મહારાષ્ટ્ર ચૂંટણી : મતદાન પૂર્ણ મહારાષ્ટ્રમાં 55.35%, હરિયાણામાં 61.62% મતદાન

સોમવાર, 21 ઑક્ટોબર 2019 (18:30 IST)

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિથી પૂર્ણ થયું છે. મહારાષ્ટ્રમાં 55.35 ટકા અને હરિયાણામાં 61.62 ટકા મતદાન થયું હતું.

ગુજરાતમાં છ બેઠકો પર સરેરાશ 50.35 ટકા મતદાન થયું છે.

જેમાં રાધનપુરમાં 59.87 ટકા, બાયડ 57.81 ટકા, ખેરાલુ 42.81 ટકા, થરાદ 65.47 ટકા, લુણાવાડા 47.54 ટકા અને અમરાઈવાડીમાં 31.53 ટકા મતદાન થયું હતું.

આ સાંજના પાંચ વાગ્યા સુધીનું મતદાન છે અને તે બાદ આંકડા વધી શકે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો પર મતદાન થયું અને હરિયાણામાં વિધાનસભાની કુલ 90 બેઠકો પર મતદાન થયું છે.

મહારાષ્ટ્રમાં કુલ 8,95,62,706 મતદારો હતા. હરિયાણામાં 1,82,98,714 મતદારો હતા.

મહારાષ્ટ્રમાં કુલ 96 હજાર 661 કેન્દ્રો પર મતદાન થયું હતું. હરિયાણામાં 19,578 કેન્દ્રો પર મતદાન થયું હતું.
 

હરિયાણા-મહારાષ્ટ્રમાં કુલ 4406 ઉમેદવાર


મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4406 ઉમેદવારનું રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.

આ વિધાનસભા ચૂંટણીમાં હરિયાણામાં કુલ 1116 ઉમેદવારો અને મહારાષ્ટ્રમાં કુલ 3237 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.

આ પૈકી મહારાષ્ટ્રમાં 235 અને હરિયાણામાં 104 મહિલા ઉમેદવારો હતાં.

મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારનો રાજકારણમાં પ્રવેશ
મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપનું જોડાણ છે અને બાળ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરેએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

અત્યાર સુધી ઠાકરે પરિવાર પરોક્ષ રીતે રાજકારણ પર અંકુશ રાખતો રહ્યો છે, પરંતુ પરિવારમાંથી કોઈ ચૂંટણી લડ્યું નહોતું.

આ વખતે આદિત્ય ઠાકરે વરલીથી ઉમેદવાર છે તો મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુરથી ઉમેદવાર છે.

ઉપરાંત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલ પૂણેના કોઠરુડથી ઉમેદવાર છે.

કરજત જામખેડથી શરદ પવારના પૌત્ર રોહિત, પારલીથી પંકજા મુંડે, કરાડ દક્ષિણથી કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ઉમેદવાર છે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છે. ભાજપ 164 બેઠકો પર અને શિવસેના 126 બેઠક પર ચૂંટણી લડી રહી છે.

સામે કૉંગ્રેસ સાથે જોડાણ ધરાવતો શરદ પવારનો પક્ષ એનસીપી 121 બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે.

કૉંગ્રેસે 147 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા છે.

મહારાષ્ટ્રની તમામ બેઠક પર માયાવતીની બહુજન સમાજ પાર્ટી લડી રહી છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવારો 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.

આ સિવાય સીપીઆઈએ 16 ઉમેદવારો પર અને સીપીઆઈ (એમ)એ 8 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું કહ્યું હતું કે કોઈ વિપક્ષ જ નથી અને વિજય નિશ્ચિત છે.

જોકે, આ વાતની સામે તેમના જ સહયોગી શિવસેનાએ સવાલ કર્યો હતો કે જો સ્પર્ધા નથી તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે મહારાષ્ટ્રમાં આટલી બધી રેલીઓ શું કામ કરી હતી?

મહારાષ્ટ્રમાં ઉમેદવારોની સંખ્યાની રીતે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખાસ અંતર નથી.

વળી શિવસેના અને એનસીપીના ઉમેદવારોની સંખ્યા પણ સમાન છે. તો મનસે 101 બેઠક પર લડે છે.

આ સંજોગોમાં ચૂંટણી પહેલાંનાં જોડાણો છતાં અનેક અટકળો સેવાય છે.

ખાસ કરીને આદિત્ય ઠાકરેની ઍન્ટ્રી થતાં અનેક લોકો એમને ભાવિ મુખ્ય મંત્રી પણ કહી રહ્યા છે.

હરિયાણામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જાટ ઉમેદવારો પર મોટો પ્રભાવ પાડ્યો હતો અને સત્તા મેળવી હતી.

હવે, 90 બેઠકોની આ વિધાનસભામાં ભાજપ આસાન જીતની આશા સેવે છે.

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર સાઇકલ લઈને મત આપવા ગયા હતા તો જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલા ટ્રેક્ટર લઈને પરિવાર સાથે મત આપવા પહોંચ્યા હતા.

હરિયાણા કૉંગ્રેસ ચીફ કુમારી શૈલજા માટે આ ચૂંટણી કસોટી સમાન છે.

હરિયાણામાં ભાજપ-કૉંગ્રેસ તમામ 90 બેઠકો પર લડે છે તો બસપા 87 બેઠકો પર લડે છે.

આ સિવાય અભયસિંઘ ચૌટાલાનો પક્ષ ઇન્ડિયન નેશનલ લોક દળ 81 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે.

આ સિવાય 7 બઠકો પર સીપીઆઈ (એમ), 4 બેઠકો પર સીપીઆઈના ઉમેદવારો પણ છે.

હરિયાણામાં ચૂંટણી દરમિયાન પથ્થરમારાની ઘટના પણ ઘટી હતી.

નુહ જિલ્લામાં સવારે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું.

જોકે પોલીસે કહ્યું કે બૂથની બહાર બનેલી આ ઘટનાની ચૂંટણી પર કોઈ અસર નથી થઈ.

જોકે, સૌથી મોટી વીઆઈપી સીટ મુખ્ય મંત્રી ખટ્ટરની કરનાલ છે. એમની સામે કૉંગ્રેસના ત્રિલોચન સિંઘ ઉમેદવાર છે.

ગઢીસાંપલા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્ય મંત્રી ભૂપિન્દર હુડા લડી રહ્યા છે.

 

ભાજપના શક્તિશાળી નેતા ગણાતા કૅપ્ટન અભિમન્યુ નારનોંદથી ઉમેદવાર છે તો બબીતા ફોગટ અને યોગેશ્વર દત્ત પણ ચૂંટણીના મેદાનમાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર