ઝારખંડ : એ હેમંત સોરેન જેમની સામે અમિત શાહની નીતિ વામણી સાબિત થઈ

રવિ પ્રકાશ

મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (13:24 IST)
44 વર્ષના હેમંત સોરેનને રાજકારણ વારસામાં મળ્યું છે. શિબુ સોરેનના બીજા પુત્ર હેમંત સોરેને પોતાના મોટા ભાઈ દુર્ગા સોરેનના આકસ્મિક મૃત્યુ બાદ રાજકારણમાં પગ મૂક્યો. તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. ધારાસભ્ય બન્યા અને બાદમાં વર્ષ 2013માં ઝારખંડના પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા.
 
એ વખતે તેમની સરકારને કૉંગ્રેસ અને આરજેડીએ સમર્થન આપ્યું હતું. ઝારખંડ વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં તેમના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાનું કૉંગ્રેસ અને આરજેડી સાથે મહાગઠબંધન છે.
 
તેઓ પોતાના પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે. મહાગઠબંધને ચૂંટણીપ્રચારમાં તેમને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા. તેઓ આ ચૂંટણી સંથાલ પરગણાની દુમકા અને બરહેટ વિધાનસભા બેઠકો પરથી લડ્યા છે.
 
ઝારખંડના પાંચમા મુખ્ય મંત્રી બન્યા એ પહેલાં તેઓ વર્ષ 2010માં અર્જૂન મુંડા સરકારમાં નાયબ મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. એ વખતે ભાજપ અને જેએમએમે અડધી-અડધી મુદ્દત માટે મુખ્ય મંત્રી બનાવાની ફૉર્મ્યુલા પર સરકાર બનાવી હતી.
 
 
સરકાર
 
જોકે, વાત વચ્ચે જ બગડી ગઈ અને આ સંયુક્ત સરકાર બે વર્ષ, ચાર મહિના અને સાત દિવસ બાદ જ તૂટી ગઈ તથા રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવું પડ્યું. એ બાદ કૉંગ્રેસ અને રાજદએ સમર્થન આપીને જુલાઈ 2013માં હેમંત સોરેનના નેતૃત્વમાં સરકાર બનાવી દીધી.
 
આ સરકાર એક વર્ષ, પાંચ મહિના, પંદર દિવસ સુધી ચાલી. એ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ. વર્ષ 2014માં થયેલી ચૂંટણીમાં જેએમએમ પાર્ટી હેમંત સોરેનના નેતૃત્વમાં ચૂંટણી લડી અને 19 બેઠકો મેળવી. એ વખતે સૌથી મોટા પક્ષ તરીકે વિજયી બનેલા ભારતીય જનતા પક્ષે સરકાર બનાવી અન રઘુબર દાસ તેના મુખ્ય મંત્રી બન્યા.
 
એ વખતે 19 ધારાસભ્યો ધરાવતા પક્ષના નેતા હોવાને લીધે હેમંત સોરેનને ઝારખંડ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનવાની તક મળી. વિપક્ષના નેતા તરીકે તેઓ ભાજપની રઘુબર દાસ સરકાર વિરુદ્ધ કેટલાય મોરચા પર લડાઈ લડ્યા.
 
ઝારખંડ મુક્તિ મોરચાને નવા યુગનો પક્ષ બનાવવાનું શ્રેય તેમને જાય છે. હેમંત સોરેને ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને પક્ષને સોશિયલ મીડિયા પર સક્રિય બનાવ્યો અને પક્ષ મીડિયાથી અંતર રાખતો હોવાની છાપ ભૂંસવાનો પ્રયાસ કર્યો.
 
હાલની ચૂંટણી દરમિયાન તેમણે મીડિયા સાથે બહુ વાત કરી. સભાઓ યોજી અને પોતાના પક્ષને મજબૂત સ્થિતિમાં ઊભો કરી દીધો. વર્તમાન વિધાનસભામાં તેઓ સાહિબગંજ જિલ્લાની બરહેટ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2014ની ચૂંટણી તેઓ દુમકાથી લડ્યા હતા પણ ત્યાંથી તેઓ હારી ગયા હતા.
 
 
લડાઈ
 
તેઓ પોતાના પક્ષ તરફથી વર્ષ 2009-2010માં રાજ્યસભામાં સભ્ય પણ રહ્યા. પત્ની કલ્પના સાથે તેઓ રાંચીમાં કાંકે રોડ ખાતે આવેલા સરકારી આવાસમાં રહે છે. એમને બે સંતાન છે. તેમનો જન્મ રામગઢ જિલ્લાના નબેરામાં થયો હતો.
 
તેમણે પટનામાં પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો અને બાદમાં બીઆઈટી મેસરામાં પણ પ્રવેશ મેળવ્યો. એ વખતે મિકૅનિકલ એન્જિનિયરિંગનો તેમણે અભ્યાસ કરવો પહતો પણ એ કોર્સ તેએ પૂર્ણ કરી શક્યા નહીં.
 
મુખ્ય મંત્રીના કાર્યકાળ દરમિયાન તેમણે સરકારી નોકરીઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. આ ચૂંટણીમાં તેમણે પછાત વર્ગો માટે 27 ટકા અનામતનું વચન આપ્યું હતું. તેઓ આદિવાસીઓના જમીનસંબધિત મુદ્દા પર બહુ વાચાળ છે.
 
સીએનટી અને એસપીટી ઍક્ટમાં સુધારા માટેના રઘુબર દાસના નિર્ણયના વિરુદ્ધની લડાઈમાં તેઓ બહુ આગળ રહ્યા હતા. તેમણે ભૂમિ-અધિગ્રહણ કાયદામાં સુધારાના રઘુબર દાસની સરકારના નિર્ણયનો પણ વિરોધ કર્યો. આ વખતની ચૂંટણીમાં તેમનો પક્ષ જળ-જંગલ-જમીનના મુદ્દા પર ચૂંટણી લડ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર