો વ્યવસાય ન કહેવાય."
 
"નવરાત્રિને માર્કેટ તરીકે ન જોતાં લોકોના રોજગારીના હકો તરીકે વિકસાવવાની જરૂર હતી."
 
ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીઓને ફરી કેમ ચેપ લાગી રહ્યો છે?
 
આયોજકો તૈયાર નથી
 
જો રાજ્ય સરકાર ગરબા માટે મંજૂરી આપે તો શું આયોજકો આયોજન માટે તૈયાર છે?
 
અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોમાં મોટા ગરબાઆયોજકોએ અત્યારથી જ કહી દીધું છે કે તેઓ ગરબા યોજવાના નથી.
 
રાજકોટમાં 25 કરતાં વધુ વર્ષથી ગરબા યોજતાં 'જૈનવિઝન સનમ જૂથ'ના મીલન કોઠારી બીબીસી સાથે વાત કરતાં કહે છે, "આ વખતે કોરોના મહામારીને કારણે અમે આયોજન બંધ રાખ્યું છે. સરકાર નિયમો ઘડીને મંજૂરી આપે તો પણ અમે ગરબા નથી યોજવાના."
 
"સંજોગો એવા છે કે મંજૂરી મળે અને ગરબા યોજીએ તો પણ કોરોનાના ડરથી ગરબા રમવા લોકો યોગ્ય સંખ્યામાં આવે એવું વર્તાતું નથી."
 
"મોટા પાયે આયોજન કરીએ અને ગરબા રમનારા જ ન આવવાના હોય તો આયોજનનો ખર્ચ માથે પડે. તેથી નક્કી કર્યું છે કે ગરબા નહીં યોજીએ."
 
"આટલાં વર્ષથી અમે ગરબા યોજીએ છીએ તેથી જે કલાકારો, મંડપ, ડેકોરેશન, લાઇટ, સુરક્ષાકર્મી, સફાઈ કામદારો વગેરે અમારી સાથે વર્ષોથી ગરબાના સંચાલનમાં સહયોગ આપે છે, તેમને આર્થિક મદદ કરવાનું પણ નક્કી કર્યું છે."
 
ગરબા આયોજકો આયોજન કરવું કે નહીં એની અસમંજસમાં છે પણ ગરબાના વર્ગો ચલાવતા લોકોને તો કોરોનાને કારણે આ વર્ષ નકામું ગયું છે.
 
ગરબાની અવનવી શૈલી અને સ્ટેપ્સ શીખવતાં વર્ગો નવરાત્રિના ત્રણ-ચાર મહિના અગાઉ શરૂ થઈ જાય છે.
 
રાજ્યભરમાં નાનાંમોટાં તમામ શહેરોમાં ગરબાના વર્ગો ચાલતા હોય છે, આ વર્ગો કોરોનાને કારણે આ વર્ષે શરૂ થઈ શક્યા નથી.
 
અમદાવાદમાં વર્ષોથી કાર્યરત્ સહીયર ગરબા ક્લાસીસના કૉરિયોગ્રાફર દીપુ તિવારી બીબીસીને જણાવે છે, "જો નિયમો સાથે ગરબા માટે મંજૂરી મળે તો કેટલા લોકો હવે શીખવા આવશે એ સવાલ છે. બીજી બાબત એ કે શીખવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડે."
 
"તેથી સંખ્યા દર વર્ષ કરતાં ઓછી રાખવી પડે. ટૂંકમાં કહીએ તો આ વર્ષ અમારા માટે ખૂબ કારમું છે."
 
તેઓ કહે છે, "જે રીતનો ડર છે એ જોતાં મંજૂરી મળે તો પણ લોકો ગરબા રમવા આવશે એવું મને લાગતું નથી."
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 1,365 કેસ નોંધાયા છે.
 
જે પૈકી સૌથી વધારે 173 કેસ કેસ સુરત શહેરમાં નોંધાયા હતા. એ પછી અમદાવાદમાં 153, સુરત જિલ્લામાં 105, જામનગર શહેરમાં 103, રાજકોટ શહેરમાં 95 અને વડોદરા શહેરમાં 84 નોંધાયા છે. જ્યારે, રાજ્યમાં કુલ 15 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
 
આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્તોના આંક 1,13,662 થઈ ગયો છે, જ્યારે કુલ મૃતાંક 3,213 થઈ ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર