ગુજરાતની સૌથી મોટી ડેરી અમૂલની ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે આંચકાજનક રહ્યાં છે.

ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (14:56 IST)
એક બાજુ કૉંગ્રેસ સમર્થિત ઉમેદવારોની ચૂંટણીમાં જીત થઈ છે ત્યારે બીજી બાજુ ભાજપ નેતા રામસિંહ પરમાર કૉંગ્રેસના સહયોગથી ફરીથી ચૅરમૅન તરીકે ચૂંટાઈ આવે તેવો તખ્તો ગોઠવાઈ ગયો છે.
 
2017માં રામસિંહ પરમારને પક્ષમાં સામેલ કરીને ભાજપે દેશની સૌથી મોટી ડેરી પર સત્તા મેળવી હતી.
 
રામસિંહ પરમાર ત્યારે અમૂલના ચૅરમૅન હતા. તેઓ કૉંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં આવ્યા હતા.
 
સોમવારે જે પરિણામો આવ્યાં, એમાં અમૂલની બોર્ડ ઑફ ડિરેકટરની 12 બેઠકમાંથી કૉંગ્રેસે 8 બેઠકો કબજે કરી છે. રામસિંહ પરમારના સહયોગથી કૉંગ્રેસે અમૂલમાં ફરીથી સત્તા મેળવી લીધી છે.
 
ભાજપને ગુજરાતમાંથી કેમ ઉખાડી શકાતો નથી?
 
11 બેઠકો પર ચૂંટણી થઈ હતી
11 બેઠકો માટે 31 ઉમેદવારો વચ્ચે તીવ્ર હરીફાઈ હતી
 
ખેડા જિલ્લા દૂધઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ના નિયામક મંડળ (બોર્ડ ઑફ ડિરેક્ટર)ની ચૂંટણી 29 ઑગસ્ટે યોજાઈ હતી.
 
નિયામક મંડળમાં 16 બેઠકો છે, જેમાંથી 13 બેઠકો પર ચૂંટણી થાય છે. એક-એક બેઠક જિલ્લા રજિસ્ટ્રાર, એનડીડીબી અને જીસીએમએમએફ માટે અનામત રાખવામાં આવી છે.
અમૂલનાં ચૅરમૅન રામસિંહ પરમાર ઠાસરા બ્લૉકમાંથી અને રણજિત પટેલ સારસા બેઠકથી બિનહરીફ ચૂંટાતા 11 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.
 
ચૂંટણી આણંદની અમૂલ ડેરીમાં યોજાઈ હતી અને 1049 દૂધઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિઓએ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
 
11 બેઠકો માટે 31 ઉમેદવારો વચ્ચે તીવ્ર હરીફાઈ હતી.
 
અમદાવાદ મિરરના રિપોર્ટ મુજબ અમૂલ ડેરીના વાઇસ ચૅરમૅન અને બોરસદથી કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને ચૂંટણીમાં 93 મળ્યા છે.
 
અખબાર જણાવે છે કે માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ પરમાર અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારને આ ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
 
કૉંગ્રેસ નેતા બિમલ શાહે આ અખબારને જણાવ્યું કે "પક્ષના 2 ધારાસભ્યો સહિત 8 ઉમેદવારોની ચૂંટણીમાં જીત થઈ છે. ચૂંટણીપરિણામોથી પુરવાર થાય છે કે લોકોને હજી કૉંગ્રેસ પર વિશ્વાસ છે."
 
અમૂલની આ વખતની ચૂંટણી અનેક રીતે જુદી હતી. ભાજપના નેતા હોવા છતાં રામસિંહ પરમારે કૉંગ્રેસના સભ્યો સાથે મળીને એક અલગ પૅનલ ઊભી કરી, જેનું નામ 'સમર્થન પૅનલ' રાખવામાં આવ્યું હતું.
 
પૅનલ ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા. રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમારે પૅનલ માટે પ્રચાર પણ કર્યો હતો.
 
સમર્થન પૅનલનું ચૂંટણીનિશાન ટ્રક હતું. પૅનલમાં ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો હતા.
 
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રામસિંહ પરમારે કહ્યું કે "અમૂલમાં ભાજપ-કૉંગ્રેસ જેવું કંઈ નથી અને અમારી 'સમર્થન પૅનલ' જ અમૂલનું પ્રધિનિધિત્વ કરે છે. અમૂલમાં અમે બધા એક જ છીએ અને અહીં રાજકરણ જેવું કંઈ નથી."
 
"બધાએ જે નક્કી કર્યું હતું તે મુજબ સમર્થન પૅનલ બનાવવામાં આવી છે. અહીં પક્ષની કોઈ વાત નથી અને માત્ર એકબીજાને સહકાર આપવાની વાત છે."
 
તો ભાજપની પૅનલ કેમ નહીં બનાવી? તેવો સવાલ પૂછતાં રામસિંહ પરમારે ફોન કાપીને જવાબ આપવાનું ટાળ્યું હતું.
 
સહકારી આગેવાન રણજિત પટેલ કહે છે, "અમૂલમાં પહેલાંથી નક્કી કરવામાં આવ્યું હતું કે સંસ્થામાં રાજકરણ નહીં લાવવાનું. ડેરીમાં કોઈ પણ ચૂંટણી થાય એ સહકારી મૂલ્યો પર થવી જોઈએ, એ વાત બધાએ સ્વીકારી છે અને તેના પર અમલ પણ થાય છે."
 
તેઓ કહે છે, "અમૂલની ચૂંટણીમાં ઉમેદવારોની લાયકાત અને તેમણે કરેલાં કાર્યોના અધારે મત મળે છે અને એટલે હું માનું કે ભાજપ અહીં પોતાનું ધાર્યું ન કરી શક્યો."
 
રામસિંહ પરમારને સમર્થન આપવા અંગે પૂછતાં કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, "અમૂલમાં અમે રાજકરણમાં પડતા નથી. હું અને રામસિંહ પરમાર એક જ ટીમના સભ્યો છીએ અને છેલ્લાં 15 વર્ષથી કામ કરી રહ્યા છીએ."
 
"સુમૂલ ડેરી અને બીજી ડેરીઓમાં જે રાજકરણ થાય છે, તેવું અમૂલમાં નથી. ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસની જીત નહીં પણ સમર્થન પૅનલની જીત થઈ છે. રામસિંહ પરમારને અમારું સમર્થન છે અને અમારા બધાની ઇચ્છા છે કે તેઓ અમૂલના ચૅરમૅન બને."
 
એ 'રાજરમત' જેણે જીવરાજ મહેતાને ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી બનાવ્યા
 
કોણ છે રામસિંહ પરમાર?
 
રામસિંહ પરમાર 1978થી અમૂલ સાથે જોડાયેલા છે. તેઓ 2002થી અમૂલના ચૅરમૅન છે. 2012માં તેઓ ખેડા જિલ્લાની ઠાસરા બેઠકથી ચૂંટણી જીત્યા હતા.
 
હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, 2017માં રાજ્યસભાની ચૂંટણી અગાઉ તેમણે ધારાસભ્યના પદથી રાજીનામું આપી દીધું હતું અને કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
 
2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઠાસરા બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે લડયા, પરતું કૉંગ્રેસના ઉમેદવાર કાંતિ પરમાર સામે ચૂંટણી હારી ગયા.
 
2018માં ભાજપ દ્વારા તેમની ગુજરાત કો-ઑપેરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરશન (જીસીએમએમએફ)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
 
અમદાવાદ મિરરના રિપોર્ટ મુજબ (જીસીએમએમએફ)ના ચૅરમૅન તરીકે બીજી વાર નિમણૂક નહીં થતા અને ઠસરા બેઠકથી ચૂંટણી હારી જવાના કારણે રામસિંહ પરમાર ભાજપથી નારાજ હતા.
 
અમૂલ ડેરીનો ઇતિહાસ
 
14 ડિસેમ્બર, 1946માં ત્રિભુવનદાસ પટેલે 'ધ ખેડા ડિસ્ટ્રિક કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ'ની સ્થાપના કરી. જે આજે 'અમૂલ' તરીકે વિશ્વપ્રસિદ્ધ છે.
 
શરૂઆતમાં દિવસનું 200 લિટર દૂધનું ઉત્પાદન કરતો આ સંઘ 1952માં દિવસનું 20 હજાર લિટર દૂધ ઉત્પાદન કરવા લાગ્યો હતો એવું કુરિયને આત્મકથા 'આઈ ટુ હૅડ ડ્રીમ'માં લખ્યું છે.
 
અમૂલ ડેરીમાં ખેડા અને આણંદ જિલ્લા અને મહીસાગર જિલ્લાના બે તાલુકાના મળીને 6.25 લાખ સભાસદો છે.
 
અમૂલના વાઇસ-ચૅરમૅને રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે ડેરીનું સરેરાશ વાર્ષિક દૂધઉત્પાદન 25 લાખ લિટર છે. પીક સિઝનમાં 35 લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે. અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 7000 કરોડ રૂપિયા છે.
 
"અમારું ધ્યેય અમૂલને ભારતના દરેક રાજ્યમાં લઈ જવાનું છે અને અમે એ દિશામાં કામ પણ શરૂ કરી દીધું છે. કોલકતા, પૂણેમાં અને ગોવામાં અમે કામ કરી રહ્યા છે અને હવે બીજાં રાજ્યોમાં જઈશું."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર