કલમ 370: મહેબૂબાની દીકરીએ કહ્યું, 'નિર્ણય કાશ્મીરીઓ માટે તો અમને જાનવરોની જેમ કેદ કેમ કર્યાં?'

મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (17:39 IST)
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપતા આર્ટિકલ 370ની જોગવાઈઓને નાબૂદ કર્યા બાદ શ્રીનગરમાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ અને તેમને સરકારી ગેસ્ટહાઉસ 'હરી નિવાસ'માં રાખવામાં આવ્યાં.
શ્રીનગરના ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટના આદેશ અનુસાર મહેબૂબા મુફ્તીની ગતિવિધિઓથી પ્રદેશની શાંતિ ડહોળાશે એવી આશંકાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે મહેબૂબા મુફ્તીનાં દીકરી સના મુફ્તીએ 'વૉઇસ નોટ્સ' મારફતે બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્ર સાથે વાત કરી.
જ્યારે મહેબૂબા મુફ્તીની શ્રીનગર સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સના પણ ત્યાં હાજર હતાં.
'એક કાગળ આવ્યો અને...'
પ્રતીકાત્મક તસવીરImage copyrightEPA
સના મુફ્તીએ જણાવ્યું કે રવિવારે મોડી રાત્રે કાશ્મીરી નેતાઓને જાણ થઈ કે તેમને નજરકેદ કરવામાં આવશે.
તેમણે કહ્યું, "સૌથી પહેલાં ઓમર (અબ્દુલ્લા) સાહેબે ટ્વીટ કર્યું. ત્યારબાદ મારાં માતાને પણ આ અંગે જાણ થઈ. સોમવાર સાંજ સુધી તેઓ નજરકેદ હતાં. ત્યારબાદ 6 વાગ્યે અમને માલૂમ પડ્યું કે સતર્કતાના ભાગરૂપે તેમની ધરપકડ કરાશે."
"લગભગ 7 વાગ્યે ચાર-પાંચ અધિકારીઓ આવ્યા. તેમણે મારાં માતાને એક કાગળ આપ્યો અને થોડો સમય આપ્યો જેથી જરૂરિયાતનો સામાન પૅક થઈ શકે."
સનાએ જણાવ્યું કે જે 'હરિ નિવાસ'માં તેમનાં માતાને રાખવામાં આવ્યાં છે તે તેમના ઘરથી 5-10 મિનિટના અંતરે છે. પરંતુ પરિવારના કોઈ સભ્યને ત્યાં જવાની પરવાનગી નથી.
તેમણે કહ્યું, "હું મારાં માતા સાથે જવા માગતી હતી પરંતુ તેની પરવાનગી ન મળી."
કલમ 370 : હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવી કેટલી સરળ?
લોકસભા LIVE: લોકસભામાં અમિત શાહે કહ્યું, અમે જીવ દઈ દઈશું
'ક્યાં સુધી અહીં રહેશે'
 
સના મુફ્તીનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના અધિકારીઓને પણ ખબર નથી કે તેમનાં માતા આ સ્થિતિમાં ક્યાં સુધી રહેશે.
તેમણે કહ્યું, "બે દિવસ પહેલાં સુધી અહીંના રાજ્યપાલ સાહેબને પણ અહીં શું થશે તે અંગે જાણ નહોતી."
"તેથી મને નથી લાગતું કે આ અધિકારીઓને પણ કોઈ જાણકારી હશે. અમને કહેવામાં આવ્યું છે કે કાલે કે પરમદિવસે તેમને છોડી મૂકવામાં આવશે, પરંતુ મને ભરોસો નથી."
"હું માત્ર એટલું જ ઇચ્છું છું કે મારી માતા સુરક્ષિત હોય. કારણ કે આ પરિસ્થિતિમાં કંઈ પણ થઈ શકે છે."
અભ્યાસ અંગે વાત કરતાં સનાએ જણાવ્યું કે તેમણે પૉલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ ઇંગ્લૅન્ડની વૉરવિક યુનિવર્સિટીથી ઇન્ટરનેશનલ રિલેશનમાં માસ્ટર્સ કર્યું.
તેમણે દુબઈ અને લંડનમાં નોકરી કરી છે. હવે તેઓ મોટા ભાગે કાશ્મીરમાં રહે છે.
તેમણે કહ્યું, "જ્યારે મારા નાના (મુફ્તી મોહમ્મદ સઈદ)નું નિધન થયું ત્યારે મેં પ્રયાસ કર્યો કે હું મારી માતા સાથે રહું અને તેમની મદદ કરું."
કલમ 370 નાબૂદ થવાથી હવે કાશ્મીરમાં શું-શું બદલશે?
'ગુસ્સો કરવાની પરવાનગી પણ નહીં'
 
સનાનું માનવું છે કે અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યના દરજ્જાને હટાવવાથી કાશ્મીરના યુવાનો નિરાશ છે અને છેતરાયા હોય તેવું માની રહ્યા છે.
તેમણે કહ્યું, "અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે હુમલાની આશંકાને કારણે અમરનાથ યાત્રીઓને ઘરે પરત ફરી જવું. આજે ચોરોની માફક સંસદમાં 370 હટાવવાનો ગેરકાયદે નિર્ણય લેવામાં આવ્યો."
"યુવાનોને એ વાતની પરવાનગી પણ નથી કે તેઓ ગુસ્સો જાહેર કરી શકે. તમે કેટલા સમય સુધી લોકોને ઘરોમાં કેદ કરી રાખશો?"
"જો આ નિર્ણય કાશ્મીરીઓના ભવિષ્ય માટે છે તો તેમને જાનવરોની જેમ બંધ કેમ કરવામાં આવ્યા છે?"
તેઓ કહે છે કે કાશ્મીરીઓએ સેક્યુલર લોકતાંત્રિત ભારતને પસંદ કર્યું હતું પરંતુ આ નિર્ણયથી તેમની સાથે છેતરપિંડી થઈ છે.
મહેબૂબા મુફ્તીની ધરપકડ પર તેઓ કહે છે, "વર્ષ 2016થી 2018 દરમિયાન ભાજપ ગઠબંધન સાથે મારી માતાએ ઇમાનદારીથી કામ કર્યું છે. પરંતુ મુખ્યધારાના નેતાઓ દ્વારા આવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે. અમારા લોકો ઍન્ટિ નેશનલ નથી."
સનાનું માનવું છે કે આવું કરીને ભાજપ તેની વોટ બૅન્ક મજબૂત બનાવવા માગે છે અને તેમને જણાવવા માગે છે કે જુઓ કાશ્મીરી નેતાઓને કેવી રીતે સજા આપી રહ્યા છીએ.
તેઓ કહે છે, "જો મુખ્યધારાના નેતાઓ સાથે આવું થશે તો ભારતનો ભરોસો કોણ કરશે."
 
સવારે શું થયું?
જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળ વધારવાને કારણે કોઈ મોટા નિર્ણયના કયાસ લગાવાઈ રહ્યા હતા.
સનાએ કહ્યું કે એક સપ્તાહ સુધી તેમના ઘરે તણાવનું વાતાવરણ રહ્યું. એવી આશંકા હતી કે અનુચ્છેદ 370 મામલે જ કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે.
તેમણે કહ્યું, "હું સવારથી મારી માતાનો મૂડ સારો કરવાના પ્રયાસ કરતી હતી"
 
ત્રણ પરિવારો પરના આરોપ મામલે જવાબ
ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં ભાષણ આપતી વખતે મુફ્તી પરિવારને નિશાન બનાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે અનુચ્છેદ 370થી કાશ્મીરના માત્ર ત્રણ પરિવારોને ફાયદો થયો.
સના આ અંગે ભાજપ પર પરિવાદવાદનો આરોપ મૂકતાં કહે છે કે કેન્દ્ર સરકારમાં ઘણા મંત્રીઓનાં દીકરા-દીકરીઓ સામેલ છે.
તેઓ ઉમેરે છે, "તમે અન્ય લોકોને કહો છો કે આ બરબાદી ત્રણ પરિવારોને કારણે થઈ છે. જોકે, આ બરબાદી કેન્દ્ર સરકારના ખોટા નિર્ણયોને કારણે થઈ છે. ભારતમાં રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે હંમેશાં કાશ્મીરીનાં ગળાં પર તલવાર રાખવામાં આવે છે."
"જો અમારો પરિવાર એટલો ખોટો હોય તો અમારી સાથે ગઠબંધન સરકાર શા માટે બનાવી. શા માટે નેશનલ કૉન્ફરન્સને કેન્દ્ર સરકારમાં સામેલ કરી હતી?"

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર