ગુજરાતમાં 'ઑલિમ્પિકની તૈયારી' સામે ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે?

રૉક્સી ગાગડેકર છારા

મંગળવાર, 23 જુલાઈ 2024 (16:33 IST)
પેરિસમાં ઑલિમ્પિક 2024ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ ગણતરીના દિવસોમાં ફ્રાન્સની રાજધાનીમાં ભેગા થશે. ત્યારે ભારત ઘરઆંગણે તેના પોતાના ઑલિમ્પિક આયોજનના સ્વપ્ન માટે તૈયારી કરી રહ્યું છે.
 
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2036માં ભારત ઑલિમ્પિકની યજમાની કરે તેવી ઇચ્છા જાહેર કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે આ 1.4 અબજ ભારતીયોનું સપનું છે અને આવનારાં વર્ષોમાં ભારત રમતગમતના ક્ષેત્રમાં સુપરપાવર ધરાવતા દેશો પૈકીના એક દેશ તરીકે ઊભરશે.
 
ભારતે 2010માં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી પરંતુ તેણે ક્યારેય ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કર્યું નથી. અને ગુજરાત રમતજગતના મહાકુંભ ઑલિમ્પિકનું ભારતમાં આયોજન કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ સપનાના કેન્દ્રસ્થાને છે.
 
આ માટે ગુજરાત સરકાર રાજ્યમાં કરોડો ડૉલરના પ્રસ્તાવિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે કમર કસી રહી છે.
 
 
અમદાવાદમાં ઑલિમ્પિકની મેજબાની માટે તૈયારીઓ
ગુજરાતના અધિકારીઓએ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની બહારના વિસ્તારમાં જમીનના સરવેનું કામ શરૂ કર્યું છે, જ્યાં સરકાર સ્પોર્ટ્સ સિટી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. જોકે, આ મામલે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી.
 
અમદાવાદ કલેકટરની સહી કરેલા એક પત્ર પ્રમાણે, અમદાવાદના સાણંદ તાલુકાનાં ગોધાવી, ગારોડિયા અને મણિપુર ગામોમાં જમીનનું સર્વેક્ષણ કરવામાં આવશે. સરકાર લગભગ 200 એકરથી વધારે જમીન પર સરવે કરી રહી છે. આ સરવે ગામના લોકોની ખાનગી માલિકીનાં ખેતરો પર થઈ રહ્યો છે.
 
જોકે, અમદાવાદનાં ક્લેકટર ડી. કે. પ્રવીણા અને ઔડાના અધ્યક્ષ ટી. થેનારાસન આ વિશે ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ ન હતાં.
 
મુખ્ય મંત્રી કાર્યાલયે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલમાં ફ્રાન્સના રાજદૂત ડૉ ટિએરી મેથૉ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ઑલિમ્પિકના આયોજનમાં ફ્રાન્સની વિશેષતાઓ વિશે જાણકારી મેળવવાનો હતો.
 
જોકે, ગોધાવી ગામની વાસ્તવિકતા જુદી છે. ખેડૂતો ઑલિમ્પિક 2036 માટે ભારતની બિડની યોજનાથી નારાજ છે. તેમને ડર છે કે ઑલિમ્પિકના નામે તેમની જમીન લઈ લેવામાં આવશે અને તેઓ જમીનવિહોણા બની જશે.
 
આ જમીનો સંસ્કારધામ શાળાથી થોડાક જ અંતરે આવેલી છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા તે પહેલાં તેમણે ત્યાં ઘણો સમય પસાર કર્યો હતો.
 
 
 
ગોધાવી, ગારોડિયા અને મણિપુર ગામના લોકો જમીનના સરવેનો વિરોધ કરી રહ્યા છે. ઘણા ખેડૂતોએ ગત જૂન મહિનામાં રસ્તાઓ પર આવીને વિરોધ કર્યો હતો. ખેડૂતોએ ક્લેકટરને પત્ર લખીને ખેડૂતોની જમીન પર સરકારની સ્પોર્ટ્સ સીટી બનાવવાની યોજના વિશે વાતચીત કરવા માટે જણાવ્યું હતું.
 
અમદાવાદ જો આ બિડ જીતશે તો તે 2036ના ઑલિમ્પિકનું કેન્દ્ર બનશે. આ ગામ દેશના ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં આવેલું છે.
 
ગોધાવીના સરપંચ શક્તિસિંહ વાઘેલાએ બીબીસીને ગુજરાત સરકારના અધિકારીઓ પર આરોપ લગાવતા જણાવ્યું, "સરકારી અધિકારીઓ ક્લેકટરના પત્ર અને સર્વેક્ષણ સંખ્યાની યાદી લઈને આવે છે અને અમારી સંપત્તિ પર જબરદસ્તી ઘૂસીને સરવે કરે છે. તેમણે જમીનને ચિહ્નિત કરવા માટે થાંભલાઓ બનાવ્યા છે જેનો અર્થ છે કે તેઓ હજારો ખેડૂતોની જમીન પડાવી લેવાની પ્રક્રિયા કરી રહ્યા છે."
 
67 વર્ષીય ભૂપતસિંહ વાઘેલા શાકભાજીની ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
 
તેમણે છેલ્લા ત્રણ મહિનામાં નજીકની માર્કેટમાં શાકભાજી વેચીને 72 હજાર રૂપિયાની કમાણી કરી હતી. ભૂપતસિંહને ડર છે કે સરકાર સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે તેમની જમીન પડાવી લેશે.
 
 
ભૂપતસિંહે કહ્યું, "આવકનો આ એકમાત્ર સ્ત્રોત છે. મેં હાલમાં થયેલા રેલવે ટ્રૅકના નિર્માણમાં પણ મારી જમીન ગુમાવી હતી. તેઓ હવે ઑલિમ્પિક માટે આવ્યા છે. હું ક્યા જાઉં? શું હું બેરોજગારી અને ભૂખને કારણે મરી જાઉં? જો મારી જમીન નહીં રહે તો મારી પાસે ભૂખ્યા રહીને મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં."
 
ભૂપતસિંહની પાસે લગભગ બે એકર જમીન છે.
 
વાઘેલાને ડર છે કે સરકારના વાયદા છતાં રાજ્ય સરકાર તેમને રોજગારી આપવામાં નિષ્ફળ રહેશે. તેમણે પૂછ્યું, "મને સરકાર આ ઉંમરે શું રોજગાર આપશે?"
 
બીબીસીએ ઑલિમ્પિક 2036 માટે સરકારીની તૈયારીઓ અને ખેડૂતોની શંકા પર સરકારના વલણ વિશે વધારે જાણકારી મેળવવા માટે ડી. કે. પ્રવીણા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમણે મળવાનો અથવા ફોન પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
 
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રેસવાર્તા દરમિયાન બીબીસીના પત્રકારના સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "રાજ્ય સરકાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અલગ-અલગ રમતોનું આયોજન કરતી રહી છે. સરકાર હવે ઑલિમ્પિક 2036ની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે પણ અલગ-અલગ સ્તરો પર તૈયારીઓ ચાલી રહી છે."
 
5,800 કરોડની કિંમતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નિર્માણ
રાજ્ય સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઑલિમ્પિકના માસ્ટર પ્લાન વિશે જાણકારી આપી હતી.
 
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, સરકારે એક અલગ કંપનીની સ્થાપના કરી છે જે ઑલિમ્પિક 2036 બિડ માટે છ હજાર કરોડના બજેટ સાથે છ સ્પોર્ટ્સ કૉમ્પલેક્સનું નિર્માણ કરશે.
 
આ કંપનીનું નામ 'ગુજરાત ઑલિમ્પિક પ્લાનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર કૉર્પોરેશન લિમિટેડ' છે. આ એક પબ્લિક લિમિટેડ અને રાજ્ય સરકારની કંપની છે. આઈએએસ ઑફિસર એમ. થેનારાસન આ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર છે. થેનારાસન હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.
 
અમદાવાદ કૉર્પોરેશને પોતાના માસ્ટર પ્લાનમાં ટેનિસ કોર્ટ, ફૂટબૉલનું મેદાન, ઍક્વેટિક સેન્ટર, મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના, રિંગ ઑફ યુનિટી અને પાણીમાં થતી રમતો માટે કૉમ્પ્લેક્સ બનાવવાં માટે દરખાસ્ત કરી છે.
 
ઘણા સ્થાનિક ખેડૂતોને ભય છે કે ઑલિમ્પિક 2036ને કારણે ખેડૂતોને બદલે માત્ર બિલ્ડરો અને કન્સ્ટ્રક્શન કંપનીઓને જ ફાયદો થશે.
 
ગોધાવીમાં રહેતા ખેડૂત સંજય વાઘેલાએ બીબીસીને કહ્યું, "સરકાર અમારી સાથે વાત કેમ નથી કરતી. અમે લોકો તેમની સાથે વાત કરી સારી કિંમતો માટે વાટાઘાટ કરીશું. જોકે, સરકાર તરફથી અમારી સાથે કોઈ વાત કરી રહ્યું નથી. તેઓ માત્ર અમારી જમીનો માપી રહ્યા છે."
 
સંજય પાસે 20 ભેંસો છે અને તેમનો દિવસ આ ભેંસોની સારસંભાળ કરવામાં પસાર થાય છે. તેમણે પૂછ્યું, "મારી પાસે જમીન નહીં રહે તો આ ભેંસોને હું ક્યાં લઈ જઈશ?"
 
બીજા એક ખેડૂત ધર્મેન્દ્ર વાઘેલાએ કહ્યું, "અમે અમારી જમીન કોઈને વેચવા માંગતા નથી. અમારે અહીં વિકાસ જોઈતો નથી. ગુજરાતમાં ઘણા અવિકસિત જિલ્લાઓ છે. સરકાર આ પ્રોજેક્ટને તે જિલ્લાઓમાં કેમ નથી કરતી?"
 
 
ભારત 'ઑલિમ્પિક ઍજેન્ડા 2020'નાં ધોરણોને પાસ કરી શકશે?
ઑલિમ્પિક 2036ની બિડ જીતવા માટે ભારતે "ઑલિમ્પિક ઍજેન્ડા 2020"માં ઉલ્લેખ થયેલા માપદંડોનું પાલન કરવું પડશે.
 
આ ઍજેન્ડા પ્રમાણે કોઈ દેશ કે શહેરને ઑલિમ્પિકની યજમાની કરવા માટે કડક માપદંડો માનવા પડે છે.
 
ઑલિમ્પિકના આયોજન પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવો એ ઍજન્ડાની સૌથી મોટી પ્રાથમિકતાઓ પૈકીની એક છે. કોઈ દેશ કે શહેર ઑલિમ્પિક માટે નવાં સ્થળોનું નિર્માણ કરે છે કે પહેલાંથી જ બનેલાં સ્થળોનો ઉપયોગ કરે છે તે યજમાન નક્કી કરવા માટેનાં મહત્ત્વપૂર્ણ પરિમાણો પૈકીના એક છે. ઉદાહરણ તરીકે પેરિસ 95 ટકા જૂનાં બનેલાં મેદાનોનો ઉપયોગ કરશે, જ્યારે ઇટાલી (ઑલિમ્પિક 2026) 93 ટકા અને લૉસ એન્જીલિસ (ઑલિમ્પિક 2028)માં 100 ટકા જૂનાં બનેલાં મેદાનોનો ઉપયોગ કરશે.
 
આ રીતે જોઈએ તો અમદાવાદને ઑલિમ્પિક 2036ની બિડ જીતવા નવાં મેદાનો તૈયાર કરવાને બદલે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, નવરંગપુરાનું સરદાર પટેલ સ્ટેડિયમ અને બીજાં મેદાનોનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
 
દસ્તાવેજમાં આપેલી માહિતી પ્રમાણે, "2026 ઑલિમ્પિક વિન્ટર ગેમ્સ માટે સંભવિત યજમાનોએ 2018 અને 2022ના ઑલિમ્પિક શહેરો/પ્રદેશો કરતાં તેમના બિડ પ્રોજેક્ટ્સ પર 80% ઓછો ખર્ચ કર્યો હતો. વર્ષ 2014માં ‘ઑલિમ્પિક ઍજન્ડા 2020’ને ભવિષ્યના ઑલિમ્પિક માટે રોડમેપ તરીકે અપનાવવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર