જેરૂસલેમ કટોકટી : પેલેસ્ટાઇનનો રૉકેટ હુમલો, ઇઝરાયલની ઍરસ્ટ્રાઇક, અનેક દેશોની શાંતિની અપીલ

મંગળવાર, 11 મે 2021 (15:57 IST)
દુનિયાભરમાંથી દેશોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના હુમલાઓ બાદ શાંતિની અપીલ કરી છે.
 
યુએસ, યુરોપિયન યુનિયન, યુકેએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને અરજ કરી છે કે તણાવની સ્થિતિને શક્ય હોય એટલી ઝડપે ઘટાડી દે.
 
સોમવારે રાત્રે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ જેરૂસલેમ તરફ રૉકેટ છોડ્યા, એ બાદ સ્થિતિ વધારે વણસી છે.
 
જવાબમાં ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી પર ઉગ્રવાદીઓને નિશાન બનાવીને ઍરસ્ટ્રાઇક કરી હતી.
 
પેલેસ્ટાઇનના ગાઝામાં રહેલા આરોગ્ય અધિકારીઓ કહે છે કે ઍરસ્ટ્રાઇકમાં બાળકો સહિત 20 લોકો માર્યા ગયા છે.
 
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે મૃતકો પૈકી ત્રણ હમસ ગ્રૂપના હતા, જેઓ ગાઝામાં સત્તા પર છે.
 
સોમવારે જેરૂસલેમના પવિત્ર સ્થળ પાસે ઇઝરાયલી પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં સેંકડો પેલેસ્ટાઇનવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જે બાદ હમસે સ્ટ્રાઇક કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
 
ઇઝરાયલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હમસે 'લાલ લાઇન ઓળંગી છે' અને એનો ઇઝરાયલ 'પૂરતી તાકાત'થી જવાબ આપશે.
 
છેલ્લાં કેટલાંય વર્ષોની તુલનામાં સૌથી ખરાબ કહી શકાય એવી હિંસા છેલ્લા થોડા દિવસોથી થઈ રહી છે.
 
જેરૂસલેમના જૂના શહેરમાં પેલેસ્ટાઇનના પ્રદર્શનકારીઓ અને ઇઝરાયલની પોલીસ વચ્ચે વધતી હિંસા મોટા સંઘર્ષની ચિંતા જન્માવે છે.
 
પેલેસ્ટાઇનના લોકોમાં અલ-અક્સા મસ્જિદ પરિસરમાં પ્રવેશવા પર લદાયેલા પ્રતિબંધો અંગે રોષ છે, ઇસ્લામમાં અલ-અક્સા મસ્જિદને ત્રીજી સૌથી પવિત્ર મસ્જિદ માનવામાં આવે છે.
 
મંગળવારે પેલેસ્ટિનિયન રેડ ક્રેસ્કન્ટ નામના માનવતાવાદી ગ્રૂપે કહ્યું કે આ ઘર્ષણમાં પેલેસ્ટાઇનના 700 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર