રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના CCTV ફૂટેજમાં આગ કેવી રીતે લાગી તેનો થયો ખુલાસો

સોમવાર, 27 મે 2024 (11:07 IST)
Rajkot fire cctv footage- રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગ પછી મૃત્યુઆંક 27એ પહોંચ્યો છે. મૃતકો પૈકી મોટી સંખ્યામાં બાળકો હોવાનું મનાઈ રહ્યું છે.
 
અત્યાર સુધીમાં પોલીસે ગેમ ઝોનના માલિક સામે ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત પણ કરી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે અને રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
 
રાજકોટમાં આ આગ કેવી રીતે લાગી અને શા માટે થોડી જ મિનિટોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું તેના વિશે તપાસ થતાં ધીમે-ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

 
પ્રાથમિક અહેવાલોમાં વેલ્ડિંગ તથા શોર્ટ-સર્કિટની વાત સામે આવી હતી. પરંતુ બીબીસી સહયોગી ભાર્ગવ પરીખને મળેલા ઘટનાના સીસીટીવી ફૂટેજથી આગ કઈ રીતે લાગી હતી અને કેટલી મિનિટોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેના વિશે વધુ જાણકારી મળી છે.
 
 
ઘટનાના ચાર સીસીટીવી ફૂટેજનું બીબીસીએ અવલોકન કર્યું હતું.
 
આ પૈકી પહેલા ફૂટેજમાં 5:33:30 (પાંચને તેત્રીસ મિનિટે) ના સમયે ફૂટેજમાં વેલ્ડિંગકામ થતું જોવા મળી રહ્યું છે. જ્યાં વેલ્ડિંગકામ થઈ રહ્યું છે તેની નીચે જ ફોમ શીટનો મોટો થપ્પો કરેલો છે.
 
વેલ્ડિંગકામ થઈ રહ્યું હતું અને તેના તણખા આ શીટ પર પડી રહ્યા હતા.
 
5:34:06 સમયે આ શીટમાંથી થોડો થોડો ધુમાડો નીકળવાનો શરૂ થાય છે.
 
 
ત્યારબાદ માત્ર અડધી મિનિટના સમયગાળામાં જ ચાર-પાંચ લોકોને આગની શક્યતા દેખાતા તેઓ દોડાદોડી કરતાં જોવા મળે છે. આ લોકો આગને બુઝાવવાનો પ્રયાસ કરતાં પણ જોવા મળે છે.
 
5:34:55 સુધીમાં તો ત્યાં ઢગલામાં પડેલી બધી જ ફોમ શીટ સળગવા માંડે છે.
 
એટલીવારમાં ત્યાં ઘણા લોકો એકઠા થઈ જાય છે અને એક વ્યક્તિ બાકીની ફોમ શીટને ખસેડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં તેને સફળતા મળતી નથી. આગ ખૂબ ઝડપથી ફેલાઈ જાય છે.
 
અન્ય એક ફૂટેજમાં એક વ્યક્તિ ફાયર એક્સ્ટિંગ્યુશર હાથમાં લઈને છંટકાવ કરે છે અને આગ બુઝાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સફળતા મળતી નથી.
 
થોડીવાર આમતેમ લોકો દોડાદોડી કરે છે અને ત્યારબાદ બીજો ફાયર એક્સ્ટિંગ્યુશર સિલિન્ડર લાવવામાં આવે છે અને આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
 
આ બધા પ્રયત્નો માત્ર 50 સેકન્ડમાં જ કરવામાં આવ્યા હતા જેમાં આગ બુઝાવવામાં સફળતા ન મળી અને પછી તે વધુ ઝડપથી ફેલાવા લાગી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર