1983માં વર્લ્ડ કપમાં હાર્યા બાદ જ્યારે વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે બદલો લીધો

ગુરુવાર, 27 જૂન 2019 (09:55 IST)

તુષાર ત્રિવેદી


1983માં ભારતીય ટીમ કપિલદેવની આગેવાની હેઠળ વર્લ્ડ ચૅમ્પિયન બની તે અગાઉ ખુદ ભારતીય ક્રિકેટરોને પણ વિશ્વાસ ન હતો કે તેઓ વર્લ્ડ ચૅમ્પિયન બની શકે છે. સામે હતી કેરેબિયન ટીમ. ક્લાઇવ લોઇડની ટીમ ખરેખર વિકરાળ હતી. તેમાં એક બે નહીં પણ સાતથી આઠ સિંહ હતા. બૅટિંગમાં વિવિયન રિચાર્ડ્સ હતા તો ઓપનિંગમાં ગોર્ડન ગ્રિનીજ અને ડેસમૅન્ડ હેઇન્સ એવા ખેલાડી હતા જે મજબૂત શરૂઆત અપાવે અને બાકીનું કામ વિવિયન રિચાર્ડ્સ કરી નાખે.
 
મિડલ ઑર્ડરમાં ખુદ ક્લાઇવ લોઇડ બૅટિંગમાં આવે જેના સપોર્ટમાં લેરી ગોમ્સ અને ચિત્તા જેવા વિકેટકીપર જેફ ડૂજોન હતા. બૅટિંગમાં ક્યારેક ઢીલાશ આવે તો ખુંખાર બૉલર તો હતા જ. અત્યંત ડરામણી સ્ટાઇલથી દોડતા માલ્કમ માર્શલ, લાંબા રન અપ અને પછી વેરિએશન સાથે બૉલિંગ કરતા માઇલ હોલ્ડિંગ, સુનીલ ગાવસ્કરે જેને મહાન ગણાવ્યા છે. 
 
તેમની સામે રમવામાં સૌથી વધુ તકલીફ પડતી હોય તેવા એન્ડી રૉબર્ટ્સ અને જાણે પાંચમા માળની ઊંચાઈએથી બૉલ આવતો હોય તેવી બૉલિંગ કરતા જોએલ ગાર્નર તો ખરા જ. આવી ખતરનાક ટીમ સામે ભારતે 25મી જૂને લૉર્ડ્ઝ ખાતે ફાઇનલ જીતીને વિશ્વમાં હાહાકાર મચાવી દીધો.
 
જ્યારે ભારતના ક્રિકેટરોને પણ જીતવાની આશા ન હતી 
 
જે ટીમે સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા રાખી ન હતી, ઓપનર શ્રીકાન્તે તાજેતરમાં એક કાર્યક્રમમાં કબૂલ્યું હતું કે અમને આશા ન હતી કે અમે ફાઇનલમાં રમીશું અને એટલે જ મોટા ભાગના ખેલાડી અને ટીમ મૅનેજર પી. આર. માનસિંહે લંડનથી અમૅરિકા જવાનો પ્રોગ્રામ બનાવી લીધો. તેમની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. ટીમ ફાઇનલમાં આવી એટલે ટિકિટ કૅન્સલ કરાવવી પડી હતી. આ સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવવી તે ગૌરવની વાત તો હતી પરંતુ ત્યાર પછી દે કાંઈ બનવાનું હતું તેની પણ કોઈને કલ્પના ન હતી. 
 
જૂન મહિનામાં ફાઇનલ રમાયા બાદ ઑક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પૂરી તાકાત સાથે ભારત આવી. ક્લાઇવ લોઇડની આગેવાની હેઠળની ટીમમાં એ તમામ ખેલાડી હતા જે વર્લ્ડ કપમાં રમ્યા હતા. એ વખતે ટેસ્ટ અને વન-ડે સિરીઝ અલગ અલગ રમાય તેમ ન હતું પરંતુ એક વન-ડે પછી એક ટેસ્ટ વળી પાછી વન-ડે એમ મૅચો રમાતી હતી.
 
જ્યારે વેસ્ટ ઇન્ડીઝે ઝનૂનપૂર્વક બદલો લીધો
 
યજમાન દેશ અને વર્લ્ડ કપ વિજેતા ભારતને વેસ્ટ ઇન્ડીઝે શરમજનક હાર આપી વેસ્ટ ઇન્ડીઝે પાંચ વન-ડેની સિરીઝમાં ભારતનો કચ્ચરઘાણ વાળી નાખ્યો.
 
શ્રીનગરમાં પહેલી વન-ડે રમાઈ જેમાં ભારત 176માં આઉટ. વેસ્ટ ઇન્ડીઝે વિના વિકેટે 108 રન કર્યા ત્યારે મૅચ અટકી પડી અને કેરેબિયન્સને વિજેતા જાહેર કરી દેવાયા.
 
જમશેદપુરમાં તો નવયુવાન ચેતન શર્માએ ડેસમન્ડ હેઇન્સને સસ્તામાં આઉટ કરી દીધા પરંતુ ગ્રિનીજ અને રિચાર્ડ્સે બૅવડી સદીની ભાગીદારી નોંધાવી. બંનેએ સદી ફટકારી.
 
રિચાર્ડસે તો 99 બૉલમાં 149 રન ફટકાર્યા અને એ જમાનામાં પહાડ જેવો તોતિંગ કહેવાય તેવો 333 રનનો સ્કોર ખડકી દીધો. ભારત 104 રનથી હારી ગયું.
જે મૅચમાં બૅટ્સમૅન ચાલ્યા નહીં ત્યાં બૉલર્સે કમી પૂરી કરી દીધી. ટેસ્ટ સિરીઝમાં ભારત છમાંથી ત્રણ મૅચ હાર્યું અને બાકીની મૅચ ડ્રો રહી.
 
સુનીલ ગાવસ્કરે આ જ સિરીઝ દરમિયાન ડોન બ્રેડમૅનનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો પરંતુ તે સિવાયના બૅટ્સમૅન કંગાળ પુરવાર થયા.
 
મોહિન્દર અમરનાથે છ ઇનિંગ્સમાં પાંચ શૂન્ય નોંધાવ્યાં.
 
અહીં એક આડવાત. ભારત વર્લ્ડ કપ જીતીને આવ્યું ત્યાર બાદ સમગ્ર દેશમાં ટીમનું સન્માન થતું હતું. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ટીમ અમદાવાદ આવી જ્યાં નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ટીમનું જાહેર સન્માન હતું. આ પ્રસંગે મોહિન્દર અમરનાથે જાહેર કર્યું હતું કે નવેમ્બરમાં (1983) મોટેરા ખાતે પહેલી વાર ટેસ્ટ રમાનારી છે ત્યારે અમૅ વેસ્ટ ઇન્ડીઝને આવી જ રીતે હરાવીશું.
 
ભારત નવેમ્બરમાં મોટેરામાં રમવા આવ્યું અને હારી ગયું. તેના કરતાં પણ રસપ્રદ બાબત એ રહી કે ખરાબ દેખાવને કારણે એ મૅચ અગાઉ મોહિન્દર અમરનાથને ટીમમાંથી બાકાત રખાયા હતા. આમ મોહિન્દર એ મૅચમાં રમી શક્યા ન હતા. ક્લાઇવ લોઇડ વારંવાર એવો દાવો કરતા રહેતા હતા કે અમે બદલો લેવા આવ્યા નથી પરંતુ ટીમના ઝનૂન પરથી જ ખ્યાલ આવી જતો હતો કે તેમના આ ઝનૂન પર હજી પણ લૉર્ડઝના પરાજયની અસર છે.
 
કાનપુર ખાતે પહેલી ટેસ્ટમાં ભારત ઇનિંગ્સથી હાર્યું, દિલ્હીની મૅચ ડ્રો રહી તો અમદાવાદમાં કપિલદેવે નવ વિકેટ લીધી હોવા છતાં અંતે ભારતનો પરાજય થયો.
વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલીપ વેંગસરકરની સદીએ ભારતને બચાવી લીધું પરંતુ કોલકાતામાં ભારત બીજા દાવમાં 90 રનમાં ખખડી ગયું જેમાં માર્શલે છ વિકેટ ખેરવી હતી.
 
અંતે ચેપોક ખાતે ગાવસ્કરે ચોથા ક્રમે આવીને બૅવડી સદી ફટકારીને ભારતને બચાવી લીધું. છ મૅચમાં માલ્કમ માર્શલે 33 અને માઇકલ હોલ્ડિંગે 30 વિકેટ ઝડપી જેની સામે ભારત લાચાર બની ગયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર