પાકિસ્તાનને ચલાવવા પૈસા નથી, 30 જૂન સુધીનું અલ્ટિમેટમ : ઇમરાન ખાન

મંગળવાર, 11 જૂન 2019 (13:09 IST)
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે રાષ્ટ્રના નામે સંબોધન કરી દેશવાસીઓને આગ્રહ કર્યો કે પાકિસ્તાનને પાટા પર લાવવા અને ગરીબોની જિંદગીમાં સુધારા માટે પોતાની જવાબદારી નિભાવે. ઇમરાન ખાને બધા પાકિસ્તાનીઓને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિઓ જાહેર કરે, જેથી કાયદેસર અને ગેરકાયદેસર સંપત્તિની ખબર પડે.
 
વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિ, બેનામી બૅન્ક એકાઉન્ટ, વિદેશોમાં રાખેલા પૈસાને સાર્વજનિક કરે, કેમ કે 30 જૂન બાદ કોઈ મોકો નહીં મળે.
 
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, ''ગત 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવું છ હજાર અબજથી વધીને 30 હજાર અજબ રૂપિયા સુધી પહોંચ્યું છે. આપણે જે વાર્ષિક ચાર હજાર અબજ રૂપિયાનો ટૅક્સ એકત્ર કરીએ છીએ તેનાથી અડધી રકમ દેવાંના હપ્તા ભરવામાં જાય છે."
 
"બાકી વધેલા પૈસાથી દેશનો ખર્ચ નીકળી શકે તેમ નથી. પાકિસ્તાનીઓ દુનિયાભરમાં સૌથી ઓછો ટૅકસ ભરે છે, પરંતુ એવા કેટલાક પ્રાંતમાં તેનો સમાવેશ થાય છે જે સૌથી વધુ ખેરાતનો બોજ ધરાવે છે. જો આપણે તૈયારી થઈ જઈએ તો દર વર્ષે ઓછામાં ઓછા 10 હજાર અબજ રૂપિયા એકત્ર કરી શકીએ છીએ.''
 
30 જૂન સુધી અલ્ટિમેટમ
 
પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું, ''હું તમને અપીલ કરું છું કે સંપત્તિ જાહેર કરવાની જે યોજના લાવ્યો છું તેમાં તમે સૌ સામેલ થઈ જાવ. આપણે જાતને બદલવી પડશે. અલ્લાહ કુરાનમાં કહે છે કે આપણે કોઈ કોમની હાલત ન બદલી શકીએ, જ્યાં સુધી એ કોમ પોતાની હાલત બદલવા માટે તૈયાર ન હોય.''
 
''બેનામી સંપત્તિ સાર્વજનિક કરવા માટે તમારી પાસે 30 જૂન સુધીનો સમય છે. અમારી સરકાર પાસે જે માહિતી છે એ પહેલાંની કોઈ સરકાર પાસે નહોતી. વિદેશમાં પાકિસ્તાનીઓની સંપત્તિ અને બૅન્ક એકાઉન્ટની માહિતી મારી પાસે છે.''
 
ઇમરાન ખાને કહ્યું, ''અમારી એજન્સીઓ સતત એ બાબતે કામ કરી રહી છે અને તેમની પાસે સંપૂર્ણ માહિતી છે. કોની પાસે કેટલી સંપત્તિ છે એ મને ખબર છે. તમારી પાસે 30 જૂન સુધીનો સમય છે અને તેનો ફાયદો ઉઠાવી લો.''
 
ઇમરાન ખાનની સરકાર ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આશા રાખવામાં આવે છે કે પાકિસ્તાન મંગળવારે ત્રણ ટ્રિલિયન રૂપિયાના નુકસાનનું બજેટ રજૂ કરશે, જ્યારે અગાઉનું બજેટ 1.8 ટ્રિલિયન રૂપિયા હતું. વિશેષજ્ઞોનું માનવું છે કે ઇમરાન ખાન પર આઈએમએફનું દબાણ છે કે તેઓ ટૅક્સ કલેક્શન વધારે અને તેના કારણે ઇમરાન ખાને સોમવારે પોતાના નાગરિકોને 30 જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.
 
આઈએમએફની શરતો
 
પાકિસ્તાન આઈએમએફ પાસેથી છ અબજ ડૉલરનું કરજ લઈ રહ્યું છે અને એ કરજની અવેજીમાં ઇમરાન ખાનની સરકારે વાયદો કર્યો છે કે તેઓ તેમની શરતોને આધારે દેશની આર્થિક નીતિઓને આગળ ધપાવશે.
પાકિસ્તાન પર દબાણ છે કે તે આગામી 12 મહિનામાં 700 અબજ રૂપિયાનું ફંડ એકત્રિત કરે. આઈએમએફે પાકિસ્તાનને ખર્ચમાં ઘટાડો કરવા અને ટૅક્સમાં વધારો કરવા માટે કહ્યું છે. પાકિસ્તાનનું બજેટ આ મામલે ઐતિહાસિક થવાનું છે, કેમ કે તેનાથી તેના ભવિષ્યનો રસ્તો નક્કી થશે. આર્થિક સંકટની સાથે પાકિસ્તાનમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ પણ વધુ પહોળી થઈ છે.
 
કરાચી, લાહોર અને ઇસ્લામાબાદની બજારને લઈને પણ પાકિસ્તાનની વિષમતાને સમજી શકાય છે. હાલનાં વર્ષોમાં આ શહેરોમાં ઑટોમોબાઇલના સારી બ્રાન્ડના બધા જ સ્ટોર ખોલવામાં આવ્યા હતા. પણ સ્થિતિ એવી થઈ કે મોટા ભાગના લોકોને બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનની ગત મુસ્લિમ લીગ સરકારે પોતાના આર્થિક સર્વેમાં દર્શાવ્યું હતું કે કેવી રીતે આયાત અને નિકાસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.
ઇમરાન ખાને પોતાના ચૂંટણીપ્રચારમાં કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન બન્યા બાદ આપઘાત કરવાનું પસંદ કરશે, પરંતુ દેવું નહીં કરે. ઇમરાન ખાન વડા પ્રધાન પણ બની ગયા પણ તેઓને કરજ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી મળ્યો.
 
ઘટતો વિદેશી મુદ્રા ભંડાર
 
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. હાલમાં ભારતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અંદાજે સાત અબજ ડૉલરનો ખર્ચ થયો હતો. જ્યારે પાકિસ્તાન પાસે ખૂબ ઓછો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે. નિકાસ ન બરાબર થઈ ગઈ છે અને મોંઘવારી સતત વધી રહી છે. રાજસ્વ ખોટ આસમાને પહોંચી છે, તો ચુકવણીનું સંતુલન પણ પાટા પરથી ઊતરી ગયું છે. કરજને બદલે આપઘાતની વાત કરનારા ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના શરણે જવું પડ્યું.
 
આઈએમએફ પાસેથી લીધેલું પાકિસ્તાનનું આ 22મું કરજ છે. પાકિસ્તાનના કુલ ખર્ચનો 30.7 ટકા ભાગ દેવાના હપ્તા ચૂકવવામાં જાય છે. પાકિસ્તાનનો ખર્ચ આયાત પર સતત વધી રહ્યો છે, પરંતુ નિકાસમાંથી કંઈ જ મળતું નથી. પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ નહીં સુધારે તો દેવાળિયા થવાનો ખતરો વધી જશે.
 
2015માં પાકિસ્તાનનું કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 2.7 અબજ ડૉલર હતું, જે 2018માં વધીને 18.2 અબજ ડૉલર થઈ ગયું. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટને કારણે પાકિસ્તાનની વેપાર ખોટ સતત વધી રહી છે. ચાઇના પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (સીપીઆઈસી)ને કારણે પાકિસ્તાનની આયાત સતત વધી છે. પીઈસી ચીનની મહત્ત્વાકાંક્ષી પરિયોજના વન બેલ્ટ વન રોડનો ભાગ છે, જેના કારણે તેણે પાકિસ્તાનમાં અંદાજે 60 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.
 
અપાર દેવું
 
2018માં જૂન મહિનાના અંતમાં પાકિસ્તાનનું કુલ સરકારી દેવું 179.8 અબજ ડૉલર થઈ ગયું હતું. 25 અબજ ડૉલર તો માત્ર એક વર્ષમાં વધુ ગયું. પાકિસ્તાની મુદ્રા રૂપિયાની કિંમત પણ અમેરિકન ડૉલરની તુલનામાં સતત ગબડી રહી છે. તેના કારણે પણ પાકિસ્તાનનું સરકારી દેવું વધ્યું છે. પાકિસ્તાન પર વિદેશી દેવું સતત વધી રહ્યું છે. જૂન 2018માં પાકિસ્તાન પર વિદેશી દેવું 64.1 અબજ ડૉલર હતું, જે જાન્યુઆરી 2019માં વધીને 65.8 અબજ ડૉલર થઈ ગયું. મોંઘવારીનો દર 9.4 ટકાથી પાર થઈ ગયો છે.
 
આ દર ગત પાંચ વર્ષમાં સૌથી ઊંચાઈ પર છે. રૂપિયો ગબડતા પાકિસ્તાનનું આયાત બિલ વધી રહ્યું છે. પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતા અને રાજકીય અસ્થિરતાને કારણે વિદેશી રોકાણ પણ ન બરાબર થઈ ગયું છે.
2018માં પાકિસ્તાનના જીડીપીમાં ટૅક્સનું યોગદાન માત્ર 13 ટકા હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાનના રાજસ્વમાં ઘટાડો થયો છે, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે.
 
ઇમરાન ખાન અગાઉની સરકારો પણ પાકિસ્તાનની નિકાસ વધારવામાં નિષ્ફળ રહી હતી. વર્લ્ડ બૅન્કનું કહેવું છે કે કુશાસનને કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર