Ind Vs Pak : ભારતની જીત અંગે પાકિસ્તાનના મીડિયાએ શું કહ્યું?
સોમવાર, 17 જૂન 2019 (15:42 IST)
ક્રિકેટ વિશ્વ કપના હાઈ-વોલ્ટેજ મૅચમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાનો વિક્રમ જાળવી રાખતા ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ હંમેશાં પ્રશંસકોમાં ઉત્કંઠા જન્માવતી હોય છે. અખબારી અહેવાલો અનુસાર માન્ચૅસ્ટરમાં રમાયેલી આ મૅચને 100 કરોડ કરતાં વધુ લોકોએ ટીવી પર નિહાળી હતી.
જોકે, મૅચ બાદ જે પરિણામ સામે આવ્યું એનું પાકિસ્તાની મીડિયામાં કેવું કવરેજ કરાયું?
'અમારી આશાઓ પર પાણી ફરી વળ્યું'
પાકિસ્તાનના પ્રમુખ અંગ્રેજી અખબાર 'ધ ડૉન'ની વેબસાઇટ પર પાકિસ્તાની ક્રિકેટ ટીમની હારના સમાચાર બીજા નંબરે રજૂ કરાયા છે. વેબસાઇટે શિર્ષક આપ્યું છે, 'વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અજેયનો સિલસિલો ચાલુ રાખ્યો' વેબસાઇટે આ પહેલાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને દેશના વડા પ્રધાન ઇમરાન ખાને આપેલી સલાહને પ્રમુખતા આપી હતી. વેબસાઇટે આ ઉપરાંત મૅચને લઈને સોશિયલ મીડિયા પર મળી રહેલી પ્રતિક્રિયાને પણ સ્થાન આપ્યું છે.
પાકિસ્તાનના ખેલ પત્રકાર રેહાન ઉલહકે મૅચ દરમિયાન પડેલા વરસાદને પગલે ટ્વીટ કર્યું હતું. રેહાને લખ્યું, "વરસાદે કંઈ ના કર્યું, બસ આપણી આશાઓ પર પાણી ફેરવી દીધું."
રોહિત શર્માના 140 રન 'સેન્ટરપીસ'
'ક્રિકેટપાકિસ્તાન.કોમ'એ રોહિત શર્મા અને ભારતીય બૉલર્સને સ્ટાર ગણાવતાં ભારત સામે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પરાજયના સમાચારને પ્રકાશિત કર્યા છે. વેબસાઇટે ભારતીય ઓપનર રોહિત શર્માના 140 રનને 'સેન્ટરપીસ' ગણાવ્યા છે.
આ ઉપરાંત વિરાટ કોહલીએ કરેલા 77 રનને પણ વેબસાઇટે મહત્ત્વના ગણાવ્યા છે. પાકિસ્તાની બૉલર મોહમ્મદ આમીરે ઝડપેલી ત્રણ વિકેટનાં વખાણ કરતાં વેબસાઇટ લખે છે કે આમિર પણ રોહિત શર્માને અટકાવી શક્યા નહોતા. વેબસાઇટ એવું પણ કહે છે કે રોહિત શર્માએ અને કે. એલ. રાહુલે પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહેમદના પ્રથમ બૉલિંગ કરવાના નિર્ણય સામે 100 રનથી વધુની ભાગીદારી નોંધાવી હતી.
7-0થી પરાજય
'પાકિસ્તાન ટુડે' અખબારે પાકિસ્તાનની હારને પ્રથમ પાને પણ ખૂણામાં સ્થાન આપ્યું છે.
અખબારે શિર્ષક બાંધ્યું છે, 'પાકિસ્તાન પર ભારતનો 7-0થી વિજય.'
નોંધનીય છે કે વર્લ્ડ કપની કોઈ પણ મૅચમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું નથી અને શિર્ષકમાં પણ એ જ વાતની નોંધ લેવાઈ છે.
'ડેઇલી પાકિસ્તાન ગ્લોબલ' ન્યૂઝ વેબસાઇટે પાકિસ્તાનના પરાજય અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.
પાકિસ્તાની કૅપ્ટન સરફરાઝે પ્રથમ બૉલિંગ કરવાના લીધેલા નિર્ણયને ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ આપેલા સમર્થનની પણ વેબસાઇટે નોંધ લીધી છે.
'ડેઇલી પાકિસ્તાન ગ્લોબલ' વિરાટ કોહલીને ટાંકતા જણાવે છે કે મેદાન પર બૉલિંગ માટેની સ્થિતિ અનુકૂળ હતી અને વિકેટ પણ સારી જણાઈ રહી હતી.