ધોનીનો 'મિસ્ટ્રી બૉલર' જેની સામે સિક્સરોનો વરસાદ કરવા છતાં કોહલીની ટીમ હારી ગઈ

અભિજિત શ્રીવાસ્તવ

મંગળવાર, 18 એપ્રિલ 2023 (09:35 IST)
આઈપીએલમાં સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટની 24મી મૅચ અત્યંત રોમાંચક રહી. આ મૅચમાં ક્રિકેટના પ્રશંસકોને એ તમામ વસ્તુઓ જોવા મળી જેની તેઓ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની હાજરીમાં જોવાની અપેક્ષા રાખતા હોય. ડેવન કૉનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, ફાફ ડુપ્લેસી, ગ્લૅન મૅક્સવેલ અને દિનેશ કાર્તિકની તોફાની બેટિંગ જોવા મળી.
 
રહાણે અને કાર્તિકને છોડીને તમામ ખેલાડીઓએ ઝડપી અડધી સદી ફટકારી. તેમનામાંથી એક પણ બૅટ્સમૅનનો સ્ટ્રાઇક રેટ 184થી ઓછો ન હતો.
 
મૅચમાં છગ્ગાઓનો રૅકોર્ડ બન્યો. મૅક્સવેલ, ડુપ્લેસી ક્રીસ પર હોવાથી આરસીબી માટે મૅચ સરળ લાગી રહી હતી પરંતુ અંતે ખુબ ઓછા અંતરથી ચેન્નઈનો વિજય થયો. કારણ, અંતિમ ઓવરોમાં અદ્ભુત બૉલિંગ.
 
અહીં સુધી કે ઘણી ઓછી મૅચોની જેમ આ મૅચમાં ધોનીના ચહેરા પર તેમની લાગણીઓ સ્પષ્ટપણે જોવા મળી. મૅચ દરમિયાન ધોની નબળી ફિલ્ડિંગ પર બે વખત ગુસ્સે થતા જોવા મળ્યા.
 
આ બધું થયું અને પરિણામ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની તરફેણમાં આવ્યું, જે 226 રનોનો વિશાળ સ્કોર માત્ર આઠ રનથી જીતવામાં સફળ રહી.
 
બીજી તરફ ખુબ જ સારું પ્રદર્શન આપવા છતાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરની ટીમ આ સિઝનની ત્રીજી હારથી પોતાને બચાવી શકી નહીં.
 
33 સિક્સરોનો રૅકોર્ડ
આ આઈપીએલની એ મૅચોમાંની એક છે જેમાં મહત્તમ 33 સિક્સરો ફટકારવાનો રૅકોર્ડ બન્યો.
ઈએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, આઈપીએલની એક જ મૅચમાં (બંને ટીમો તરફથી) 33 છગ્ગાનો રૅકોર્ડ બન્યો છે.
આઈપીએલમાં ત્રણ મૅચમાં આવું બન્યું છે. ત્રણેય મૅચમાં એક ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ હતી.
ગ્લૅન મૅક્સવેલે પોતાની ઇનિંગમાં આઠ છગ્ગા ફટકાર્યા હતા.
આઈપીએલની આ સિઝનમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે તેઓ બીજા સ્થાને છે.
ઋતુરાજ ગાયકવાડ અને વેન્કટેશ અય્યર (નવ છગ્ગા) આ મામલે ટોચ પર છે.
 
મૅચમાં શું થયું?
 
રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરના કૅપ્ટન ફાફ ડુપ્લેસીએ ટૉસ જીતીને ચેન્નઈને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
 
ડુપ્લેસી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રનચેઝ કરવા માગતા હતા કારણ કે અહીં ચેઝ કરનારી ટીમ જીતવાના કિસ્સા વધુ જોવા મળ્યા છે.
 
ઇન્ટરનેશનલ ટી20માં આ મેદાનમાં રનચેઝ કરનારી ટીમે આઠમાંથી પાંચ મૅચ જીતી છે. જ્યારે આઈપીએલમાં પાછળથી બેટિંગ કરનારી ટીમે વધુ મૅચ જીતી છે.
 
જો આ મૅચના પરિણામને સામેલ કરવામાં આવે તો આ મેદાન પર અત્યાર સુધી 205 આઈપીએલ મૅચ રમાઈ ચૂકી છે. તેમાંથી 113 વખત પીછો કરનારી ટીમ જીતી છે. જ્યારે 95 મૅચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે.
 
પ્રથમ બેટિંગ કરનાર ચૅન્નઈ સુપર કિંગ્સના ડેવોન કૉનવેએ 45 બૉલમાં 83 રન બનાવ્યા. શિવમ દુબેએ માત્ર 27 બૉલમાં 52 રન બનાવ્યા હતા.
 
તે જ સમયે, અજિંક્ય રહાણેએ માત્ર 20 બૉલમાં 37 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ માત્ર છ બૉલમાં 14 રનનું યોગદાન આપ્યું હતું. ચૅન્નઈ સુપર કિંગ્સે છ વિકેટના નુકસાને 226 રન બનાવ્યા હતા.
 
બૅંગ્લોરે વિરાટ સહિત પ્રથમ બે વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. પૂર્વ કૅપ્ટન કોહલી આ વખતે કમનસીબ સાબિત થયા હતા. પ્રથમ ઓવરના છેલ્લા બૉલ પર આકાશ સિંહનો બૉલ વિરાટ કોહલીના પૅડ અને શૂઝ સાથે અથડાયા બાદ સ્ટમ્પ્સને અડ્યો અને બેઇલ પડી ગયા.
 
વિરાટ કોહલી લયમાં લાગી રહ્યા હતા, તેમણે શાનદાર ચોગ્ગો ફટકાર્યો પરંતુ માત્ર છ રન બનાવીને આઉટ થઈ ગયા.
જ્યારે સિક્સરોનો વરસાદ શરૂ થયો...
 
વિરાટ કોહલીના આઉટ થયા બાદ મૅક્સવેલ અને ડુપ્લેસીએ ઇનિંગ સંભાળી. બંનેએ મળીને 69 બૉલમાં 138 રન બનાવ્યા.
 
મૅક્સવેલ 211.11ના સ્ટ્રાઇક રેટ અને આઠ છગ્ગા સાથે 36 બૉલમાં 76 રન બનાવીને આઉટ થયા, જ્યારે ડુપ્લેસીએ 33 બૉલમાં 62 રન બનાવ્યા.
 
મૅક્સવેલની તોફાની બૅટિંગનો અંદાજ એ રીતે મેળવી શકાય કે તેમના બૅટને અડતો લગભગ દરેક બૉલ છગ્ગા કે ચોગ્ગામાં પરિણમતો હતો.
 
જ્યારે તે આઉટ થયા ત્યારે બૅંગ્લોરને જીતવા માટે 47 બૉલમાં 86 રનની જરૂર હતી, પરંતુ તેના પછીની ઓવરમાં જ ડુપ્લેસી આઉટ થતાં મૅચ પલટાવાની શરૂ થઈ ગઈ.
 
મૅચમાં કુલ 33 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. જેમાંથી દસ છગ્ગા તો આ બે બૅટ્સમૅનોએ જ ફટકાર્યા હતા.
 
બંનેના પેવેલિયન પરત ફર્યા બાદ દિનેશ કાર્તિકે પણ થોડા સમય માટે બેટિંગ કરી અને 14 બૉલમાં 28 રન બનાવીને આઉટ થયા.
 
જ્યારે તેઓ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે લાગી રહ્યું હતું કે ચૅન્નઈ માટે જીત મુશ્કેલ હશે પણ તેમના આઉટ થયા બાદ ધોનીની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
 
છેલ્લા 24 બૉલમાં જીતવા માટે માત્ર 46 રનની જરૂર હતી. જે સામાન્ય ટી20 મૅચોમાં સરળતાથી બની શકે છે.
 
ધોનીએ મિસ્ટ્રી બૉલરને કમાન સોંપી
 
 
મહેન્દ્રસિંહ ધોનીનો મિસ્ટ્રી બૉલર અહીં કામ લાગ્યો. મિસ્ટ્રી બૉલર એટલા માટે કારણ કે તેમને આ મૅચમાં ફેરફાર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયા હતા.
 
આ એક એવા મિસ્ટ્રી બૉલર છે, જેમના ગત વર્ષે ડૅબ્યૂ મૅચમાં ધોનીએ વખાણ કર્યાં હતાં.
 
ગત વર્ષે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી ફાઇનલમાં ભલે ચૅન્નઈ હારી ગયું હોય, પરંતુ આ રહસ્યમય બૉલરે શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની વિકેટ ઝડપી પાડી હતી.
 
મૅચ બાદ ધોનીએ તેમને સર્વશ્રેષ્ઠ ડૅથ ઓવર બૉલર ગણાવ્યા હતા.
 
જો તમે સમજી ગયા હો તો ઠીક અને ન સમજ્યા હો તો, એ છે શ્રીલંકાના મેથીસા પથિરાના.
 
પથિરાનાની બૉલિંગ ઍક્શન શ્રીલંકાના પૂર્વ બૉલર લસિથ મલિંગાને મળતી આવે છે અને પછી ધોનીએ પણ તેમના વિશે કહ્યું હતું કે તેમની બૉલિંગ ઍક્શનના કારણે તેમને વધુ બાઉન્સ નહીં મળે. જેતી બૉલ સીધો બેટ પર અડકશે નહીં.
 
આ વર્ષે આઈપીએલમાં તેમની પ્રથમ મૅચ હતી.
 
જોકે, મૅક્સવેલે મૅચમાં પથિરાનાની શરૂઆતી ઓવરોમાં સારું પ્રદર્શન આપ્યું હતું. તેમણે પથિરાનાની બે ઓવરમાં 27 રન બનાવ્યા.
 
તેમ છતાં ધોનીએ અંતિમ ઓવરોમાં તેમના પર ભરોસો મૂક્યો અને 18મી ઓવર સોંપી. અહીં પથિરાનાએ એ જ કર્યું જે ધોનીએ તેમના વિશે ગયા વર્ષે કહ્યું હતું.
 
કેવી રીતે મૅચ પલટાઈ?
 
બૅંગ્લોરને જીતવા માટે 18 બૉલમાં 35 રનની જરૂર હતી અને તેમની પાસે હજુ પાંચ વિકેટો બાકી હતી.
 
પથિરાનાએ 18મી ઓવરના પ્રથમ બૉલ પર વિકેટ લીધી. વિકેટ લીધા બાદ તેઓ ધોની સાથે વાત કરતા જોવા મળ્યા. ધોની તેમને કંઇક સમજાવી રહ્યા હતા.
 
પથિરાનાએ બીજો બૉલ ઝડપથી ફેંક્યો અને ત્રીજો અત્યાંત ધીમો. આ બંને બૉલ પર એક પણ રન ન બન્યો.
 
ચોથો બૉલ બાઉન્સ થયો તો પાંચમા વાઇડ પડ્યો. પરંતુ તે પછીના બે બૉલ પર પણ પથિરાનાએ માત્ર બે રન જ આપ્યા.
 
આ રીતે મૅચની સૌથી મહત્ત્વપૂર્ણ એવી ઓવરમાં બૅંગ્લોર માત્ર ચાર રન બનાવી શક્યું અને તેમણે એક બૅટ્સમૅન પણ ગુમાવ્યો.
 
આ સિવાય મૅચની અંતિમ ઓવરમાં જ્યારે બૅંગ્લોરને જીતવા માટે 19 રનની જરૂર હતી, ત્યારે પથિરાનાએ પ્રથમ બે બૉલમાં માત્ર એક-એક રન આપ્યો.
 
તેમના ત્રીજા બૉલ પર છગ્ગો વાગ્યો પણ પછી માત્ર બે રન જ થવા દીધા અને છેલ્લા બૉલ પર વિકેટ પણ લીધી.
 
મથિસા પથિરાનાની સોશિયલ મીડિયા પર પણ ઘણી પ્રશંસા કરવામાં આવી રહી હતી. કેટલાકે તેમને 'ડૅથ ઓવરના મસીહા' ગણાવ્યા તો કેટલાકે લખ્યું કે ધોનીને તેમના પર વિશ્વાસ છે.
 
બંને ટીમોએ શું શીખવાની જરૂર છે?
 
ભલે ચૅન્નઈની ટીમને આ મૅચમાં ખૂબ જ નજીવા અંતરથી વિજય મળ્યો હોય, પરંતુ નબળી બૉલિંગ અને ફિલ્ડિંગ દરમિયાન ઘણા કૅચ તેમને મોંઘા પડ્યા.
 
મહેન્દ્રસિંહ ધોનીએ પોતે શરૂઆતમાં જ ફાફ ડુપ્લેસીનો કૅચ છોડ્યો હતો.
 
એકંદરે ફિલ્ડિંગના ક્ષેત્રમાં ચૅન્નઈ સુપર કિંગ્સ માટે આ નિરાશાજનક પ્રદર્શન હતું. જેના પર ટીમ મૅનેજમૅન્ટે હવેથી વિશેષ ધ્યાન આપવું પડશે.
 
બીજી તરફ કોહલી, ડુપ્લેસી અને મૅક્સવેલ સિવાય કાર્તિક બૅંગ્લોર તરફથી આ આઈપીએલમાં ઘણી ઓછી વખત રમતા જોવા મળ્યા છે.
 
આ જીત બાદ ચૅન્નઈ સુપર કિંગ્સ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરની ટીમ સાતમા સ્થાને યથાવત્ છે.
 
બૅંગ્લોર માટે સારી વાત એ છે કે અત્યાર સુધી 259 રન ફટકારનારા કૅપ્ટન ફાફ ડુપ્લેસી પાસે ઑરેન્જ કૅપ છે.
 
તો આ આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોચના બે બૅટ્સમેન (મૅક્સવેલ અને ડુપ્લેસી) પણ બૅંગ્લોરના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર