Fani Cyclone : વાવાઝોડું ઓડિશાથી પશ્ચિમ બંગાળ તરફ, 175 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો

શુક્રવાર, 3 મે 2019 (12:59 IST)
ઓડિશામાં ફોની વાવાઝોડું દરિયાકિનારે ટકરાયું છે. આને પગલે NDRFની 28 અને ODRAFની 20 ટીમો બચાવ માટે તૈનાત કરવામાં આવી છે, 900 જેટલા રાહત કૅમ્પો ખોલી 11 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાને પગલે રાજ્યના 15 જિલ્લાઓમાં અસર થશે, પશ્ચિમ બંગાળમાં પણ અસર થવાની શક્યતા છે. ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરાઈ છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણી રેલીઓ રદ કરી છે. તેઓ પરિસ્થિતિના આકલન માટે ખડગપુર રહેશે.
હવામાન વિભાગ તરફથી આ અંગે દર કલાકે રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે.
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ અંગે ટ્ટિટ કરી લોકોને મદદરૂપ થવા કૉંગ્રેસ કાર્યકરોને વિનંતી કરી છે અને લોકો માટે પ્રાર્થના કરી છે.
ઓડિશાના દરિયાકિનારે વાવાઝોડું ફોની ત્રાટક્યું છે. હાલ પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાક છે. સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
પુરીથી આ વાવાઝોડું ઓડિશાના ખુર્દા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપાડા, જાજપુર, ભદ્ર્ક અને બાલેશ્વર જિલ્લાઓ પરથી પસાર થઈ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે અને ત્યાંથી બાંગ્લાદેશ તરફ ફંટાશે એવી શક્યતા છે. જોકે, ત્યાં પહોંચતા સુધી તે નબળું પડશે.
ઓડિશાની સાથે-સાથે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ પર પણ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઉપરાંત તામિલનાડુને પણ ઍલર્ટ કરવામાં આવ્યું છે.
 
લાખો લોકોનું સ્થળાંતર
વાવાઝોડાને લઈને આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને પણ હાઈઍલર્ટ કરાયાં છે.
વાવાઝોડાને કારણે 10,00,000 જેટલાં લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. વાવાઝોડું પુરીના દરિયાકાંઠે જમીન સાથે સંપર્કમાં આવ્યું છે તે શહેરમાં આશરે 1,00,000 લાખ લોકો રહે છે.
પુરીમાં 858 વર્ષ જૂનું જગન્નનાથનું મંદિર પણ આવેલું છે. અધિકારીઓને એવો પણ ડર છે કે વાવાઝોડાને કારણે કદાચ મંદિરને નુકસાન થઈ શકે છે.
રાજ્યમાં તમામ શાળાઓ અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.
ભારતીય નેવીના જણાવ્યા પ્રમાણે તેમણે સાત યુદ્ધજહાજો મોકલ્યાં છે અને છ પ્લેન તથા સાત હેલિકૉપ્ટરને રાહતકાર્ય માટે તૈયાર રખાયાં છે.
 
ઓડિશા કુદરતી આપત્તિની રાજધાની કેમ?
વાવાઝોડું ફોની છેલ્લા ત્રણ દાયકામાં ચોથું એવું તીવ્ર તોફાન છે જે દેશના પૂર્વના દરિયાકિનારે ટકરાયું છે.
વર્ષ 2013માં ફેલિન નામના વાવાઝોડાએ ઓડિશામાં તારાજી સર્જી હતી અને તે 1999 બાદ આવેલું સૌથી ભયાનક તોફાન હતું.
વર્ષ 2017માં ઓખી વાવાઝોડામાં 200 લોકો માર્યાં ગયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા.
ઑક્ટોબર 2018માં તિતલી નામના વાવાઝોડાના કારણે ઓડિશામાં હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડ્યું હતું.
ઓડિશાને કુદરતી આપત્તિની રાજધાની કહેવામાં આવે છે. વર્ષો સુધી રાજ્ય કુદરતી આપત્તિઓનો સામનો કરતું આવ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમી ગ્રોથના સુદામીની દાસ પોતાના રિસર્ચ પેપર ઇકૉનૉમિક્સ ઑફ નેચરલ ડિઝાસ્ટરમાં લખે છે, "1900થી 2011 વચ્ચે ઓડિશામાં 59 વર્ષો પૂર આવ્યાં, 24 વર્ષો ભયંકર વાવાઝોડાં આવ્યાં, 42 વર્ષ દુષ્કાળ પડ્યો, 14 વર્ષો રાજ્યએ ભયંકર હિટવેવનો સામનો કર્યો અને 7 વર્ષ ટૉર્નેડોનો સામનો કર્યો."
ઉપરોક્ત આંકડાઓને ધ્યાને લેતા રાજ્યએ સરેરાશ 1.3 વર્ષે એક કુદરતી આપત્તિનો સામનો કર્યો છે.
તેમના આ રિસર્સ પેપરમાં દાસ જણાવે છે કે આ ગાળામાં 1965થી લગભગ દર વર્ષે રાજ્યએ એક કે એકથી વધારે મોટી દુર્ઘટનાઓનો સામનો કર્યો છે.
ડાઉન ટુ અર્થના અહેવાલ પ્રમાણે છેલ્લી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપમાં 1,035 જેટલાં વાવાઝોડાં આવ્યાં છે. જેમાં અડધાથી વધારે પૂર્વ તટ તરફ ટકરાયાં છે.
જેમાંથી 263 નાનાં-મોટાં વાવાઝોડાં ઓડિશાના દરિયાકિનારે ટકરાયાં છે.
 
ઓડિશામાં વાવાઝોડા પહેલાંની તૈયારી
હવામાન વિભાગનું અનુમાન છે કે તોફાનને કારણે ઓડિશામાં આવનારા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.
અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, ઍરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવાઈ છે.
ઓડિશાની સરકાર દ્વારા એક પણ જાનહાનિ ન થાય તે લક્ષ્ય સાથે રાજ્યના 480 કિલોમિટર લાંબા દરિયાકિનારા પર કાચા મકાનમાં રહેનારાં લાખો લોકોને સ્થળાંતર કરાયા છે.
જોકે, અનેક લોકો પોતાના મકાનો છોડીને જવા માટે તૈયાર થયાં નથી, રાત સુધી લોકોને સમજાવીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
વિશેષ રાહત અધિકારી વિષ્ણુપદ સેઠીએ ગુરુવારે જણાવ્યું કે સ્થળાંતર કરાયેલા લોકોને વાવાઝોડા માટે બનાવેલા 900 જેટલા રાહત કૅમ્પોમાં આશરો આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "દરેક કૅમ્પમાં પીવાનું પાણી, ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ત્યાં સ્વયંસેવકો પણ તૈનાત કરવામાં આવ્યા છે."
વાવાઝોડાને કારણે થનારા નુકસાન અને રસ્તા, વીજળી અને સંચારને ફરીથી શરૂ કરવા માટે રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર ફોર્સ(એનડીઆરએફ)ની 28 ટીમો અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફોર્સ(ઓડીઆરએએફ)ની 20 ટીમોને તૈનાત કરવામાં આવી છે.
લાઇન

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર