ચંદ્રયાન 2 : ઈસરોના ચૅરમેન કે. સિવન પાસે એક સમયે પહેરવા ચંપલ નહોતા

રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (15:04 IST)
ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટ્યા બાદ વૈજ્ઞાનિકોને સંબોધન કર્યા બાદ જ્યારે વડા પ્રધાન મોદી ઈસરોના મુખ્યાલયથી જવા લાગ્યા ત્યારે ઈસરોના ચીફ કે. સિવન મોદી સામે ભાવુક થઈ ગયા હતા.
 
કે. સિવન હાલ ઈસરોના ચૅરમૅન છે પંરતુ આ પદ સુધીની એમની જીવન સફર આસાન નથી રહી.
કે. સિવનનું આખુ નામ કૈલાસાવાદિવો સિવન પિલ્લઈ છે.
તમિલનાડુના કન્યાકુમારીમાં ગરીબ ખેડૂત પરિવારમાં 14 એપ્રિલ 1957ના રોજ એમનો જન્મ થયો હતો.
ડૉ. સિવન પાસે વિદ્યાર્થીકાળમાં ચંપલ કે બે જોડી સારા પૅન્ટ પણ નહોતા. તેઓ ધોતી પહેરતા હતા.
ગત 26 ઑગસ્ટે એનડીટીવીને આપેલી મુલાકાતમાં એમણે કહ્યું હતું, "મારા ગામમાં અમારું જીવન સાવ અલગ હતું. મારા પિતા ખેડૂત હતા અને કેરીની સિઝનમાં વેપાર પણ કરતા."
"હું રજાઓમાં એમની સાથે કામ કરતો. હું હાજર હોઉં ત્યારે તેઓ મજૂરો નહોતા રાખતા."
ડૉ. સિવને આગળ કહ્યું, "સામાન્ય રીતે લોકોની કૉલેજ પસંદ કરવાની પદ્ધતિ અલગ હોય છે પંરતુ મારા પિતાએ મારી કૉલેજ નજીકમાં હોય તેવો આગ્રહ રાખ્યો જેથી હું કૉલેજથી આવીને કામ કરી શકું. અમારી સ્થિતિ રોજ કમાવી રોજ ખાનાર જેવી હતી."
"હું જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં ભણવા આવ્યો ત્યારે મેં ચંપલ પહેરવાનું શરૂ કર્યુ. એ અગાઉ તો હું ઉઘાડેપગે જ ફરતો. પૅન્ટ પણ નહોતું. ધોતી જ પહેરતો.''
જોકે, ડૉ. સિવન માતાપિતાના આભારી છે કે તેમણે કાયમ ત્રણ ટંક ખાવાનું આપ્યું. તેઓ કહે છે, "અમારી હાલત એટલી ખરાબ નહોતી. મારાં માતાપિતા અમને કદી ભૂખ્યા ન રાખ્યા. ત્રણ ટંક ખાવા આપ્યું."
ડૉ. સિવન ખરેખર તો એન્જિનિયરિંગ ભણવા માગતા હતા પંરતુ એમના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે તેઓ બૅચલર ઑફ સાયન્સ ભણ્યા.
ડૉ. સિવન ખરેખર તો વિક્રમ સારાભાઈ સેન્ટરમાં આવવા જ નહોતા માગતા.
તેઓ સેટેલાઇટ સેન્ટરમાં જવા માગતા હતા. તેઓ ઍરડાયનેમિકમાં જોડાવવા માગતા હતા પરંતુ એમને પીએસએલવી પ્રોજેક્ટ મળ્યો.
ડૉ. સિવન કહે છે. "મને જોઈતું હતું એ જીવનમાં કદી ન મળ્યું પરંતુ જે પણ મળ્યું એમાં મેં નિપુણતા મેળવી."
ચંદ્રયાન-2 : એ છેલ્લી 15 મિનિટ જ્યારે વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટી ગયો
 
ડૉ. સિવનની ઈસરોની સફર અને નિપુણતા
એમણે બીએસ.સી, બી.ઈ, એમ.ઈ ઉપરાંત આઈઆઈટી બૉમ્બેથી પીએચડી કર્યું છે.
ડૉ. સિવન 1982માં ઈસરોમાં પીએસએલવી પ્રોજેક્ટમાં જોડાયા.
તેઓ ઍરોસ્પેસ એન્જિનિયરિંગ, સ્પૅસ ટ્રાન્સપૉર્ટેશન સિસ્ટમ એન્જિનિયરિંગ, લૉન્ચ વ્હિકલ ઍન્ડ મિશન ડિઝાઇન, કન્ટ્રોલ ઍન્ડ ગાઇડન્સ ડિઝાઇન ઍન્ડ મિશન સિમ્યુલેશન સૉફ્ટવૅર ડિઝાઇન, મિશન સિન્થેસિસ, સિમ્યુલેશન, એનાલિસિસ ઍન્ડ વેલિડેશન ઑફ ફ્લાઇટ સિસ્ટમમાં નિપુણતા ધરાવે છે.
ઈસરોની વેબસાઈટ મુજબ તેમણે મિશન પ્લાનિંગ, ડિઝાઇન ઇન્ટિગ્રેશન અને એનાલિસિસમાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે.
તેઓને અનેક માન-સન્માન એનાયત થયેલા છે.
ચંદ્ર પર કોઈ દેશ નથી ગયા ત્યાં જવાનું ભારતે કેમ નક્કી કર્યું હતું?
 
શું કહ્યું હતું નરેન્દ્ર મોદીએ?
વૈજ્ઞાનિકોને સંબોધન કર્યા બાદ જ્યારે વડા પ્રધાન મોદી ઈસરોના મુખ્યાલયથી જવા લાગ્યો તો ઈસરોના ચીફ કે. સિવન મોદી સામે ભાવુક થઈ ગયા હતા.
વડા પ્રધાન મોદીએ ઈસરો ચીફને ગળે લગાવી તેમની પીઠ થપથપાવી હતી અને તેમને હિંમત રાખવા કહ્યું હતું.
મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા કહ્યું કે આપણે નિશ્ચિતપણે સફળ થઈશું. આ મિશનના આગલા પ્રયાસમાં પણ અને તે બાદના પ્રયાસમાં પણ સફળતા આપણી સાથે હશે.
તમે લોકો માખણ પર લકીર દોરનારા નથી તમે પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. એ તમે જ છો જેમણે પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહ પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. એ પહેલાં દુનિયામાં આ પ્રકારની ઉપલબ્ધિ કોઈના નામે ન હતી.
ઈસરોના અધ્યક્ષે દેશને જણાવ્યું કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોની વચ્ચે ગયા અને તેમને હિંમત આપતા કહ્યું, "જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે."
"હું જોઈ રહ્યો હતો જ્યારે કૉમ્યુનિકેશન ઑફ થઈ ગયું હતું, પરંતુ આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે અને તમારી મહેનતે ખૂબ શીખવ્યું પણ છે."
"મારા તરફથી તમને અભિનંદન, તમે દેશની ઉત્તમ સેવા કરી છે, વિજ્ઞાનની ખૂબ મોટી સેવા કરી છે, માનવજાતિની ખૂબ મોટી સેવા કરી છે."
"આ પડાવ પરથી પણ આપણે ઘણું બધું જાણવા મળ્યું છે, આગળ પણ આપણી યાત્રા ચાલુ રહેશે અને હું સંપૂર્ણરીતે તમારી સાથે છું."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર